News of Thursday, 19th February 2026
સૌથી મોંઘો પરફયુમઃ ૧ શીશી ખરીદવા લેવી પડશે કરોડોની લોન !
શુમુખ પરફયુમની કિંમત લગભગ ૧૨.૯ લાખ ડોલર એટલે કે ૧૧.૭ કરોડ રૂપિયા

નવી દિલ્હી તા.૧૯: વર્તમાન સમયમાં પરફયુમ મોટાભાગના લોકોના દરરોજના જીવનનો ભાગ બની ગયો છે. સામાન્ય રીતે ઓફિસ, કોલેજ કે કોઈ પ્રસંગમાં જતી વખતે લોકો પરફયુમ લગાવતા હોય છે. ત્યારે શું તમને ખબર છે કે દુનિયાનો સૌથી મોંઘો પરફયુમ કયો છે અને તેની કિમત કેટલી છે? કેટલાક પરફયુમની કિમત એટલી હોય છે કે તેને ખરીદવા માટે એક તમારે લોન પણ લેવી પડી શકે છે.
તમને ખબર જ હશે કે મોટાભાગના બ્રાન્ડેડ પરફયુમની કિમત ૫ હજારથી લઈને ૨૫ હજાર રૂપિયા સુધી હોય છે. કેટલાક અલ્ટ્રા લકઝુરિયસ પરફયુમ પણ હોય છે, જેમની કિમત લાખો રૂપિયા સુધી પહોંચી શકે છે, પરંતુ કોઈ તમને કહે કે દુનિયામાં કેટલાક પરફયુમ એવા છે કે જેની નાની બોટલ ખરીદવા માટે તમને ૧ કરોડથી વધુ રૂપિયા ચૂકવવા પડી શકે છે, તો કોઈપણ સામાન્ય વ્યક્તિ ચોંકી શકે છે.
દુનિયાના સૌથી મોંઘા પરફયુમની વાત કરીએ તો તેમાં સૌથી પહેલા ક્રમે આવે છે શુમુખ. નબીલ પરફયુમ્સ દ્વારા દુબઈમાં લોન્ચ કરાયેલો શુમુખ પરફયુમ દુનિયાના સૌથી મોંઘા પરફયુમમાંથી એક ગણાય છે. જેની કિમત લગભગ ૧૨.૯ લાખ ડોલર એટલે કે ૧૧.૭ કરોડ રૂપિયા કહેવામાં આવે છે. ૩ લીટરની આ બોટલને ૩૫૦૦થી વધુ હીરા, મોતી, સોના અને ચાંદીથી શણગારવામાં આવે છે. જેની સુગંધ અગરવુડ (ઉદ), ચંદન, કસ્તૂરી, તુર્કી ગુલાબ અને એમ્બર સામેલ છે. જોકે, ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ્સનું માનવું છે કે, આ પરફયુમની કિમત આટલી વધુ હોવા પાછળ તેની જ્વેલરીથી શણગારાયેલી બોટલના લીધે છે.
સૌથી મોંઘા પરફયુમની યાદીમાં બીજા ક્રમે DKNY ગોલ્ડન ડિલિશિયસ મિલિયન ડોલર ફ્રેગરેન્સ બોટલ આવે છે. આ પરફયુમ વર્ષ ૨૦૧૧માં લોન્ચ થયો હતો. જે લિમિટેડ એડિશન DKNY ના ગોલ્ડન ડિલિશિયસ પરફયુમનો સ્પેશિયલ વર્ઝન હતો. જેની કિમત ૧૦ લાખ ડોલર (આશરે ૯ કરોડ રૂપિયા) છે. સફરજનના આકારવાળી આ બોટલને દુનિયાભરથી લાવવામાં આવેલા ૩૦૦૦ જેટલા કિમતી પથ્થરોથી શણગારવામાં આવી હતી.
આ યાદીમાં ત્રીજા ક્રમે ક્લાઈવ ક્રિヘયિન નંબર ૧ ઈમ્પીરિયલ મેજેસ્ટીનું નામ આવે છે.આ એડિશનની માત્ર ૧૦ બોટલ બનાવવામાં આવી હતી. દરેક બોટલને દુર્લભ ક્રિસ્ટલમાંથી તૈયાર કરવામાં આવી હતી, જેમાં પાંચ કેરેટનો હીરા અને ૧૮ કેરેટનો સોનાનો કોલર લગાવવામાં આવ્યો હતો. શરુઆતમાં આ બોટલની કિમત ૨.૧૫ લાખ ડોલર બતાવવામાં આવી હતી, જે વર્તમાન એક્સચેન્જ રેટ મુજબ લગભગ ૧.૯ કરોડ રૂપિયા થાય છે.
જો તમે પણ વિચારી રહ્યા છો કે આ પરફયુમમાં એવું તો શું ખાસ છે કે, જેના લીધે તેમની કિમત કરોડો રૂપિયામાં છે. તો તેનો જવાબ છે કે, હીરા, સોના, પ્લેટિનમ અને ખાસ ક્રિસ્ટલ વર્કના લીધે મોટાભાગે પરફયુમ કરતા બોટલ વધારે કિમતી બની જાય છે. આ ઉપરાંત, ઉદ, નેચરલ એમ્બરગ્રીસ અને હાઈ-ગ્રેડ ગુલાબનું તેલ પરફયુમ ઈન્ડસ્ટ્રીની સૌથી મોંઘી કાચી સામગ્રીમાં સામેલ છે. કેટલાક એડિશન ખૂબ જ ઓછી સંખ્યામાં બનાવવામાં આવે છે, જેના લીધે તેમની એક્સક્લુઝિવિટી અને રી-સેલ વેલ્યૂ વધી જાય છે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
