News of Thursday, 19th February 2026
ટ્રમ્પના 'ચક્રવ્યૂહ'માં ફસાયું ચીન: અમેરિકા-ઈરાન યુદ્ધની જ્વાળાઓમાં બેઇજિંગનો આર્થિક પાયો હચમચી જશે, સસ્તા તેલની લાલચ હવે પડશે મોંઘી
ઈરાની તેલના ૮૦% હિસ્સા પર ચીનનો કબજો, પણ હવે સપ્લાય લાઈન કપાઈ જવાનો ડર: હોર્મુઝની સામુદ્રધુની બંધ થતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલ $૭૦ને પાર, ડ્રેગનની 'તેલ નીતિ' ઊંધી પડી

બેઇજિંગ :મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની નગારા વાગી રહ્યા છે ત્યારે તેની સૌથી ભયાનક અસર ઈરાનથી હજારો કિલોમીટર દૂર બેઠેલા ચીન પર પડવાની શક્યતા છે. અત્યાર સુધી અમેરિકી પ્રતિબંધોની ઐસીતૈસી કરીને ઈરાન પાસેથી સસ્તું તેલ ખરીદનાર ચીન હવે ડોનાલ્ડ ટ્રમ્પની રણનીતિ સામે લાચાર દેખાઈ રહ્યું છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, જો અમેરિકા ઈરાન પર મિસાઈલ હુમલા શરૂ કરશે, તો ચીનનું અર્થતંત્ર પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ શકે છે.
ચીન વિશ્વમાં ઈરાની તેલનો સૌથી મોટો ગ્રાહક છે. પશ્ચિમી દેશોના કડક પ્રતિબંધો છતાં, ચીન અત્યંત કપટપૂર્વક મલેશિયા અને ઇન્ડોનેશિયાના રસ્તે ઈરાન પાસેથી ક્રૂડ તેલ મંગાવતું હતું. ૨૦૨૫ના આંકડા મુજબ, ચીન દરરોજ ૧૩.૮ લાખ બેરલ ઈરાની તેલ ખરીદે છે, જે ઈરાનની કુલ નિકાસનો ૮૦ ટકા હિસ્સો છે. પ્રતિ બેરલ $૬ થી $૮ ના જંગી ડિસ્કાઉન્ટની લાલચમાં ચીને અત્યાર સુધી અમેરિકાને પડકાર્યું હતું, પરંતુ હવે ટ્રમ્પના તેવર જોઈને બેઇજિંગના શ્વાસ અધ્ધર થયા છે.
: યુદ્ધની આશંકા વચ્ચે ઈરાને દુનિયાના સૌથી મહત્વના તેલ માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'ને બંધ કરવાની ધમકી આપી છે. આ એ માર્ગ છે જ્યાંથી વિશ્વના કુલ તેલ પુરવઠાનો ૩૦% હિસ્સો પસાર થાય છે. જો આ રસ્તો બંધ થાય, તો ચીન માટે તેલનો સપ્લાય સંપૂર્ણપણે કપાઈ જશે. ચીનની કુલ તેલ આયાતનો ૧૩ ટકાથી વધુ હિસ્સો માત્ર ઈરાનથી આવે છે, જેનો કોઈ તત્કાલીન વિકલ્પ ચીન પાસે નથી.
અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજાર પર જોવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં જ ક્રૂડ તેલના ભાવમાં ૪%નો ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ જે થોડા દિવસો પહેલા $૬૫ પ્રતિ બેરલ હતું, તે હવે $૭૦ને વટાવી ગયું છે. જો યુદ્ધ શરૂ થશે, તો આ ભાવ $૧૦૦ સુધી પહોંચી શકે છે, જેની અસર માત્ર ચીન પર જ નહીં પરંતુ ભારત સહિત સમગ્ર વિશ્વમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર પડશે.
ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાથી જ ઈરાની તેલ ખરીદનારાઓ પર ૨૫ ટકા ટેરિફ લાદવાની તૈયારી કરી લીધી છે. હવે યુદ્ધના ઓછાયા હેઠળ ચીન માટે આ તેલ મોંઘું પણ થશે અને જોખમી પણ. એક તરફ અમેરિકાની મિસાઈલો તેહરાનને નિશાન બનાવી રહી છે અને બીજી તરફ ચીન પોતાનો ઉર્જા પુરવઠો બચાવવા માટે મથામણ કરી રહ્યું છે. આ સંકટમાં ચીન હવે રશિયા તરફ મદદની અપેક્ષા રાખી રહ્યું છે, પરંતુ શું રશિયા ચીનની તેલની ભૂખ સંતોષી શકશે? તે જોવું રહ્યું.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
