<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

ઇન્દોરમાં દૂષિત પાણીનો કહેર: વિધાનસભામાં 'કૂતરા' પર ચર્ચા થઈ શકે તો 'માણસો' પર કેમ નહીં? વિપક્ષની મંત્રીના રાજીનામાની માંગ સાથે ભારે ગર્જના!

ભગીરથપુરાના 'ઝેરી' પાણીએ લીધો અનેકનો ભોગ: વિધાનસભામાં હોબાળો, કાર્યવાહી ત્રણ વખત મુલતવી, વળતરના ભેદભાવ પર કોંગ્રેસ આક્રમક.

ભોપાલ: મધ્યપ્રદેશ વિધાનસભામાં  ઇન્દોરના ભગીરથપુરામાં દૂષિત પાણીના કારણે થયેલા મોતનો મુદ્દો ગાજ્યો હતો. વિપક્ષી નેતા ઉમંગ સિંઘરે સરકાર પર આકરા પ્રહારો કરતા સવાલ ઉઠાવ્યો હતો કે, જો આ ગૃહ કૂતરાઓ જેવા મુદ્દા પર 45 મિનિટ ચર્ચા કરી શકે છે, તો જે ઘટનામાં 35 થી વધુ લોકોના જીવ ગયા છે તેના પર મૌન કેમ? આ સાથે જ વિપક્ષે શહેરી વિકાસ મંત્રી કૈલાશ વિજયવર્ગીયના રાજીનામાની માંગણી સાથે ગૃહના પોડિયમ પાસે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
"આ મૃત્યુ નથી, સરકારી તંત્ર દ્વારા કરાયેલી હત્યા છે": વિપક્ષી નેતાએ સરકારને અસંવેદનશીલ ગણાવતા કહ્યું કે, ઇન્દોર જેવું શહેર જે સ્વચ્છતામાં નંબર-1 છે, ત્યાં લોકો દૂષિત પાણી પીવાથી મરી રહ્યા છે તે શરમજનક છે. તેમણે આરોપ લગાવ્યો કે આ માત્ર અકસ્માત નથી પણ પ્રશાસનિક નિષ્ફળતાના કારણે થયેલી 'હત્યા' છે. આ ગંભીર મુદ્દે ચર્ચાની માંગ પર અડગ વિપક્ષે એવો હોબાળો મચાવ્યો કે અધ્યક્ષે ગૃહની કાર્યવાહી વારંવાર મુલતવી રાખવી પડી હતી.
સાપ કરડે તો ₹4 લાખ અને પાણીથી મરે તો ₹2 લાખ?: ચર્ચા દરમિયાન વળતરની રકમ પર પણ મોટો વિવાદ થયો હતો. વિપક્ષે પૂછ્યું કે, નિયમ મુજબ સાપ કે વીંછીના કરડવાથી થતા મૃત્યુમાં સરકાર ₹4 લાખની સહાય આપે છે, તો પછી દૂષિત પાણી જેવી સરકારી ક્ષતિના ભોગ બનેલા પરિવારોને માત્ર ₹2 લાખ જ કેમ આપવામાં આવ્યા? નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાએ ગૃહને માહિતી આપી હતી કે ડિસેમ્બર 2025 થી અત્યાર સુધીમાં 20 મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ છે અને 495 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.
ન્યાયિક તપાસ ચાલુ છે': બીજી તરફ શાસક પક્ષના મંત્રીઓએ દલીલ કરી હતી કે આ મામલે ન્યાયિક કમિશનની રચના કરી દેવામાં આવી છે અને કાનૂની પ્રક્રિયા ચાલુ હોવાથી તેના પર ગૃહમાં ચર્ચા કરવી શિષ્ટાચાર વિરુદ્ધ છે. જોકે, વિપક્ષ આ દલીલથી સંતુષ્ટ થયો ન હતો અને મંત્રી કૈલાશ વિજયવર્ગીય નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે તેવી માંગણી પર મક્કમ રહ્યો હતો.

(9:48 PM IST)