<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા 'બૅન' થશે? રાષ્ટ્રપતિ મેક્રોનની પીએમ મોદીને અપીલ - "15 વર્ષથી નાના બાળકોને Facebook-Insta થી દૂર રાખો"

બાળ સુરક્ષા એ નિયમ નહીં પણ 'સભ્યતા'નો વિષય છે: AI સમિટમાં મેક્રોને મુંબઈના ફેરિયાનું ઉદાહરણ આપી ભારતના ડિજિટલ પરિવર્તનને બિરદાવ્યું, તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાની જેમ કડક પ્રતિબંધની કરી માંગ

નવી દિલ્હી:દિલ્હીના ભારત મંડપમમાં યોજાયેલી 'ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026' માત્ર ટેકનોલોજીની ચર્ચા પૂરતી સીમિત ન રહેતા, બાળકોના ભવિષ્ય અને સોશિયલ મીડિયાના જોખમો પર પણ કેન્દ્રિત થઈ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પીએમ મોદીની હાજરીમાં એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ફ્રાન્સ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભારત પણ આ વૈશ્વિક સુરક્ષા અભિયાનમાં જોડાશે.
    બાળકો માટે ડિજિટલ દુનિયા કેટલી સલામત?: રાષ્ટ્રપતિ મેક્રોને ભારપૂર્વક કહ્યું હતું કે, "વાસ્તવિક દુનિયામાં બાળકોને જે જોવાની મંજૂરી નથી, તે તેમને ઇન્ટરનેટ પર પણ જોવાની છૂટ ન હોવી જોઈએ." તેમણે પીએમ મોદીને સંબોધતા કહ્યું કે, ગ્રીસ, સ્પેન અને અન્ય યુરોપિયન દેશો બાળકોને સોશિયલ મીડિયાની માઠી અસરોથી બચાવવા માટે કાયદા બનાવી રહ્યા છે. જો ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂકવામાં આવે, તો તે સમગ્ર વિશ્વ માટે એક મોટો સંદેશ હશે.
 પોતાના સંબોધનમાં મેક્રોને ભારતની ટેકનોલોજીકલ સફળતાની ગાથા પણ વર્ણવી હતી. તેમણે મુંબઈના એક નાના શેરી વિક્રેતા (ફેરીયા) નું ઉદાહરણ આપતા કહ્યું કે, "૧૦ વર્ષ પહેલા જે વ્યક્તિ પાસે બેંક ખાતું નહોતું, આજે તે પોતાના ફોન પર તાત્કાલિક પેમેન્ટ સ્વીકારે છે. ભારતે ૧.૪ અબજ લોકો માટે જે ડિજિટલ ઓળખ અને UPI પેમેન્ટ સિસ્ટમ બનાવી છે, તેવી સિસ્ટમ દુનિયાના અન્ય કોઈ દેશ પાસે નથી."
ટેકનોલોજી અને સુરક્ષાનો સમન્વય: મેક્રોને ભારતના ૫૦ કરોડ ડિજિટલ હેલ્થ આઈડીની સિદ્ધિને બિરદાવતા તેને માત્ર 'ટેક સ્ટોરી' નહીં પણ 'સભ્યતાની વાર્તા' ગણાવી હતી. જોકે, તેમણે ચેતવ્યા હતા કે આટલી પ્રગતિ વચ્ચે બાળકોની માનસિક સુરક્ષા સૌથી વધુ મહત્વની છે. પ્લેટફોર્મ્સ અને સરકારોની જવાબદારી છે કે તેઓ સોશિયલ મીડિયાને સલામત બનાવે.
   જો ભારત આ માંગ પર વિચાર કરે છે, તો આગામી સમયમાં ભારતીય કિશોરો માટે ઇન્ટરનેટના નિયમોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. હાલમાં ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ પણ આવો જ નિર્ણય લીધો છે, ત્યારે હવે ભારતનું આગલું પગલું શું હશે તેના પર વિશ્વની નજર છે

(7:06 PM IST)