News of Thursday, 19th February 2026
ઉત્તરાખંડમાં નવો વિવાદ: જ્યોતિર્મથ મ્યુનિસિપલ હોલમાં નમાઝ અદા કરવાનો વીડિયો વાયરલ થતા હંગામો, વહીવટીતંત્રે ઓડિટોરિયમને ઠોક્યા તાળા
હિન્દુ સંગઠનોના ઉગ્ર વિરોધ બાદ એક્શનમાં આવ્યું તંત્ર: નિયમોનું ઉલ્લંઘન કરનાર નગરપાલિકા પ્રમુખ શંકાના દાયરામાં, ડીએમએ એસડીએમ પાસેથી ૨૪ કલાકમાં માંગ્યો રિપોર્ટ

જ્યોતિર્મથ (જોશીમઠ): દેવભૂમિ ઉત્તરાખંડના પવિત્ર ધામ જ્યોતિર્મથ (જોશીમઠ) માં મ્યુનિસિપલ કાઉન્સિલના ઓડિટોરિયમનો ઉપયોગ નમાઝ માટે કરવાના મામલે ભારે રાજકીય અને સામાજિક ગરમાવો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર નમાઝ અદા કરતો વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનોએ આક્રમક વલણ અપનાવતા વહીવટીતંત્રે તાત્કાલિક અસરથી ઓડિટોરિયમને તાળું મારી દીધું છે અને તમામ પ્રકારની ધાર્મિક ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
નિયમોની એસીતૈસી કરાઈ હોવાનો આક્ષેપ
આ વિવાદના કેન્દ્રમાં નગરપાલિકાના અધ્યક્ષ દેવેશ્વરી શાહ છે. આરોપ છે કે તેમણે ઉચ્ચ અધિકારીઓ કે બોર્ડની પરવાનગી વગર મ્યુનિસિપલ હોલ જેવી જાહેર મિલકતનો ઉપયોગ ધાર્મિક હેતુ માટે કરવાની મંજૂરી આપી હતી. કાયદાકીય રીતે કોઈ પણ નગરપાલિકા અધ્યક્ષ પોતાની સત્તાનો ઉપયોગ કરીને સરકારી ભવનમાં આવા ફેરફાર કે પરવાનગી આપી શકતા નથી, જેના કારણે હવે તેઓ કાયદાકીય કઠેડામાં આવી ગયા છે.
હિન્દુ સંગઠનોનો વિરોધ અને તંત્રની કાર્યવાહી
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને અન્ય સ્થાનિક હિન્દુ સંગઠનોએ આ ઘટનાનો વિરોધ કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) ને રજૂઆત કરી હતી. તેમણે માંગ કરી હતી કે પવિત્ર જ્યોતિર્મથની મર્યાદા જળવાય તે માટે જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે. મામલાની ગંભીરતાને જોતા ડીએમ ગૌરવ કુમારે એસડીએમ (SDM) ને તપાસના આદેશ આપ્યા છે અને પૂછ્યું છે કે કોની પરવાનગીથી ઓડિટોરિયમના દરવાજા ખોલવામાં આવ્યા હતા.
ઓડિટોરિયમ સીલ કરાયું
તણાવ વધવાની આશંકા વચ્ચે, ગુરુવારે બપોરે મ્યુનિસિપલ વહીવટીતંત્રે ઓડિટોરિયમને સીલ કરી દીધું છે. પોલીસ અને સ્થાનિક પ્રશાસન અત્યારે વીડિયોના આધારે તપાસ કરી રહ્યું છે કે આ ઘટના ક્યારે બની હતી અને તેમાં કેટલા લોકો સામેલ હતા. સમગ્ર શહેરમાં આ મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે.
ઉત્તરાખંડ સરકારની સખત મનાઈ હોવા છતાં જાહેર સ્થળે નમાઝનો આ કિસ્સો વહીવટીતંત્રની સુરક્ષા અને નીતિઓ સામે સવાલો ઉભા કરી રહ્યો છે.
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
