તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
ડીન નંબર વિના અપાયેલી જીએસટીની નોટિસ ગેરમાન્ય ગણાશે નહીં
આંધ્રપ્રદેશ હાઇકોર્ટે આપેલા ચુકાદાને કારણે જીએસટી અધિકારીઓને રાહત

નવી દિલ્હી,તા.૨૦: જીએસટી વિભાગમાં અધિકારીઓ દ્વારા વેપારીઓને પરેશાન કરવા માટે કેટલાક કિસ્સાઓમાં આડેધડ નોટિસ આપતા હતા. તેના કારણે ડીન નંબર (ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર) વિના વેપારીઓને નોટિસ નહીં આપવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ તે અંગે આંધ્રપ્રદેશ હાઈ કોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી હતી. તેમાં હાઈકોર્ટે ડીન નંબર વિના પણ જીએસટી વિભાગે નોટિસ આપી હશે તો તેને માન્ય ગણવાનો આદેશ કર્યો છે.
જીએસટી વિભાગે કુડોસ ફેસિલિટી સર્વિસીસના રિટર્નમાં વિસંગતતાઓ જણાતા કાર્યવાહી શરૂ કરી હતી અને જ્યારે કોઈ જવાબ ન મળ્યો ત્યારે આકારણી આદેશ પસાર કર્યો હતો. અરજદારે દલીલ કરી હતી કે ૨૦૧૯ના પરિપત્ર મુજબ ઓર્ડર પર DIN હોવો ફરજિયાત છે જેના વગર તે અમાન્ય ગણાય. આ ઉપરાંત નોટિસ યોગ્ય રીતે સહી કરવામાં આવી ન હોવાનો પણ દાવો કર્યો હતો. કોર્ટે આ દલીલોને ફગાવી દેતા જણાવ્યું હતું કે પોર્ટલ-આધારિત ડિજિટલ સિસ્ટમ થકી આપવામાં આવેલી નોટિસ બરાબર છે. વર્ષ ૨૦૧૯માં પારદર્શિતા માટે ડીન નંબર રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ નિષ્ણાતોના મતે હવે સરકાર જીએસટી સિસ્ટમની આંતરિક ડિજિટલ સુરક્ષા પર વધુ ભરોસો કરી રહી છે. જેથી આંધ્રપ્રદેશ હાઈકોર્ટે કુડસ ફેસિલિટી સર્વિસીસ વિરુદ્ધ જારી કરાયેલા આદેશને માન્ય રાખ્યો છે. કોર્ટે ચુકાદો આપ્યો છે કે જીએસટી પોર્ટલ દ્વારા ઇલેક્ટ્રોનિક રીતે જારી કરાયેલા ઓર્ડર પર સિસ્ટમ-જનરેટેડ રેફરન્સ નંબર (RFN) હોય તો તેની ભૌતિક નકલ પર ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબરની ગેરહાજરી તેને અમાન્ય બનાવતી નથી. જસ્ટિસ રાવ રઘુનંદન રાવ અને જાસ્ટિસ ટી.સી. ડી. શેખરની ડિવિઝન બેન્ચે અવલોકન કર્યું હતું કે, પોર્ટલ પર જનરેટ થયેલો રેફરન્સ નંબર એ સાબિત કરવા માટે પૂરતો છે કે ઓર્ડર ડિજિટલ રીતે પ્રમાણિત છે. ૨૦૧૯ના પરિપત્રમાં ડીન ફરજિયાત હતા. પરંતુ ૨૦૨૫ના પરિપત્રમાં તે નિયમો હળવા કરવામાં આવ્યા હતા. કોર્ટનો ચુકાદ સ્પષ્ટ સંકેત આપે છે કે જ્યાં ડિજિટલ માળખું પોતે જ પ્રમાણિકતાની ખાતરી આપતું હોય, ત્યાં પ્રક્રિયાગત વિગતો ધ્યાને રાખવામાં આવતી નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
