<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

હું નિર્દોષ છું, આ બધું રાજકીય ષડયંત્ર છેઃ સસ્‍તી પ્રસિદ્ધિ મેળવવા માટે મારી સામે ખોટો કેસ કરાયો

સુલતાનપુર કોર્ટમાં રાહુલ ગાંધીની ધારદાર રજૂઆતઃ આગામી ૯ માર્ચે પુરાવા રજૂ કરવા કોર્ટે આપી મંજૂરી : અમિત શાહ વિરુદ્ધની ટિપ્‍પણી બદલ નોંધાયેલા માનહાનિ કેસમાં ૨૭ મિનિટ સુધી પોતાનો પક્ષ રાખ્‍યો

 

સુલતાનપુર, તા.૨૦: રાજકીય ગરમાવા અને કડક સુરક્ષા ઘેરા વચ્‍ચે આજે સુલતાનપુરની એમપી-એમએલએ કોર્ટ એક મહત્ત્વપૂર્ણ સુનાવણીનું સાક્ષી બન્‍યું. કોંગ્રેસના દિગ્‍ગજ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સવારે ૧૧ વાગ્‍યાની આસપાસ કોર્ટ પરિસરમાં દાખલ થયા ત્‍યારે વાતાવરણ ઉત્તેજનાપૂર્ણ હતું. ૨૦૧૮ના માનહાનિ કેસમાં CrPCની કલમ ૩૧૩ હેઠળ પોતાનું નિવેદન નોંધાવતા રાહુલે સ્‍પષ્ટ શબ્‍દોમાં કહ્યું કે, હું આ સમગ્ર મામલામાં સંપૂર્ણપણે નિર્દોષ છું અને મારી સામે કરવામાં આવેલા આરોપો માત્ર રાજકીય રીતે પ્રેરિત છે. અડધા કલાક સુધી ચાલેલી આ ન્‍યાયિક કાર્યવાહી દરમિયાન રાહુલે શાંતિપૂર્વક ન્‍યાયાધીશના સવાલોના જવાબ આપ્‍યા હતા.

આ વિવાદના મૂળ ૨૦૧૮ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં છુપાયેલા છે. તે સમયે બેંગલુરુમાં એક પત્રકાર પરિષદ દરમિયાન રાહુલ ગાંધીએ તત્‍કાલીન ભાજપ અધ્‍યક્ષ અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતા. આ નિવેદનથી નારાજ થઈને ભાજપના સ્‍થાનિક નેતા વિજય મિશ્રાએ માનહાનિનો દાવો દાખલ કર્યો હતો. મિશ્રાનો આરોપ હતો કે રાહુલે ભાજપના નેતળત્‍વ પર ખોટા અને પાયાવિહોણા આક્ષેપો કરીને પક્ષની છબી ખરડવાનો પ્રયાસ કર્યો છે. જોકે, ફેબ્રુઆરી ૨૦૨૪માં આ કેસમાં રાહુલને જામીન મળી ગયા હતા, પરંતુ કાયદાકીય પ્રક્રિયા હજુ પણ સતત ચાલુ રહી છે.

રાહુલ ગાંધીના વકીલ કાશી પ્રસાદ શુક્‍લાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે, ફરિયાદી પક્ષ પાસે કોઈ મજબૂત પુરાવા નથી અને આ કેસ માત્ર સસ્‍તી -સિદ્ધિ મેળવવા માટે ઊભો કરવામાં આવ્‍યો છે. ૧૯ જાન્‍યુઆરીએ કોઈ કારણોસર રાહુલ હાજર રહી શકયા નહોતા, પરંતુ આજે તેમણે રૂબરૂ હાજર થઈને કોર્ટના આદેશનું પાલન કર્યું છે. કોર્ટે હવે રાહુલ ગાંધીને પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે પુરાવા રજૂ કરવા ૯ માર્ચ સુધીનો સમય આપ્‍યો છે. આ સુનાવણી બાદ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અજય રાય અને પ્રમોદ તિવારી સાથે લખનૌ જવા રવાના થયા હતા.

કોર્ટની બહાર કોંગ્રેસ કાર્યકરોનો ભારે જમાવડો જોવા મળ્‍યો હતો, જેઓ રાહુલ ગાંધી ઝિંદાબાદના નારા લગાવી રહ્યા હતા. રાહુલ ગાંધી લખનૌ એરપોર્ટથી સીધા સુલતાનપુર પહોંચ્‍યા હતા અને કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ફરી લખનૌ થઈને દિલ્‍હી પરત ફરશે તેવી માહિતી પક્ષના નેતા અખિલેશ પ્રતાપ સિંહે આપી હતી. આ કેસ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચ્‍યો છે, કારણ કે ૯ માર્ચે રજૂ થનારા પુરાવા નક્કી કરશે કે આ કાયદાકીય લડાઈ કઈ દિશામાં જશે. રાજકીય વિશ્‍લેષકો માની રહ્યા છે કે આગામી દિવસોમાં આ મામલો વધુ ગરમાઈ શકે છે. (રર.૧૮)

(3:32 PM IST)