<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

વિમાનમાં ઉપદ્રવી મુસાફરો સામે ૩૦ દિવસથી ૨ વર્ષ સુધીના પ્રતિબંધ મૂકાશે

નવા નિયમોનો પ્રસ્‍તાવઃ વિમાન, મુસાફરોની સુરક્ષા માટે ઝીરો ટોલેરન્‍સ નીતિ

નવી દિલ્‍હી,તા.૧૯:  વિમાનમાં ઉપદ્વવી કે બેકાબુ મુસાફરો સામે કાર્યવાહી કરવા માટે નવા આકરા નિયમોની દરખાસ્‍ત કરાઈ છે. આ સૂચિત નિયમો મુજબ એરલાઇન્‍સ કંપનીઓ પોતે જ આવા મુસાફરો પર ૩૦ દિવસ સુધીનો તાત્‍કાલિક ફલાઇટ પ્રતિબંધ લાદી શકશે. આ ઉપરાંત ગંભીર પ્રકારના ગુના માટે ૨ વર્ષ અથવા અમર્યાદિત ફલાઇટ પ્રતિબંધ પણ સામનો કરવો પડશે. નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની નિયમનકારી સંસ્‍થાએ આ નિયમોનો ડ્રાફટ જારી કરી ૧૬ માર્ચ સુધી સંબંધિત પક્ષકારો પાસેથી અભિપ્રાયો મંગાવ્‍યા છે.

નવા નિયમોના ડ્રાફટમાં ડાયરેક્‍ટોરેટ જનલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ જણાવ્‍યું હતું કે વિમાન, મુસાફરો, સંપત્તિની સુરક્ષા માટે ઝીરો ટોલેરન્‍સ નીતિ અપનાવવામાં આવી છે. વિમાનમાં વ્‍યવસ્‍થા અને શિસ્‍ત જાળવી રાખવા માટે નિયમનો ભંગ કરતાં મુસાફરો સામે કાર્યવાહી કરાશે. નવા નિયમો મુજબ એરલાઇન્‍સે બેકાબૂ મુસાફરોનો સામનો કરવા અને અને DGCAને આવી ઘટનાઓની જાણ કરવા માટે એક સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટિગ પ્રોસિજર (SOP) બનાવીને તેનો અમલ કરવાનો રહેશે. એરલાઇને રચેલી સ્‍વતંત્ર સમિતિ આવા મુસાફરો પર પ્રતિબંધ મૂકવા માટે નિર્ણય કરશે. એરલાઇન સ્‍વતંત્ર સમિતિમાં કેસ મોકલ્‍યા વગર સંબંધિત મુસાફર પર વધુમાં વધુ ૩૦ દિવસનો ફલાઇટ પ્રતિબંધ મૂકી શકશે. વિમાનમાં ધૂમ્રપાન, સ્‍થાનિક ઉડાન દરમિયાન દારૂનું સેવન અને ઇમરજન્‍સી એક્‍ઝિટનો દુરુપયોગ અથવા લાઇફ જેકેટ સહિત જીવનરક્ષક ઉપકરણોનો અનધિકૃત ઉપયોગ સહિત વિવિધ ઉલ્‍લંઘનો માટે એરલાઇન આવી કાર્યવાહી કરી શકાય છે. સૂચિત નિયમો મુજબ ગુનાના પ્રકારના આધારે બેકાબૂ મુસાફરોને ઉડાન પ્રતિબંધનો સામનો કરવો પડશે. લેવન-૧ ગુના માટે ત્રણ મહિનાનો, લેવલ-૨ ગુના માટે છ મહિના સુધીનો પ્રતિબંધ આવશે. લેવલ-૩ અને લેવલ- ૩ ગુના માટે ઓછામાં ઓછા બે વર્ષ અથવા કોઇ મર્યાદા વગરનો પ્રતિબંધ લાગુ પડશે. લેવલ-૧ ગુનામાં શારીરિક હાવભાવ, મૌખિક સતામણી અથવા દારૂના નશા જેવા વર્તનનો સમાવેશ થાય છે. લેવલ-૨ ગુનામાં ધક્કો મારવો, લાત મારવી, અયોગ્‍ય સ્‍પર્શ અથવા જાતીય સતામણીનો સમાવેશ થાય છે. લેવલ-૨ ગુનામાં વિમાન ઓપરેટિગ સિસ્‍ટમને નુકસાન, શારીરિક હિસા જેવી જીવન માટે જોખમ ઊભું કરતાં વર્તનનો સમાવેશ થાય છે. લેવલ ૪માં ફલાઇટ ક્રૂ કમ્‍પાર્ટમેન્‍ટમાં પ્રવેશ કરવાનો સમાવેશ થાય છે.

(10:19 AM IST)