News of Thursday, 19th February 2026
ભારત એઆઈ ક્ષેત્રે ચીન સામે હથિયાર હેઠા મૂકી રહ્યું છે: રાહુલ ગાંધીના આકરા પ્રહાર
મેક ઇન ઇન્ડિયાના નામે ચીની રોબોટ્સ? સંસદમાં રાહુલ ગાંધીએ સરકારને ઘેરી: ડેટા એ એઆઈ માટે પેટ્રોલ સમાન, દેશનું હિત જોખમમાં: રાહુલ ગાંધીની ચેતવણી

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં સંસદમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતની સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે ભારત આ મહત્ત્વપૂર્ણ ક્રાંતિમાં ફરી એકવાર ચીન સામે નમી રહ્યું છે.
ચીની ટેકનોલોજીને ભારતીય ગણાવવાનો આરોપ: વીડિયોમાં દર્શાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે સરકાર જે ટેકનોલોજીને 'સ્વદેશી' અને 'મેક ઇન ઇન્ડિયા' તરીકે રજૂ કરી રહી છે, તે વાસ્તવમાં ચીનથી આયાત કરવામાં આવી છે.
ફેબ્રુઆરી ૨૦૨૬ માં આયોજિત એઆઈ સમિટમાં રજૂ કરવામાં આવેલ 'યુનિટ્રી' રોબોટ અને 'સ્કાયબોલ' ડ્રોન વાસ્તવમાં ચીની ઉત્પાદનો હોવાનું વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે.
તેમણે આરોપ લગાવ્યો કે મંત્રીઓ ચીની રોબોટ્સને ભારતીય એન્જિનિયરોની સિદ્ધિ ગણાવીને જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
'ડેટા એ એઆઈ માટે પેટ્રોલ સમાન છે'
રાહુલ ગાંધીએ ડેટાની સુરક્ષા અંગે વાત કરતા જણાવ્યું હતું કે:
"એઆઈ માટે પેટ્રોલ એ ડેટા છે. જો તમારી પાસે એઆઈ હોય પણ ડેટા ન હોય, તો તમારી પાસે કંઈ જ નથી".
તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર દેશનો ડેટા અને સોફ્ટવેર એન્જિનિયરોનું હિત વિદેશી શક્તિઓને વેચી રહી છે.
તથા ભારત પાસે ઉત્પાદન નેટવર્ક અથવા કન્ઝમ્પશન ડેટાના અભાવે એઆઈ ક્ષેત્રે નંબર વન બનવું મુશ્કેલ છે.
એન્જિનિયરો અને દેશ સાથે છેતરપિંડી: રાહુલ ગાંધીએ સરકારને સવાલ કર્યો હતો કે ચીની ઉત્પાદનોને ભારતીય ગણાવતા તેમને શરમ નથી આવતી? તેમણે ઉમેર્યું કે ભારત જેવા દેશ માટે એ ગંભીર બાબત છે કે જે પણ ટેકનોલોજી આપણે વાપરી રહ્યા છીએ તે ચીનમાં બની રહી છે. આ બાબત દેશના યુવા એન્જિનિયરો અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાહુલના ચાબખા
ચીની આયાત: એઆઈ સમિટમાં રજૂ થયેલા રોબોટ્સ અને ડ્રોન ચીની કંપનીઓના હોવાનો દાવો.
ડેટાની સુરક્ષા: ભારતીય ડેટા વિદેશી શક્તિઓના હાથમાં જઈ રહ્યો હોવાની આશંકા.
છેતરપિંડી: સ્વદેશી ટેકનોલોજીના નામે ચીની બનાવટની વસ્તુઓ રજૂ કરવાનો આરોપ.
(12:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
