News of Thursday, 19th February 2026
શેરબજારમાં 'બ્લેક થર્સડે': છેલ્લા અડધા કલાકમાં રોકાણકારોના જીવ અધ્ધર, નિફ્ટી ૨૫,૫૦૦ની સપાટી તોડી નીચે સરક્યો, જાણો શું છે આ મોટા કડાકાનું કારણ?
અમેરિકા-ઈરાન યુદ્ધના ભણકારે બજારને ધમરોળ્યું: સેન્સેક્સ ૧,૨૦૦ પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઈલની તેજી અને એફએન્ડઓ એક્સપાયરીએ અસ્થિરતામાં માર્યો ડામ, જાણો હવે શુક્રવારે શું થશે?

મુંબઈ: ભારતીય શેરબજાર માટે આજનો દિવસ 'અમંગળ' સાબિત થયો છે. સવારથી જ સુસ્તી બતાવ્યા બાદ, ટ્રેડિંગના છેલ્લા એક કલાકમાં બજારમાં એવો જોરદાર કડાકો આવ્યો કે રોકાણકારોમાં નાસભાગ મચી ગઈ હતી. નિફ્ટી ૨૫,૫૦૦ની મહત્વની સપોર્ટ સપાટી તોડીને ૨૫,૪૪૬ના સ્તરે બંધ થયો છે, જ્યારે સેન્સેક્સમાં ૧,૨૦૦ પોઈન્ટથી વધુનો ગાબડો જોવા મળ્યો છે.
બજારના નિષ્ણાતોના મતે, છેલ્લા કલાકમાં થયેલા આ ધોવાણ પાછળ વૈશ્વિક રાજકીય તણાવ મુખ્ય કારણ છે. ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે રોકાણકારોમાં ફફડાટ છે. એવી આશંકા છે કે શુક્રવારે બજાર બંધ થયા પછી અમેરિકા કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે. આ અનિશ્ચિતતા વચ્ચે વીકએન્ડ રિસ્ક ન લેવા માટે મોટા ફંડ્સ અને ટ્રેડર્સે પોઝિશન ખાલી કરવાનું પસંદ કર્યું, જેના કારણે વેચવાલીનું દબાણ વધ્યું હતું.
યુદ્ધની આશંકાને પગલે બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ભારત માટે ક્રૂડ મોંઘું થવાનો અર્થ છે - મોંઘવારીમાં વધારો અને રૂપિયાની નબળાઈ. આ કારણોસર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ આજે ભારતીય બજારમાંથી મોટાપાયે નાણાં ખેંચ્યા હતા. હોર્મુઝ સ્ટ્રેટમાં સપ્લાય ખોરવાવાની ભીતિએ તેલમાં આગ લગાવી છે, જેની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર જોવા મળી.
આજે ગુરુવાર હોવાથી એફએન્ડઓ (F&O) સેગમેન્ટની સાપ્તાહિક એક્સપાયરી પણ હતી. એક્સપાયરીના દિવસે સામાન્ય રીતે અસ્થિરતા વધુ હોય છે, પરંતુ વૈશ્વિક નકારાત્મક સમાચારોએ બજારને નીચે તરફ ધકેલવામાં 'કેટાલીસ્ટ' (ઉદ્દીપક) તરીકે કામ કર્યું હતું. હેવીવેઇટ બેંકિંગ અને આઈટી શેરોમાં થયેલા નફા-બુકિંગે બજારની કમર તોડી નાખી હતી.
ટેકનિકલ એનાલિસ્ટ આકાશ શાહના મતે, નિફ્ટી માટે ૨૫,૯૦૦ થી ૨૬,૦૦૦ ના સ્તરે મોટો અવરોધ છે. જ્યાં સુધી વૈશ્વિક તણાવ ઓછો નહીં થાય ત્યાં સુધી માર્કેટમાં આવી જ અસ્થિરતા ચાલુ રહી શકે છે. નિષ્ણાતો રોકાણકારોને અત્યારે ઉતાવળમાં મોટી પોઝિશન ન બનાવવાની અને માત્ર પસંદગીના મજબૂત શેરો પર ધ્યાન આપવાની સલાહ આપી રહ્યા છે. શુક્રવારનું સત્ર અત્યંત નિર્ણાયક રહેશે, કારણ કે વૈશ્વિક બજારોની નજર હવે અમેરિકાના આગામી પગલા પર ટકેલી છે
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
