News of Thursday, 19th February 2026
બિહાર વિધાનસભામાં દારૂબંધીના લીરેલીરા: "નીતીશના મંત્રીઓ-ધારાસભ્યો ગૃહમાં જ દારૂ પીવે છે", RJD નેતા સુનીલ સિંહના વિસ્ફોટક દાવાથી સનસનાટી
બિહાર હવે 'ઉડતા પંજાબ' બનવા તરફ: ૨૫,૦૦૦ કરોડનો સમાંતર દારૂનો કાળો કારોબાર ચાલતો હોવાનો ગંભીર આરોપ, મંત્રી અશોક ચૌધરીને ગણાવ્યા સૌથી ભ્રષ્ટ

પટણા:બિહારમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાના આક્ષેપો તો અવારનવાર થતા રહે છે, પરંતુ આજે બિહાર વિધાનસભામાં રાષ્ટ્રીય જનતા દળના નેતા સુનીલ કુમાર સિંહે જે દાવો કર્યો છે તેણે રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. સુનીલ સિંહે સીધો આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી નીતીશ કુમારની નાકની નીચે, ખુદ વિધાનસભા પરિસરમાં જ સત્તાધારી પક્ષના મંત્રીઓ અને ધારાસભ્યો દારૂની મહેફિલ માણે છે.
વિધાનસભામાં દારૂબંધી અંગેની ચર્ચા દરમિયાન સુનીલ સિંહે આક્રમક તેવર બતાવતા કહ્યું કે, "હું પૂરી ખાતરી સાથે કહી શકું છું કે શાસક પક્ષના અનેક મંત્રીઓ અને ધારાસભ્યો રોજ દારૂ પીવે છે. બિહાર વિધાનસભાના પરિસરમાં પણ દારૂની બોટલો મળી આવે છે." જોકે, તેમણે કોઈ ચોક્કસ નામ લેવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેમના આ નિવેદને જેડીયુ અને ભાજપ છાવણીમાં ભારે આક્રોશ જન્માવ્યો છે.
RJD MLC સુનીલ સિંહે મુખ્યમંત્રી નીતીશ કુમાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, દારૂબંધીના કાયદા હેઠળ બિહારમાં અંદાજે ૨૫,૦૦૦ કરોડ રૂપિયાનો સમાંતર ગેરકાયદેસર ધંધો ઉભો કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા ૧૦ વર્ષમાં બિહારની સ્થિતિ પંજાબ કરતા પણ વધુ ખરાબ થઈ છે અને રાજ્ય હવે 'ઉડતા બિહાર' બની ગયું છે. નાના બાળકો પણ હવે દારૂ અને ડ્રગ્સના રવાડે ચઢ્યા છે, જે રાજ્યના ભવિષ્ય માટે અત્યંત ચિંતાજનક છે.
સુનીલ સિંહે નીતીશ કુમારના ખાસ ગણાતા મંત્રી અશોક ચૌધરી પર પણ વ્યક્તિગત પ્રહારો કર્યા હતા. તેમણે અશોક ચૌધરીને બિહારના સૌથી ભ્રષ્ટ મંત્રી ગણાવતા કહ્યું કે તેમણે હોદ્દાનો દુરુપયોગ કરી અઢળક સંપત્તિ ભેગી કરી છે. નોંધનીય છે કે ગઈકાલે જ સુનીલ સિંહે અશોક ચૌધરીની પીએચડી (PhD) ડિગ્રી નકલી હોવાનો દાવો કર્યો હતો, જેના પર પલટવાર કરતા મંત્રીએ તેમને 'જ્ઞાન વગરના માણસ' ગણાવ્યા હતા.
વિધાનસભામાં આ ચર્ચા એવા સમયે થઈ રહી છે જ્યારે રાજ્યમાં ડ્રગ્સના દૂષણને કારણે ૩૫ જેટલા સરકારી શાળાના બાળકોએ બ્લેડથી કાંડા કાપી નાખ્યા હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર દારૂબંધીના નામે માત્ર નાટક કરી રહી છે, જ્યારે વાસ્તવિકતામાં ઝેરીલો નશો બિહારના ખૂણેખૂણે પહોંચી ગયો છે. આ ગંભીર આરોપો બાદ વિધાનસભામાં ભારે હોબાળો મચી ગયો હતો અને કાર્યવાહી સ્થગિત કરવાની નોબત આવી હતી. હવે જોવાનું એ રહેશે કે નીતીશ સરકાર આ ગંભીર આક્ષેપોનો શું જવાબ આપે છે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
