News of Thursday, 19th February 2026
પંજાબમાં અનોખા લગ્નઃ દુલ્હન પર ૮.૫ કરોડની નોટો ઉડાવી
લગ્નનો વીડિયો હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ

ચંડીગઢ તા.૧૯: પંજાબના એક શાહી લગ્ને સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવી દીધો છે. આ લગ્નમાં એવું દ્રશ્ય જોવા મળ્યું છે, જેને જોઈ મહેમાનો જ નહીં, ઇન્ટરનેટ પર યુઝર્સ પણ ચોંકી ગયા છે. વરરાજાના પરિવારે દુલ્હન પર ૮.૫ કરોડ રૂપિયા રોકડા ઉડાડ્યા હતા. જેના કારણે આ લગ્ન સમારંભ જોતજોતામાં એક ભવ્ય કેશ પાર્ટી બની ગઈ હતી.
લગ્નનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આ અનોખા અને ચોંકાવનારા દ્રશ્ય પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈ તેને લગ્નનો શાહી અંદાજ ગણાવી રહ્યા છે તો કોઈ તેને નકામો ખર્ચો ગણાવી રહ્યા છે.
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જેવું દુલ્હન સ્ટેજ પર પહોંચે છે, વરરાજાનો પરિવાર તેના પર અસલી નોટોનો વરસાદ શરુ કરે છે. થોડી જ વારમાં મંચ પર રોકડા રૂપિયાનો ઢગલો થઈ જાય છે. મહેમાનો આ દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કરી લે છે. કહેવાય છે કે આ રકમ કુલ મળીને ૮.૫ કરોડ રૂપિયા થાય છે. આ દરમિયાન માહોલમાં ઉત્સાહ અને નવાઈ સ્પષ્ટ દેખાય છે. જો કે એ વાતની પુષ્ટિ નથી થઈ કે આ નોટ અસલી હતી કે નકલી?
આ વીડિયો વાયરલ થવાનું સૌથી મોટું કારણ અહીં ઉડાવવામાં આવેલા રૂપિયા છે. મોટા ભાગે લગ્નમાં ગિફટ અથવા કવર આપવામાં આવે છે. પણ કરોડો રૂપિયા આવી રીતે ઉડાવવાનો મામલો થોડો દુર્લભ લાગે છે. આ જ કારણ છે કે લોકો તેને વારંવાર જોઈ રહ્યા છે અને શેર કરી રહ્યા છે. લગ્નનું આ દ્રશ્ય હવે ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ચૂક્યું છે.
વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ પણ અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી લખ્યું કે લક્ષ્મીને પગ તળે નીચે રાખવી ખોટી વાત છે. બીજાએ લખ્યું કે, ભાઈ આટલા રૂપિયા હોય તો દીકરીના લગ્નમાં કોઈ ગરીબોને દાનમાં આપી દો, આ દેખાડો શું કામ કરવાનો. વળી ત્રીજાએ લખ્યું કે, હાલમાં તો આ કાગળ છે, ગરીબોની મદદ કરતી વખતે નોટ થઈ જશે. એક અન્ય યુઝરે લખ્યું કે, લાગે છે કે કંઈક તો ગોલમાલ છે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
