News of Thursday, 19th February 2026
મારુતિ e-Vitaraનો મોટો ધડાકો: હવે બેટરી વગર માત્ર ₹૧૦.૯૯ લાખમાં ખરીદો ઇલેક્ટ્રિક SUV, જાણો શું છે આ 'બેટરી ભાડા'ની માયાજાળ?
કાર તમારી, બેટરી કંપનીની: પ્રતિ કિમી માત્ર ₹૩.૯૯ ચૂકવીને ચલાવો પહેલી દેશી ઇલેક્ટ્રિક વિટારા, EMI માં ₹૭,૪૦૦થી વધુની બચત સાથે બેટરી ફેલ થવાની ચિંતા પણ ખતમ

નવી દિલ્હી: ભારતીય ઓટોમોબાઈલ સેક્ટરમાં અત્યારે મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર 'e-Vitara' એ ધૂમ મચાવી છે. સામાન્ય રીતે ઇલેક્ટ્રિક કારની ઊંચી કિંમત પાછળ તેની બેટરી જવાબદાર હોય છે, પરંતુ મારુતિએ હવે MG મોટરની જેમ 'BaaS' (Battery-as-a-Service) પ્લાન રજૂ કરીને સામાન્ય માણસ માટે EV ખરીદવાનું સપનું સાકાર કર્યું છે. આ પ્લાન હેઠળ ગ્રાહકે કાર ખરીદતી વખતે બેટરીના પૈસા ચૂકવવાના રહેશે નહીં.
જો તમે e-Vitara ને બેટરી સાથે ખરીદો છો તો તેની કિંમત ₹૧૫.૯૯ લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. પરંતુ જો તમે 'બેટરી ભાડા'ના મોડેલ (BaaS) માં જાવ છો, તો આ જ કાર તમને માત્ર ₹૧૦.૯૯ લાખમાં મળશે. એટલે કે સીધો ₹૫ લાખનો ફાયદો! જોકે, આ મોડેલમાં તમારે બેટરીના વપરાશ પેટે પ્રતિ કિમી ₹૩.૯૯ થી ₹૪.૩૯ (મોડેલ મુજબ) ભાડું ચૂકવવું પડશે.
ગણિત સમજીએ તો, જો તમે બેટરી વગર કાર લો છો તો ઓન-રોડ કિંમત અંદાજે ₹૧૧.૭૫ લાખ થશે. આના પર લોન લેવાથી તમારો માસિક EMI અંદાજે ₹૧૬,૪૨૦ આવશે. જ્યારે બેટરી સાથે કાર લેવા પર EMI ₹૨૩,૮૯૦ ની આસપાસ પહોંચી જાય છે. આમ, દર મહિને હપ્તામાં ₹૭,૪૭૦ની સીધી બચત થાય છે. આ બચતના પૈસામાંથી તમે દર મહિને આશરે ૧,૨૪૫ કિમી કાર આરામથી ચલાવી શકો છો.
બેટરી ભાડા સિવાય તમારે કાર ચાર્જ કરવાનો ખર્ચ અલગથી ભોગવવો પડશે. જો તમે ઘરે ચાર્જ કરો છો, તો તેનો ખર્ચ પ્રતિ કિમી આશરે ₹૧.૨૦ થી ₹૧.૪૫ આવે છે. આમ, બેટરીનું ભાડું અને ચાર્જિંગ મળીને કુલ રનિંગ ખર્ચ પ્રતિ કિમી અંદાજે ₹૬ ની આસપાસ રહેશે. જે પેટ્રોલ-ડીઝલ કાર કરતા ઘણો ઓછો છે.
આ મોડેલનો સૌથી મોટો ફાયદો એ છે કે બેટરી ગ્રાહકની માલિકીની નથી, તેથી બેટરી ખરાબ થવી, રેન્જ ઓછી થવી કે ૮-૧૦ વર્ષ પછી તેને બદલવાના લાખોના ખર્ચની કોઈ ચિંતા રહેશે નહીં. જો તમે દર મહિને ઓછું ડ્રાઈવિંગ કરો છો, તો તમારે ઓછું ભાડું ચૂકવવું પડશે. હાલમાં મારુતિ ઉપરાંત માત્ર MG મોટર (વિન્ડસર EV) જ ભારતમાં આ સુવિધા આપી રહી છે. મારુતિ સુઝુકી ગ્રાહકોને આકર્ષવા માટે ૮ વર્ષની બેટરી વોરંટી અને ૧,૦૦૦ યુનિટ સુધી મફત ચાર્જિંગ જેવી ઓફરો પણ આપી રહી છે. જો તમે ઓછી ડાઉન પેમેન્ટમાં પ્રીમિયમ ઇલેક્ટ્રિક SUV શોધી રહ્યા હોવ, તો e-Vitara નો આ પ્લાન બેસ્ટ સાબિત થઈ શકે છે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
