News of Thursday, 19th February 2026
BSNL નો માસ્ટરસ્ટ્રોક: હવે જિયો-એરટેલની ખેર નથી! આગામી 6 મહિનામાં શરૂ થશે સુપરફાસ્ટ 5G સેવા
નવી દિલ્હીમાં AI સમિટ દરમિયાન CMD રોબર્ટ રવિની મોટી જાહેરાત : દિલ્હી-NCR થી થશે શ્રીગણેશ : સ્વદેશી ટેકનોલોજી અને સસ્તા પ્લાન સાથે સરકારી કંપની ખાનગી ઓપરેટરોને આપશે જોરદાર ટક્કર

નવી દિલ્હી: ભારતીય ટેલિકોમ ક્ષેત્રે અત્યારે ખાનગી કંપનીઓના મોંઘા રિચાર્જ પ્લાનથી ત્રસ્ત ગ્રાહકો માટે ભારત સંચાર નિગમ લિમિટેડ તરફથી સૌથી મોટા અને 'પાવરફુલ' સમાચાર આવ્યા છે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત 'ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ'માં BSNL ના સીએમડી (રોબર્ટ રવિએ સત્તાવાર ખુલાસો કર્યો છે કે કંપની આગામી ૬ મહિનામાં તેની 5G સેવાઓનું સોફ્ટ-લોન્ચિંગ કરવા જઈ રહી છે. આ ક્રાંતિની શરૂઆત દેશની રાજધાની દિલ્હી અને NCR થી થશે, જ્યાં યુઝર્સ આ વર્ષના અંત સુધીમાં હાઈ-સ્પીડ 5G ઇન્ટરનેટનો લ્હાવો લઈ શકશે. BSNL ના આ નિર્ણયથી જિયો અને એરટેલ જેવી દિગ્ગજ કંપનીઓના વર્ચસ્વ સામે મોટો પડકાર ઉભો થયો છે.
BSNL ની ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે 'સ્વદેશી' (Made in India) 4G ઇન્ફ્રાસ્ટ્રક્ચરને 5G માં અપગ્રેડ કરી રહી છે. કંપનીએ પહેલેથી જ તેના ગ્રાહકોને 5G-રેડી સિમ કાર્ડ આપવાનું શરૂ કરી દીધું છે. તાજેતરના ટ્રાઇ (TRAI) ના રિપોર્ટ મુજબ, ખાનગી કંપનીઓના ભાવવધારા બાદ લાખો ગ્રાહકોએ BSNL તરફ સ્થળાંતર કર્યું છે, જેના કારણે કંપનીનો યુઝર બેઝ ૧૦૦ મિલિયનને પાર કરી ગયો છે. કેન્દ્ર સરકાર પણ 'ભારત નેટ' પ્રોજેક્ટ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં એજ AI (Edge AI) વિકસાવી રહી છે, જેનો સીધો અર્થ એ છે કે હવે માત્ર શહેરો જ નહીં પણ ગામડાઓમાં પણ BSNL નું નેટવર્ક હાઈ-સ્પીડ ઇન્ટરનેટ સાથે ગુંજશે.
નેટવર્કની ગુણવત્તા સુધારવા માટે કંપનીએ દરેક ટેલિકોમ સર્કલમાં સ્પેશિયલ ટીમો તૈનાત કરી છે, જે કોલ ડ્રોપ જેવી સમસ્યાઓ પર નજર રાખી રહી છે. આ ઉપરાંત, તાજેતરમાં શરૂ કરાયેલ VoWiFi સેવાને કારણે યુઝર્સ હવે નબળા નેટવર્ક વાળા વિસ્તારોમાં પણ બ્રોડબેન્ડની મદદથી કોલ કરી શકે છે. બજેટમાં મળેલી માતબર ગ્રાન્ટ અને સરકારના મજબૂત પીઠબળ સાથે BSNL હવે ટેલિકોમ માર્કેટમાં પોતાની ખોવાયેલી પ્રતિષ્ઠા પાછી મેળવવા માટે સજ્જ છે. 5G ના આગમન સાથે, BSNL ના સસ્તા અને લાંબી વેલિડિટી વાળા પ્લાન્સ સામાન્ય માણસ માટે આશીર્વાદરૂપ સાબિત થશે તે નક્કી છે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
