<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

સ્વાતંત્ર્ય સેનાની મલકિત સિંહના 99 વર્ષીય વયોવૃદ્ધ પત્નીની ઘાતકી હત્યા: લૂંટના ઈરાદે બોક્સમાં પૂરી દીધા, સીસીટીવીએ ખોલ્યું મર્ડરનું રહસ્ય

પુત્ર ઓસ્ટ્રેલિયાથી ઓનલાઈન નજર રાખતો હતો ને સામે આવ્યું કરૂણ દ્રશ્ય: હોશિયારપુરમાં એકલવાયું જીવન જીવતા માજીની નિર્મમ હત્યાથી સમગ્ર પંજાબમાં અરેરાટી

હોશિયારપુર: પંજાબના હોશિયારપુર જિલ્લાના મહિલપુર વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. દેશની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાની મલકિત સિંહના ૯૯ વર્ષીય પત્ની જોગિન્દર કૌરની તેમના જ ઘરમાં લૂંટના ઈરાદે નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. હેવાનોએ વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી તેમની લાશને ઘરમાં રાખેલા એક બોક્સમાં છુપાવી દીધી હતી.
પુત્રના ઓસ્ટ્રેલિયા ગયાના બે જ દિવસમાં ખેલ ખેલાયો
મૃતક જોગિન્દર કૌરનો પુત્ર છેલ્લા ૩૫ વર્ષથી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલો છે. તે તાજેતરમાં જ ભારત આવ્યો હતો અને પોતાની માતાની મુલાકાત લઈને માત્ર બે દિવસ પહેલા જ ઓસ્ટ્રેલિયા પરત ફર્યો હતો. માતા ઘરે એકલા રહેતા હોવાથી પુત્રએ તેમની સુરક્ષા અને સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. તે વિદેશમાં બેઠા-બેઠા મોબાઈલ દ્વારા રોજ માતાની ગતિવિધિઓ નિહાળતો હતો.
સીસીટીવીએ ઉકેલ્યું હત્યાનું રહસ્ય
જ્યારે પુત્રએ ઓસ્ટ્રેલિયાથી કેમેરા ચેક કર્યા ત્યારે તેને કંઈક શંકાસ્પદ જણાયું હતું. તેણે તરત જ આસપાસના લોકોને અને પોલીસને જાણ કરી. પોલીસે જ્યારે ઘરમાં તપાસ કરી ત્યારે જોગિન્દર કૌરનો મૃતદેહ એક બોક્સમાંથી મળી આવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં લૂંટારુઓ ઘરમાં ઘૂસતા અને ગુનાને અંજામ આપતા કેદ થઈ ગયા છે, જેના આધારે પોલીસે હત્યારાઓની શોધખોળ તેજ કરી છે.
સ્વાતંત્ર્ય સેનાની પરિવાર પર આભ તૂટ્યું
સ્વર્ગસ્થ મલકિત સિંહ એક સન્માનિત સ્વાતંત્ર્ય સેનાની હતા અને પરિવારને સરકાર તરફથી પેન્શન પણ મળતું હતું. ૯૯ વર્ષની ઉંમરે, જ્યારે જોગિન્દર કૌર શતાબ્દી પૂર્ણ કરવાની તૈયારીમાં હતા, ત્યારે માત્ર થોડાક ઘરેણાં કે રોકડ માટે તેમની હત્યા કરી દેવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસે આ મામલે હત્યા અને લૂંટનો ગુનો નોંધીને સીસીટીવીના આધારે શંકાસ્પદોની અટકાયત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

(6:13 PM IST)