<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

સરકારી 'બાબુ'નો બેહિસાબ ખજાનો: ૧૫ હજારના પગારદાર પાસે ૧૫ કરોડની માયા! એસીબીના દરોડામાં મળ્યું ૨ કિલો સોનું અને રોકડનો પહાડ

૧૫ વર્ષની નોકરી, ૧૭ લાખની કાયદેસરની કમાણી પણ સંપત્તિ ૯૩૮ ટકા વધુ : ફલોદીના જુનિયર આસિસ્ટન્ટ શુભકરણ છિપાના ૫ ઠેકાણે દરોડા : લક્ઝરી બંગલા અને કિલોગ્રામમાં સોનું જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી

બિકાનેર :  ભ્રષ્ટાચારની પરિભાષા કેટલી ભયાનક હોઈ શકે છે તેનો જીવતો-જાગતો પુરાવો રાજસ્થાનના ફલોદીમાં જોવા મળ્યો છે. અપ્રમાણસર સંપત્તિના કેસમાં જ્યારે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ગ્રામ પંચાયતના એક સામાન્ય જુનિયર આસિસ્ટન્ટ શુભકરણ છિપાના ઘરનો દરવાજો ખખડાવ્યો, ત્યારે અંદરથી મળેલી સંપત્તિ જોઈને અધિકારીઓની આંખો ફાટી ગઈ હતી. જે વ્યક્તિનો મહિનાનો પગાર માંડ ૧૫-૨૦ હજાર રૂપિયા હતો, તેના ઘરેથી ૨ કિલો સોનું, ૩ કિલો ચાંદી અને ૭૫ લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. આ સરકારી કર્મચારીએ પોતાની ૧૫ વર્ષની કારકિર્દીમાં માત્ર ૧૭ લાખ રૂપિયા કાયદેસર કમાયા હતા, પરંતુ તેની પાસે ૧૫ કરોડ રૂપિયાની કાળી કમાણીનો અંબાર નીકળ્યો છે.

એસીબીની તપાસમાં બહાર આવ્યું છે કે શુભકરણે ભ્રષ્ટાચારના પૈસાથી જયપુર રોડ અને વ્યાસ કોલોની જેવા પોશ વિસ્તારોમાં ૫ આલીશાન મકાનો અને અનેક હેક્ટર ખેતીની જમીનો ખરીદી હતી. આ ચતુર 'બાબુ' એ પોતાની મોટાભાગની મિલકતો પત્ની સરિતા અને સંબંધીઓના નામે કરી દીધી હતી જેથી કાયદાની નજરમાંથી બચી શકાય. આશ્ચર્યની વાત એ છે કે, શુભકરણના ત્રણ ભાઈઓ હજુ પણ ગામમાં સામાન્ય મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, જ્યારે શુભકરણે સત્તાના જોરે આખું સામ્રાજ્ય ઉભું કરી દીધું હતું. એસીબીએ હવે તેની પત્નીને પણ આ ગુનામાં સહભાગી ગણીને આરોપી બનાવી છે.

શુભકરણની સફર ૨૦૧૦માં એક સામાન્ય રોજગાર સહાયક તરીકે શરૂ થઈ હતી અને ૨૦૨૨માં તે જુનિયર આસિસ્ટન્ટ બન્યો હતો. પરંતુ તેની જીવનશૈલી કોઈ મોટા ઉદ્યોગપતિને પણ ટક્કર મારે તેવી હતી. એસીબીના અધિકારીઓ અત્યારે તેના બેંક લોકર્સ અને અન્ય દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે, જેમાં હજુ વધુ ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના છે. પંચાયત સમિતિના નાના કર્મચારી પાસે આટલો મોટો ખજાનો ક્યાંથી આવ્યો અને તેમાં કયા મોટા માથાઓ સામેલ છે, તે હવે તપાસનો વિષય બન્યો છે. રાજસ્થાનમાં આ કાર્યવાહીએ ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે.

(11:19 PM IST)