<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

ચીનમાં નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ: ફટાકડાની દુકાનમાં ભીષણ વિસ્ફોટ સાથે આખું બજાર ધણધણી ઉઠ્યું, ૧૨ લોકોના કરુણ મોત!

ચંદ્ર નવા વર્ષ (Lunar New Year) ના ઉત્સાહ વચ્ચે ચીનના હુબેઈ પ્રાંતમાં મોટી દુર્ઘટના: એક જ અઠવાડિયામાં બીજી વાર ફટાકડાએ લીધો નિર્દોષોનો ભોગ - ચીની સરકારની કડક ચેતવણી.

ઝિયાંગયાંગ : ચીનમાં અત્યારે ચંદ્ર નવા વર્ષ અને વસંત ઉત્સવની ધૂમ મચી છે, પરંતુ આ ખુશીઓ વચ્ચે ઝિયાંગયાંગ શહેરમાંથી હૃદય દ્રાવક સમાચાર સામે આવ્યા છે. શહેરના ઝેંગજી ટાઉનમાં આવેલી ફટાકડાની એક દુકાનમાં બુધવારે બપોરે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં ૧૨ લોકોએ સ્થળ પર જ જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે.
બપોરે ૨ વાગ્યે સર્જાયો કાળમુખો વિસ્ફોટ
સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, બુધવારે બપોરે આશરે ૨ વાગ્યાની આસપાસ હુબેઈ પ્રાંતના આ ટાઉનમાં ફટાકડાની દુકાનમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને ફટાકડાના સ્ટોકને કારણે શ્રેણીબદ્ધ વિસ્ફોટો થવા લાગ્યા. વિસ્ફોટની તીવ્રતા એટલી વધુ હતી કે આશરે ૫૦ ચોરસ મીટરનો વિસ્તાર કાટમાળમાં ફેરવાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમોએ દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
એક જ અઠવાડિયામાં બીજી મોટી હોનારત
ચીન માટે આ અઠવાડિયું દુર્ઘટનાઓથી ભરેલું રહ્યું છે. રવિવારે પણ પૂર્વી જિઆંગસુ પ્રાંતમાં આવી જ એક ફટાકડાની દુકાનમાં આગ લાગતા ૮ લોકોના મોત થયા હતા. આમ, માત્ર ચાર દિવસમાં જ ફટાકડાના કારણે કુલ ૨૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનાઓને પગલે ચીની સરકારે મંગળવારે જ દેશભરમાં એડવાઈઝરી જારી કરીને ફટાકડાના સંગ્રહ અને વેચાણ બાબતે કડક સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા આદેશ આપ્યા હતા.
પરંપરા અને સુરક્ષા વચ્ચેનો વિવાદ
ચીનમાં નવા વર્ષની ઉજવણીમાં ફટાકડા ફોડવાની સદીઓ જૂની પરંપરા છે. જોકે, વધતા જતા અકસ્માતો અને વાયુ પ્રદૂષણને કારણે અનેક મોટા શહેરોએ ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધો છતાં, ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ફટાકડાનું ધૂમ વેચાણ થાય છે, જે ઘણીવાર આવી મોટી જાનહાનિનું કારણ બને છે. ગયા વર્ષે પણ હુનાન પ્રાંતમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં અનેક લોકોના મોત થયા હતા.

(11:31 PM IST)