News of Thursday, 19th February 2026
વારાણસી કોર્ટમાં મહિલાએ જજની નજર સામે છરી કાઢી વકીલને મારી નાખવાની ધમકી આપી, સુરક્ષાના લીરેલીરા ઉડ્યા
ન્યાયની દેવીના ધામમાં લોહિયાળ ખેલ ખેલવાનો પ્રયાસ: હાઈ એલર્ટ છતાં મહિલા છરી લઈને કોર્ટરૂમમાં ઘુસી જતાં ફફડાટ, વકીલોએ સમયસૂચકતા વાપરી અનર્થ થતો અટકાવ્યો

વારાણસી : ધર્મનગરી વારાણસીમાં આજે કાયદો અને વ્યવસ્થાના ચિથરેચિથરા ઉડાવતી એક એવી ઘટના બની જેણે ન્યાયતંત્ર અને પોલીસ પ્રશાસનને હચમચાવી દીધું છે. એસીજેએમ (ACJM VI) ના કોર્ટરૂમમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે જ એક મહિલાએ ન્યાયાધીશની હાજરીમાં જ છરી કાઢીને મહિલા વકીલ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે કોર્ટરૂમમાં નાસભાગ અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
વારાણસીના મિર્ઝામુરાદ વિસ્તારની રહેવાસી આ મહિલા તેના પરિવાર પર થયેલા એક જૂના હુમલાના કેસમાં રજૂઆત કરવા આવી હતી. તેણીની માંગ હતી કે બે મહિના જૂના મેડિકલ રિપોર્ટના આધારે કોર્ટ તરત જ કડક કાર્યવાહી કરે. જ્યારે કોર્ટરૂમમાં હાજર એક મહિલા વકીલે તેણીને શાંત પાડવાનો પ્રયાસ કર્યો અને કાયદાકીય પ્રક્રિયા સમજાવી, ત્યારે મહિલા એકાએક ઉશ્કેરાઈ ગઈ હતી. તેણે પોતાની બેગમાંથી તીક્ષ્ણ છરી કાઢી વકીલ તરફ ધસી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી 'તાંડવ' મચાવ્યું હતું.
આ ઘટનાએ વારાણસી કોર્ટની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે, છેલ્લા કેટલાક દિવસોથી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી હોવાથી સમગ્ર પરિસર 'હાઈ એલર્ટ' પર હતું. સઘન ચેકિંગ અને પોલીસના પહેરા છતાં એક મહિલા છરી જેવું હથિયાર લઈને છેક જજની ચેમ્બર સુધી પહોંચી ગઈ, તે સુરક્ષા તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે.
ઘટના બાદ તરત જ સુરક્ષાકર્મીઓ અને હાજર વકીલોએ મહિલાને પકડી પાડી હતી. કેન્ટ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી મહિલાની અટકાયત કરી છરી જપ્ત કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં પોલીસનું કહેવું છે કે મહિલા પારિવારિક વિવાદ અને કાયદાકીય ગુંચવણોને કારણે ભારે માનસિક તણાવમાં હતી અને કદાચ તેની માનસિક સ્થિતિ સ્થિર નથી. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે સુરક્ષાના ત્રણેય સ્તરો ભેદીને મહિલા હથિયાર અંદર લાવવામાં સફળ કેવી રીતે રહી. આ ઘટના બાદ વારાણસી બાર એસોસિએશને કોર્ટની સુરક્ષામાં વધારો કરવાની અને મેટલ ડિટેક્ટરની કડક તપાસ કરવાની માંગ કરી છે
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
