News of Thursday, 19th February 2026
પાકિસ્તાનમાં રમઝાનના પહેલા જ દિવસે કાળમુખો વિસ્ફોટ: કરાચીમાં ૩ માળની ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી, બાળકો-મહિલાઓ સહિત ૧૬ના મોત
ગેસ ગળતરને કારણે સર્જાઈ પ્રચંડ હોનારત: રસોઈ બનાવતી વખતે થયેલા વિસ્ફોટે અનેક પરિવારોને કાટમાળ નીચે દબાવ્યા, હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર

કરાચી:પાકિસ્તાનના સૌથી મોટા બંદર શહેર અને આર્થિક રાજધાની કરાચીમાં પવિત્ર રમઝાન મહિનાના પ્રારંભે જ માતમ છવાઈ ગયો છે. એક રહેણાંક એપાર્ટમેન્ટમાં થયેલા શક્તિશાળી ગેસ વિસ્ફોટે ત્રણ માળની ઇમારતનો એક ભાગ જમીનદોસ્ત કરી દીધો હતો. આ કરુણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૬ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જેમાં માસૂમ બાળકો અને મહિલાઓની સંખ્યા વધુ હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક પોલીસ વડા રિઝવાન પટેલના જણાવ્યા અનુસાર, દુર્ઘટના ત્યારે બની જ્યારે રમઝાનના પહેલા દિવસે લોકો સવારનો નાસ્તો (સેહરી) બનાવી રહ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ, ગેસ લીકેજને કારણે આ પ્રચંડ વિસ્ફોટ થયો હોવાની આશંકા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આખી ઇમારત ધણધણી ઉઠી હતી અને તેનો એક મોટો હિસ્સો કાટમાળમાં ફેરવાઈ ગયો હતો.
શરૂઆતમાં મૃત્યુઆંક ૧૩ નોંધાયો હતો, પરંતુ કાટમાળ હટાવતા વધુ ૩ મૃતદેહો મળી આવતા આંકડો ૧૬ પર પહોંચ્યો છે. હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની ભીતિ છે, જેના કારણે બચાવકર્તાઓ જેસીબી અને ક્રેનની મદદથી શોધખોળ કરી રહ્યા છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં અનેકની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે સિંધ પ્રાંતીય સરકારને આદેશ આપ્યો છે કે બિલ્ડિંગ કોડ્સનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે અને ગેસ સિલિન્ડરોની સલામતીની તપાસ કરવામાં આવે. પાકિસ્તાનમાં અગાઉ પણ ગેસ વિસ્ફોટની અનેક ઘટનાઓ બની છે, ગત જુલાઈમાં ઈસ્લામાબાદમાં લગ્ન પ્રસંગમાં આવા જ વિસ્ફોટે ૮ લોકોનો ભોગ લીધો હતો.
કરાચીમાં અનેક વિસ્તારોમાં જૂની પાઇપલાઇન્સ અને ગેસના ઓછા દબાણને કારણે લોકો લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) સિલિન્ડરોનો ઉપયોગ કરે છે, જે ઘણીવાર જોખમી સાબિત થાય છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરી વિસ્તારોમાં રહેણાંક ઇમારતોની સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા છે. તંત્ર દ્વારા હાલમાં બચાવ કાર્યને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
