<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

શિક્ષણના ધામમાં હેવાનિયત: આયોવા યુનિવર્સિટીમાં 56 યુવાનોના રેગિંગનો ભયાનક વીડિયો વાયરલ; આંખે પાટા અને અર્ધ નગ્ન હાલતમાં મળ્યા વિદ્યાર્થીઓ

પોલીસ બોડી કેમેરામાં કેદ થઈ કાળી કરતૂતો: દીક્ષાના નામે ભોંયરામાં ચાલતું હતું ક્રૂર કૃત્ય, યુનિવર્સિટીએ 'ફ્રેટરનિટી' પર ચાર વર્ષનો મૂક્યો પ્રતિબંધ

આયોવા (USA: અમેરિકાની પ્રતિષ્ઠિત આયોવા યુનિવર્સિટીમાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. યુનિવર્સિટીની 'આલ્ફા ડેલ્ટા ફી ફ્રેટરનિટી' બિલ્ડિંગના ભોંયરામાં ૫૬ યુવાનો સાથે કરવામાં આવેલા અમાનવીય રેગિંગનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસ જ્યારે આગ લાગવાની બાતમી મળતા ત્યાં પહોંચી ત્યારે જે દ્રશ્ય જોયું તે કલ્પના બહારનું હતું.
ભોંયરામાં નરક જેવી સ્થિતિ
પોલીસ અધિકારીઓના બોડી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો મુજબ, ૫૬ યુવાનો અંધકારમય ભોંયરામાં આંખે પાટા બાંધેલી હાલતમાં હતા. તેમના શરીર પર કપડાં નહોતા અને આખું ફ્લોર ગંદકી અને ખોરાકના અવશેષોથી ભરાયેલું હતું. જ્યારે પોલીસે તેમને પૂછ્યું કે અહીં શું ચાલી રહ્યું છે, ત્યારે કોઈ પણ કંઈ બોલવા તૈયાર નહોતું. પોલીસ અને ફ્રેટરનિટીના સભ્યો વચ્ચે ભારે બોલાચાલી પણ જોવા મળી હતી.
'ધાર્મિક વિધિ'ના નામે અત્યાચાર
બિલ્ડિંગની બહાર જ્યારે પોલીસે 'બ્રધરહુડ પ્રેસિડેન્ટ'ની પૂછપરછ કરી, ત્યારે તેણે આ ભયાનક કૃત્યનો બચાવ કરતા કહ્યું કે, "આ તેમની દીક્ષા (Initiation) માટેની તૈયારી હતી અને એક પરંપરાગત વિધિનો ભાગ હતો." જોકે, પોલીસ અધિકારીએ તરત જ વળતો જવાબ આપ્યો કે આગના જોખમ છતાં વિદ્યાર્થીઓને બહાર ન આવવા દેવા અને આ રીતે રાખવા એ ગંભીર ગુનો છે.
યુનિવર્સિટીની આકરી કાર્યવાહી
આ ઘટના સામે આવ્યાના ૨૪ કલાકમાં જ આયોવા યુનિવર્સિટીએ આલ્ફા ડેલ્ટા ફી ગ્રુપને સસ્પેન્ડ કરી દીધું હતું. ત્યારબાદ મે ૨૦૨૫ માં લેવાયેલા કડક નિર્ણય મુજબ, આ ગ્રુપ પર ૧ જુલાઈ, ૨૦૨૯ સુધી એટલે કે પૂરા ચાર વર્ષ માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન તેઓ કોઈ નવી ભરતી કે પ્રવૃત્તિ કરી શકશે નહીં.
ધરપકડ અને કાયદાકીય શિકંજો
આ કેસમાં ૨૧ વર્ષીય જોસેફ ગયા નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે, જેણે પોલીસની કાર્યવાહીમાં અવરોધ ઊભો કર્યો હતો. આયોવા રાજ્યના કાયદા હેઠળ રેગિંગને ગંભીર ગુનો માનવામાં આવે છે અને આ ઘટનાએ ફરી એકવાર શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતી આવી જીવલેણ 'પરંપરાઓ' સામે સવાલો ઊભા કર્યા છે.
વીડિયોમાં દેખાતી વિદ્યાર્થીઓની હાલત એટલી વિચલિત કરનારી છે કે તે જોઈને કોઈ પણ હચમચી ઉઠે.

(6:12 PM IST)