News of Thursday, 19th February 2026
‘ધ કેરળ સ્ટોરી ૨’ પર પ્રતિબંધની તલવાર: હાઈકોર્ટે નિર્માતાઓ અને કેન્દ્ર સરકારને ફટકારી નોટિસ, શું ૨૭ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ શકશે ફિલ્મ?
ટીઝરથી મચ્યો હોબાળો: કેરળને કલંકિત કરવાનો અને સાંપ્રદાયિક અશાંતિ ફેલાવવાનો અરજદારનો ગંભીર આરોપ, ફિલ્મનું નામ બદલવા અથવા પ્રદર્શન રોકવા કોર્ટમાં ધા નાખવામાં આવી

કોચી : વિવાદિત અને ચર્ચિત ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ની સિક્વલ 'ધ કેરળ સ્ટોરી ૨ - ગોઝ બિયોન્ડ' રિલીઝ થાય તે પહેલા જ કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાઈ ગઈ છે. કેરળ હાઈકોર્ટે ગુરુવારે આ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર સરકાર, સેન્સર બોર્ડ (CBFC) અને ફિલ્મના નિર્માતાઓને નોટિસ પાઠવી છે. ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મ સામે હવે વિરોધનો સૂર તેજ બન્યો છે.
ટીઝર જોઈને અરજદારને લાગ્યો 'આઘાત'
વ્યવસાયે જીવવિજ્ઞાની એવા શ્રીદેવ નંબુદિરીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે ફિલ્મના ટીઝરમાં જે રીતે કેરળને દર્શાવવામાં આવ્યું છે તેનાથી તેમના અંતરાત્માને ઠેસ પહોંચી છે. અરજદારનો આરોપ છે કે ફિલ્મનું ટીઝર કેરળ રાજ્યની છબી ખરાબ કરે છે અને સામાજિક સૌહાર્દ બગાડી શકે તેવા નિવેદનો તેમાં કરવામાં આવ્યા છે.
શું છે ફિલ્મની વાર્તામાં વિવાદ?
અરજી મુજબ, ફિલ્મના ટીઝરમાં કેરળ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ત્રણ એવી મહિલાઓની વાર્તા બતાવવામાં આવી છે જેમને આતંકવાદીઓ પોતાના ફાંદામાં ફસાવે છે. આ આતંકવાદીઓ અપરિણીત યુવતીઓના ધર્માંતરણ માટે 'રોમાન્સ'ને હથિયાર બનાવે છે. અરજદારે દલીલ કરી છે કે ભલે ફિલ્મમાં અન્ય રાજ્યોની પણ વાત હોય, પરંતુ તેનું શીર્ષક 'ધ કેરળ સ્ટોરી ૨' રાખવાથી એવી છાપ ઉભી થાય છે કે જાણે આ બધી ઘટનાઓ માત્ર કેરળમાં જ બની રહી છે.
જાહેર વ્યવસ્થા અને કલંકની ભીતિ
હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે આ પ્રકારનું ચિત્રણ આખા પ્રદેશની વસ્તીને કલંકિત કરી શકે છે અને તેનાથી સાંપ્રદાયિક વિસંગતતા પેદા થવાની ભીતિ છે. જો આ ફિલ્મ આ જ સ્વરૂપમાં રિલીઝ થશે તો તેનાથી કાયદો અને વ્યવસ્થાની ગંભીર સ્થિતિ ઉભી થઈ શકે છે તેવું અરજદારે જણાવ્યું છે.
રિલીઝ અટકાવવાની માંગ
અરજદારે કોર્ટને વિનંતી કરી છે કે ૨૭ ફેબ્રુઆરીએ પ્રસ્તાવિત રિલીઝ પર વચગાળાની રોક લગાવવામાં આવે. અથવા તો કેન્દ્ર સરકારને આદેશ આપવામાં આવે કે તેઓ આ ફિલ્મ સામે આવેલી રિવિઝન અરજી પર નિર્ણય ન લે ત્યાં સુધી ફિલ્મનું પ્રદર્શન અટકાવી રાખે. હવે આ મામલે હાઈકોર્ટનો આગામી ચુકાદો ફિલ્મના ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.
શ્રેણીની પ્રથમ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવાની સાથે દેશભરમાં ઉગ્ર ચર્ચાઓ જગાવી હતી, ત્યારે હવે આ ભાગ ૨ પણ વિવાદોના વંટોળમાં ઘેરાઈ ગયો છે.
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
