News of Thursday, 19th February 2026
"વેપાર બંધ કરી દઈશ અને 200% ટેરિફ લગાવીશ!" - ટ્રમ્પનો દાવો: પીએમ મોદીને ધમકાવીને મેં ભારત-પાક યુદ્ધ રોક્યું!
વોશિંગ્ટનમાં શાંતિ બોર્ડની બેઠકમાં ટ્રમ્પનો ધડાકો : 'ઓપરેશન સિંદૂર' વખતે વિમાનો આકાશમાં હતા ત્યારે ફોન કરીને યુદ્ધ અટકાવ્યાનો દાવો : 2.5 કરોડ લોકોના જીવ બચાવ્યાનું શ્રેય લીધું : જ્યારે ભારતે ત્રીજા પક્ષની મધ્યસ્થીને ફરી નકારી

વોશિંગ્ટન: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના અનોખા અંદાજ અને વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે, પરંતુ આ વખતે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને લઈને જે ખુલાસો કર્યો છે તેણે આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. વોશિંગ્ટનમાં શાંતિ બોર્ડની બેઠક દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો કે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની જ્વાળાઓ ભભૂકી રહી હતી અને આકાશમાં વિમાનો એકબીજાને તોડી પાડી રહ્યા હતા, ત્યારે તેમણે મધ્યસ્થી કરી હતી. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધો ફોન કરીને ચેતવણી આપી હતી કે જો આ લડાઈ બંધ નહીં થાય, તો અમેરિકા ભારત અને પાકિસ્તાન બંને સાથેના તમામ વેપારી સંબંધો તોડી નાખશે અને આયાત થતી વસ્તુઓ પર ૨૦૦ ટકા જેટલો ભારે ટેરિફ (કર) ઝીંકી દેશે.
ટ્રમ્પે સભામાં હસતા હસતા કહ્યું કે, "બંને દેશો લડવા માટે આતુર હતા, પરંતુ જ્યારે મેં પૈસા અને વેપારની વાત કરી, ત્યારે અચાનક તેમનો લડવાનો ઈરાદો બદલાઈ ગયો." તેમણે પાકિસ્તાની વડાપ્રધાનના હવાલાથી એમ પણ કહ્યું કે ટ્રમ્પના કારણે જ ૨૫ મિલિયન (૨.૫ કરોડ) લોકોના જીવ બચ્યા છે. નોંધનીય છે કે ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે 'ઓપરેશન સિંદૂર' શરૂ કરીને પાકિસ્તાની સૈન્ય મથકો પર પ્રચંડ હુમલો કર્યો હતો. ટ્રમ્પનો દાવો છે કે આ ગંભીર સ્થિતિમાં તેમણે પીએમ મોદી સાથેના અંગત સંબંધોનો ઉપયોગ કરીને યુદ્ધ વિરામ કરાવ્યો હતો.
જોકે, ભારતીય વિદેશ મંત્રાલયે ટ્રમ્પના આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. ભારત હંમેશાથી કહેતું આવ્યું છે કે પાકિસ્તાન સાથેના તમામ મુદ્દાઓ દ્વિપક્ષીય છે અને તેમાં કોઈ ત્રીજા પક્ષની દખલગીરીની જરૂર નથી. માત્ર અમેરિકા જ નહીં, મે ૨૦૨૫માં ચીને પણ આવી જ રીતે મધ્યસ્થી કરવાનો દાવો કર્યો હતો, જેને ભારતે તે સમયે પણ ફગાવી દીધો હતો. ટ્રમ્પ ભલે આ બાબતને પોતાની રાજદ્વારી જીત ગણાવતા હોય, પણ ભારત માટે 'ઓપરેશન સિંદૂર' એ આતંકવાદ સામેનો સીધો જવાબ હતો. આ વિરોધાભાસી નિવેદનો વચ્ચે દક્ષિણ એશિયાના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
