News of Thursday, 19th February 2026
અંબાજી મંદિરમાં 'જય અંબે તિથિ ભોજન યોજના'નો ભવ્ય પ્રારંભ : અનંત અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રૂ. ૨૭.૫૦ કરોડનું જંગી દાન
પ્રથમ જ દિવસે ૩૦ કરોડથી વધુનું ભંડોળ એકત્ર થયું : શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક અન્નસેવા વધુ સુદ્રઢ બનશે : કલેક્ટરે જાતે ભોજન પીરસી અન્નક્ષેત્રનો ઉત્સાહ વધાર્યો

અંબાજી, તા. 19 : પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરવા અને નિઃશુલ્ક અન્નસેવાને વધુ વ્યાપક બનાવવાના ઉમદા હેતુથી બુધવારે ‘જય અંબે તિથિ ભોજન યોજના’નો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાના પ્રથમ જ દિવસે દાતાઓના અભૂતપૂર્વ સહયોગથી ૩૦ કરોડ રૂપિયાથી વધુની માતબર રકમનું દાન એકત્ર થયું છે. જેમાં જાણીતા ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ૨૭.૫૦ કરોડ રૂપિયાનું જંગી દાન અર્પણ કરવામાં આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદારો દ્વારા આ યોજનાને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે કલેક્ટરે જાતે ભક્તોને ભોજન પીરસીને સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અંબિકા અન્નક્ષેત્રમાં દરરોજ હજારો યાત્રાળુઓ ભોજન પ્રસાદનો લાભ લેતા હોય છે, ત્યારે આ નવી યોજનાથી અન્નસેવા વધુ મજબૂત બનશે.
રૂ. ૧.૫૧ લાખના દાનથી તિથિના મુખ્ય દાતા બની શકાશે:
મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, જે ભક્તો પોતાના જન્મદિવસ, લગ્નગ્રંથિની વર્ષગાંઠ કે સ્વજનની પુણ્યતિથિ નિમિત્તે આ સેવામાં સહભાગી થવા માંગતા હોય, તેઓ ૧.૫૧ લાખ રૂપિયાનું દાન આપીને નિશ્ચિત તિથિના મુખ્ય દાતા બની શકશે. આ ભંડોળનો ઉપયોગ યાત્રાળુઓને અવિરત અને ગુણવત્તાયુક્ત ભોજન પૂરું પાડવા માટે કરવામાં આવશે. પ્રથમ દિવસે જ અંબાણી પરિવાર તરફથી મળેલા મહારાજ દાનને પગલે અન્ય દાતાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
