<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

ભારતીયો પર દેવાનો ડુંગર: 9 વર્ષમાં દરેક નાગરિકનું દેવું ત્રણ ગણું વધ્યું, સુપ્રીમ કોર્ટની લાલ આંખ છતાં 'રેવડી સંસ્કૃતિ' બેફામ!

મફતની લહાણી દેશને પાયમાલી તરફ ધકેલી રહી છે? કેન્દ્ર અને રાજ્યોનું કુલ દેવું ₹270 લાખ કરોડને પાર, માથાદીઠ દેવું હવે ₹1.86 લાખે પહોંચ્યું.

નવી દિલ્હી:ભારતની આર્થિક સ્થિતિને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. સુપ્રીમ કોર્ટની વારંવારની ચેતવણી અને અર્થશાસ્ત્રીઓના આકરા વિરોધ છતાં, દેશમાં 'ફ્રીબી કલ્ચર' એટલે કે મફતની યોજનાઓનો મોહ ઓછો થવાનું નામ નથી લેતો. છેલ્લા નવ વર્ષના આંકડા જોઈએ તો ચોંકી જવાય તેમ છે—દરેક ભારતીય નાગરિક પરનું સરેરાશ દેવું 2016ની સરખામણીએ હવે ત્રણ ગણું વધી ગયું છે. સરકાર ભલે તેને 'લોકકલ્યાણ' ગણાવતી હોય, પણ સુપ્રીમ કોર્ટે તેને અર્થતંત્રને નબળું પાડતું પગલું ગણાવ્યું છે.

વર્ષ 2016-17માં એક ભારતીય પર સરેરાશ ₹62,121નું દેવું હતું, જે 2024-25 સુધીમાં વધીને ₹1,72,222 થઈ ગયું છે. અંદાજ છે કે 2025-26 સુધીમાં આ આંકડો ₹1,86,206 સુધી પહોંચી જશે. દેશનું કુલ જાહેર દેવું હવે ₹270 લાખ કરોડની આસપાસ છે. નિષ્ણાતો માને છે કે જો સરકાર પોતાની આવકનો 25-30% હિસ્સો માત્ર વ્યાજ ભરવામાં જ ખર્ચી નાખશે, તો હોસ્પિટલો, શાળાઓ અને રેલવેના વિકાસ માટે પૈસા ક્યાંથી આવશે?
પંજાબ અને હિમાચલ 'ખતરાના નિશાન' પર: માત્ર કેન્દ્ર જ નહીં, પણ રાજ્યોની હાલત પણ કફોડી છે. પંજાબ, કેરળ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં માથાદીઠ દેવું ₹1 લાખને વટાવી ગયું છે. પંજાબમાં મફત વીજળી પાછળ વાર્ષિક ₹20,000 કરોડ ખર્ચાય છે, જ્યારે કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' જેવી રોકડ સહાય યોજનાઓ બજેટ પર ભારે પડી રહી છે. આરબીઆઈના રિપોર્ટ મુજબ, હરિયાણા અને પંજાબમાં વિકાસલક્ષી કાર્યો માટેનો ખર્ચ કુલ બજેટના 10% થી પણ ઓછો થઈ ગયો છે.
આ 'તુષ્ટિકરણ' છે કે 'કલ્યાણ'?: સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો છે કે, "શું આપણે યોગ્ય વિચારણા વિના જાહેર નાણાંનું વિતરણ કરતા રહીશું?" કોર્ટે નીતિ આયોગ અને રિઝર્વ બેંકને આ સમસ્યાનો ઉકેલ શોધવા કહ્યું હતું, પરંતુ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે વધુ ને વધુ રોકડ સહાયની જાહેરાતો કરી રહ્યા છે. અર્થશાસ્ત્રી એન.કે. સિંહના મતે, આ મફતની લહાણી સમૃદ્ધિના દરવાજા નથી ખોલતી, પરંતુ નાણાકીય આપત્તિને આમંત્રણ આપે છે.
કોણ ક્યાં છે?: વિકાસ પાછળ ખર્ચાતા દર ₹100 સામે મફત વસ્તુઓ પર થતો ખર્ચ તપાસવા જેવો છે. ગુજરાત આ બાબતે મજબૂત સ્થિતિમાં છે, જ્યાં વિકાસ પાછળ ₹72 ખર્ચાય છે અને મફત વસ્તુઓ પાછળ માત્ર ₹8. તેની સામે પંજાબમાં વિકાસ પાછળ માત્ર ₹42 ખર્ચાય છે જ્યારે મફત લહાણી પાછળ ₹28 ખર્ચાઈ રહ્યા છે. 16મું નાણાપંચ હવે આ અંગે કડક નીતિઓ સૂચવે તેવી શક્યતા છે

(9:30 PM IST)