<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

AI ના ‘સુપરપાવર' ગ્રુપ ‘પેક્‍સ સિલિકા'માં ભારતની એન્‍ટ્રી : ચીન-પાકિસ્‍તાન આઉટ

સુંદર પિચાઈ અને અશ્વિની વૈષ્‍ણવની હાજરીમાં નવું ટેક માળખું રચાયું: સેમિકન્‍ડક્‍ટર અને ચિપ ડિઝાઇનમાં ભારત બનશે ગ્‍લોબલ હબ : આ જૂથમાં ઓસ્‍ટ્રેલિયા, જાપાન, દક્ષિણ કોરિયા અને યુકે જેવા દિગ્‍ગજ દેશો સામેલ છે

 

નવી દિલ્‍હી, તા.૨૦: ભારતે આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ અને સેમિકન્‍ડક્‍ટર ક્ષેત્રે વિશ્વ મંચ પર એક એવી છલાંગ લગાવી છે જેણે ડ્રેગન એટલે કે ચીનના હોશ ઉડાવી દીધા છે. નવી દિલ્‍હીમાં આયોજિત પાંચ દિવસીય ભવ્‍ય AI સમિટના અંતિમ દિવસે ભારતે અમેરિકાના નેતળત્‍વ હેઠળના શક્‍તિશાળી પેક્‍સ સિલિકા જોડાણમાં સામેલ થવા માટે ઐતિહાસિક કરાર પર હસ્‍તાક્ષર કર્યા છે. આ જોડાણનો સીધો અર્થ એ છે કે હવે વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી અને સેમિકન્‍ડક્‍ટર સપ્‍લાય ચેઇન પર ભારતની મજબૂત પકડ હશે. આ જૂથમાં ઓસ્‍ટ્રેલિયા, જાપાન, દક્ષિણ કોરિયા અને યુકે જેવા દિગ્‍ગજ દેશો સામેલ છે, પરંતુ વ્‍યૂહાત્‍મક રીતે ચીન અને પાકિસ્‍તાનને આ મહત્‍વપૂર્ણ જોડાણથી સંપૂર્ણપણે દૂર રાખવામાં આવ્‍યા છે.

આ અવસરે આઈટી મંત્રી અશ્વિની વૈષ્‍ણવે ગર્વ સાથે જાહેરાત કરી હતી કે ભારત હવે માત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરનાર દેશ નથી, પણ તે બનાવનાર દેશ બની રહ્યો છે. તેમણે જણાવ્‍યું કે ભારતમાં સેમિકન્‍ડક્‍ટરના ૧૦ પ્‍લાન્‍ટ્‍સ તૈયાર થઈ ચૂકયા છે અને ટૂંક સમયમાં જ પ્રથમ મેડ ઈન ઈન્‍ડિયા ચિપનું ઉત્‍પાદન શરૂ થઈ જશે. વૈષ્‍ણવે ઉમેર્યું કે દુનિયા આજે ભારત પર અતૂટ વિશ્વાસ ધરાવે છે કારણ કે આપણી પાસે પ્રતિભાશાળી યુવાનોનો વિશાળ સમૂહ છે. આ કરારથી ભારતને દુર્લભ ખનીજો અને હાઈ-ટેક ચિપ ડિઝાઇનમાં અન્‍ય દેશો પરની નિર્ભરતા ઘટાડવામાં મોટી સફળતા મળશે, જે સીધો ચીન માટે મોટો આર્થિક ફટકો સાબિત થઈ શકે છે.

સમિટમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈની હાજરીએ આ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. પિચાઈએ ભારત અને અમેરિકા વચ્‍ચેના આ જોડાણને ભવિષ્‍યની સૌથી મહત્‍વપૂર્ણ ભાગીદારી ગણાવી હતી. તેમણે કહ્યું કે જો આવતીકાલની દુનિયા AI પર નિર્ભર છે, તો ભારત-યુએસની આ દોસ્‍તી તે દુનિયાનો પાયો બનશે. ગૂગલે આ પ્રક્રિયામાં સેતુ બનવાનું કામ કર્યું છે તે બદલ તેમણે આનંદ વ્‍યક્‍ત કર્યો હતો. આ સમિટમાં વિશ્વભરના ૬૦૦ જેટલા સ્‍ટાર્ટઅપ્‍સે ભાગ લીધો હતો, જે દર્શાવે છે કે ભારતની ટેક ઇકોસિસ્‍ટમ અત્‍યારે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહી છે અને વૈશ્વિક રોકાણકારો માટે હોટસ્‍પોટ બની છે.

અમેરિકી રાજદૂત સર્જિયો ગોરની હાજરીમાં થયેલા આ કરારથી સાબિત થયું છે કે લોકશાહી દેશો હવે ટેકનોલોજી પર પોતાનું વર્ચસ્‍વ જમાવવા એકજૂથ થયા છે. પેક્‍સ સિલિકા માત્ર એક કરાર નથી, પણ એક એવી દીવાલ છે જે સરમુખત્‍યારશાહી દેશોના ટેક-વર્ચસ્‍વને પડકારશે. ભારત આ જોડાણનો ભાગ બનતા હવે ઇલેક્‍ટ્રોનિક્‍સ મેન્‍યુફેક્‍ચરિંગમાં ક્રાંતિ આવશે અને લાખો નવી રોજગારીની તકો ઊભી થશે. ચીન પરની નિર્ભરતા ઘટાડીને ભારત હવે સેમિકન્‍ડક્‍ટર ક્ષેત્રે આત્‍મનિર્ભરતા તરફ કૂચ કરી રહ્યું છે, જે ૨૧મી સદીના નવા ભારતની શક્‍તિનું પ્રતિક છે.

(3:33 PM IST)