News of Thursday, 19th February 2026
દિલ્હી AI સમિટમાં સેમ ઓલ્ટમેન અને ડારિયો અમોડેઈ વચ્ચે સર્જાઈ 'ઓકવર્ડ' મોમેન્ટ: હાથ પકડવા કે નહીં? ઓપનએઆઈના બોસે આપી સ્પષ્ટતા
PM મોદી સાથે ગ્રુપ ફોટો દરમિયાન બે હરીફ દિગ્ગજો વચ્ચે ખચકાટ જોઈ સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર: ઓલ્ટમેને કહ્યું- "હું મૂંઝવણમાં હતો કે આપણે સ્ટેજ પર શું કરવાનું છે"

નવી દિલ્હી : દિલ્હીમાં રમાઈ રહેલી 'ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ ૨૦૨૬' માત્ર ટેક્નોલોજીની ચર્ચાઓ માટે જ નહીં, પણ એક રમુજી અને થોડી અજીબ ક્ષણ માટે પણ યાદગાર બની ગઈ છે. સમિટના ચોથા દિવસે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિશ્વના દિગ્ગજ એઆઈ માંધાતાઓ ગ્રુપ ફોટો માટે સ્ટેજ પર એકઠા થયા, ત્યારે ઓપનએઆઈ (OpenAI) ના સીઈઓ સેમ ઓલ્ટમેન અને એન્થ્રોપિક (Anthropic) ના સીઈઓ ડારિયો અમોડેઈ વચ્ચે ભારે ખચકાટ જોવા મળ્યો હતો.
શું હતી એ 'વિચિત્ર' ક્ષણ?
જ્યારે પીએમ મોદીએ એકતાના પ્રતિક રૂપે સ્ટેજ પર હાજર તમામ સીઈઓનો હાથ પકડીને ઉપર તરફ ઉઠાવ્યો, ત્યારે ઓલ્ટમેન અને અમોડેઈ, જેઓ એકબીજાની બરાબર બાજુમાં ઉભા હતા, તેઓ થોડી સેકન્ડ માટે થંભી ગયા. તેઓ નક્કી નહોતા કરી શકતા કે તેઓએ એકબીજાના હાથ પકડવા જોઈએ કે નહીં. અંતે, બીજા સહભાગીઓની જેમ હાથ પકડવાને બદલે બંનેએ પોતાની મુઠ્ઠીઓ ઉંચી કરી હતી. આ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને નેટીઝન્સ તેને "ડેકેરમાં બે બાળકોને પરાણે હાથ પકડાવ્યા હોય તેવી સ્થિતિ" ગણાવી રહ્યા છે.
ઓલ્ટમેને શું કહ્યું?
આ અજીબ ક્ષણ વિશે સ્પષ્ટતા કરતા સેમ ઓલ્ટમેને મનીકોન્ટ્રોલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "હું ખરેખર મૂંઝવણમાં હતો. પીએમ મોદીએ જ્યારે અમારો હાથ પકડીને ઉપર કર્યો ત્યારે મને ખાતરી નહોતી કે અમારે આગળ શું કરવાનું છે." તેમની આ સ્પષ્ટતા બાદ લોકોમાં ચર્ચાઓ થોડી શાંત પડી છે, પરંતુ ટેક જગતમાં તેની પાછળના ગૂઢ કારણોની ચર્ચા તેજ છે.
જૂની દુશ્મની કે વ્યવસાયિક હરીફાઈ?
આ ખચકાટ પાછળનું મોટું કારણ બંને કંપનીઓ વચ્ચેની સ્પર્ધા હોવાનું મનાય છે. નોંધનીય છે કે ડારિયો અમોડેઈ અગાઉ ઓપનએઆઈમાં જ ઉચ્ચ હોદ્દા પર હતા, પરંતુ ૨૦૨૧માં ઓલ્ટમેન સાથે એઆઈ સુરક્ષા અને નીતિઓ બાબતે મતભેદ થતા તેમણે કંપની છોડીને પોતાની નવી કંપની 'Anthropic' સ્થાપી હતી. આજે બંને કંપનીઓ આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ (AGI) ની રેસમાં એકબીજાની કટ્ટર હરીફ છે.
સમિટમાં અન્ય માંધાતાઓની હાજરી
આ ઐતિહાસિક ફોટોમાં પીએમ મોદી અને ઓલ્ટમેન-અમોડેઈ ઉપરાંત ગૂગલના સુંદર પિચાઈ, મેટાના એલેક્ઝાન્ડર વાંગ અને ગૂગલ ડીપમાઇન્ડના ડેમિસ હસાબીસ જેવા વિશ્વના ટોચના એઆઈ નિષ્ણાતો પણ હાજર હતા. ભારત જે રીતે એઆઈ ના વૈશ્વિક મંચ પર નેતૃત્વ કરી રહ્યું છે, તેમાં આ પ્રકારની માનવીય અને રમુજી ક્ષણો સોશિયલ મીડિયા પર વધુ ચર્ચા જગાવી રહી છે.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
