<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

કેનેડા જવાનું હવે બનશે વધુ પડકારજનક પણ 'આ' ક્ષેત્રના લોકો માટે ખુલશે નસીબ: એક્સપ્રેસ એન્ટ્રીના નિયમોમાં ધરખમ ફેરફાર

વડાપ્રધાન માર્ક કાર્નેની સરકારે સંરક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે 'લશ્કરી ભૂમિકાઓ' ઉમેરી: અમેરિકા પર નિર્ભરતા ઘટાડવા અને સંશોધન ક્ષેત્રને મજબૂત કરવા માસ્ટર પ્લાન તૈયાર

ટોરોન્ટો, તા. ૧૯: કેનેડા સરકારે તેની ઇમિગ્રેશન પોલિસીમાં એક મોટો અને વ્યૂહાત્મક ફેરફાર કર્યો છે. વધતી જતી વસ્તી અને હાઉસિંગ કટોકટી વચ્ચે, વડાપ્રધાન માર્ક કાર્નેના વહીવટીતંત્રે નવા કાયમી નિવાસીઓની (PR) કુલ સંખ્યામાં ઘટાડો કરવાની સાથે હવે 'સિલેક્ટિવ' ઇમિગ્રેશન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બુધવારે જાહેર કરાયેલા નવા નિયમો મુજબ, એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં હવે લશ્કરી ભૂમિકાઓ અને ઉચ્ચ કુશળ વ્યાવસાયિકો માટે નવી પ્રાથમિકતા શ્રેણીઓ ઉમેરવામાં આવી છે.
સંરક્ષણ ક્ષેત્રમાં વિદેશી પ્રતિભાને સ્થાન
આ ફેરફારમાં સૌથી નોંધપાત્ર બાબત લશ્કરી ભરતીનો સમાવેશ છે. કેનેડા હવે એવા અત્યંત કુશળ વિદેશી અરજદારોને આવકારશે જેઓ કેનેડિયન સશસ્ત્ર દળોમાં સેવા આપી શકે. આમાં ખાસ કરીને લશ્કરી ડોકટરો, નર્સો અને પાઇલટ્સનો સમાવેશ થાય છે. આ પગલા પાછળનો હેતુ કેનેડાની પોતાની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવાનો અને યુનાઇટેડ સ્ટેટ્સ પરની નિર્ભરતા ઘટાડવાનો છે.
આ ક્ષેત્રોના નિષ્ણાતો માટે લાલ જાજમ
ઇમિગ્રેશન મંત્રી લેના મેટલેજ ડાયબે જણાવ્યું હતું કે, ૨૦૨૬થી અમલમાં આવનારા આ ફેરફારોથી એવા લોકોને પ્રાથમિકતા મળશે જેઓ કેનેડા પહોંચતાની સાથે જ અર્થતંત્રમાં યોગદાન આપી શકે. નવી યાદીમાં નીચેના પ્રોફાઇલ્સને વિશેષ સ્થાન મળશે:
•    આરોગ્ય સંભાળ: વિદેશી તબીબી ડોકટરો (ખાસ કરીને કેનેડિયન અનુભવ ધરાવતા).
•    ઉડ્ડયન અને પરિવહન: પાઇલટ્સ અને એરક્રાફ્ટ મિકેનિક્સ.
•    સંશોધન અને મેનેજમેન્ટ: ઉચ્ચ સ્તરીય સંશોધકો અને વરિષ્ઠ મેનેજરો.
નાટો (NATO) લક્ષ્યાંકો અને નવી સંરક્ષણ વ્યૂહરચના
વડાપ્રધાન કાર્નેએ આગામી દાયકા માટે એક મહત્વાકાંક્ષી સંરક્ષણ યોજના રજૂ કરી છે. જે અંતર્ગત સંરક્ષણ સંશોધનમાં ૮૫% રોકાણ વધારવાનું અને આ ક્ષેત્રમાં ૧,૨૫,૦૦૦ નવી નોકરીઓ ઉભી કરવાનું લક્ષ્ય છે. કેનેડાએ ૨૦૩૫ સુધીમાં તેના સંરક્ષણ ખર્ચને જીડીપીના ૫% સુધી લઈ જવાનું વચન આપ્યું છે, જેના માટે કુશળ માનવબળની ભારે અછત વર્તાઈ રહી છે.
શું ચાલુ રહેશે?
જૂની એક્સપ્રેસ એન્ટ્રી શ્રેણીઓ જેમ કે ફ્રેન્ચ ભાષામાં નિપુણતા ધરાવતા ઉમેદવારો, હેલ્થકેર વર્કર્સ અને કુશળ ટ્રેડ્સ માટેના આમંત્રણ રાઉન્ડ ચાલુ રહેશે. જોકે, હવે સામાન્ય કેટેગરીમાં PR મેળવવું વધુ મુશ્કેલ બનશે કારણ કે સરકાર ઇમિગ્રેશનને 'ટકાઉ સ્તરે' પાછું લાવવા માંગે છે જેથી દેશની સામાજિક સેવાઓ અને ઘરની અછત પરનું દબાણ ઘટે.
કેનેડાના આ નવા અભિગમથી સ્પષ્ટ થાય છે કે હવે માત્ર ડિગ્રી હોવી પૂરતી નથી, પરંતુ દેશની વ્યૂહાત્મક જરૂરિયાતો મુજબની આવડત હોવી અનિવાર્ય બનશે.

(4:52 PM IST)