News of Friday, 20th February 2026
ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં 'નવી સવાર': તારિક રહેમાનના આગમન સાથે વિઝાના દ્વાર ખુલ્યા : તણાવના વાદળો વિખેરાયા!
બે મહિનાના વિરામ બાદ દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશને શરૂ કરી તમામ વિઝા સેવાઓ : ઉસ્માન હાદી હત્યાકાંડ પછીની કડવાશ દૂર કરવા ઢાકાની પહેલ

નવી દિલ્હી: દક્ષિણ એશિયાના રાજકારણમાં એક મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ નવા વડાપ્રધાન તારિક રહેમાને ભારત સાથેના સંબંધોને ફરી પાટા પર લાવવા માટે આક્રમક ગતિએ કામ શરૂ કર્યું છે. છેલ્લા બે મહિનાથી ભારત વિરોધી વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદીની હત્યા બાદ જે રાજદ્વારી મડાગાંઠ સર્જાઈ હતી, તેને તોડતા શુક્રવારે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશને ભારતીય નાગરિકો માટે તમામ પ્રકારની વિઝા સેવાઓ ફરી શરૂ કરી દીધી છે. રહેમાનના શપથ ગ્રહણના માત્ર ત્રણ દિવસમાં લેવાયેલો આ નિર્ણય સ્પષ્ટ સંકેત આપે છે કે નવી સરકાર ભારત સાથેના આર્થિક અને સામાજિક સંબંધોને ટોચની અગ્રતા આપી રહી છે.
ડિસેમ્બર મહિનામાં જ્યારે બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી હતી અને હિન્દુ લઘુમતીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, ત્યારે બંને દેશો વચ્ચેની કોન્સ્યુલર સેવાઓ ઠપ્પ થઈ ગઈ હતી. બિઝનેસ વિઝા ચાલુ હોવા છતાં, હજારો ભારતીય પ્રવાસીઓ અને દર્દીઓ મેડિકલ વિઝા માટે રાહ જોઈ રહ્યા હતા. હવે, નવી વ્યવસ્થા હેઠળ મેડિકલ, ટૂરિઝમ અને વર્ક વિઝા સહિતની તમામ શ્રેણીઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. સામા પક્ષે, સિલહટમાં ભારતીય કોન્સ્યુલર અધિકારી અનિરુદ્ધ દાસે પણ ખાતરી આપી છે કે ભારત પણ ટૂંક સમયમાં બાંગ્લાદેશી નાગરિકો માટે વિઝા પ્રક્રિયા સંપૂર્ણપણે સામાન્ય કરી દેશે, જે અત્યારે માત્ર મેડિકલ ઇમરજન્સી પૂરતી મર્યાદિત હતી.
રાજકીય નિષ્ણાતો આ પરિવર્તનને 'નેબરહુડ ફર્સ્ટ' પોલિસીની જીત તરીકે જોઈ રહ્યા છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પીએમ મોદી વતી તારિક રહેમાનના શપથ ગ્રહણમાં હાજરી આપીને જે ઉષ્માભર્યું આમંત્રણ આપ્યું છે, તેનાથી ઢાકા અને દિલ્હી વચ્ચેનો અંતર ઘટ્યું છે. અગાઉ મુહમ્મદ યુનુસે ભારતને બદલે ચીનને પ્રાધાન્ય આપ્યું હતું, જેનાથી દિલ્હીમાં નારાજગી હતી, પરંતુ તારિક રહેમાન હવે જૂની પરંપરાને અનુસરીને પોતાની પ્રથમ વિદેશ યાત્રા ભારતની કરે તેવી પૂરી શક્યતા છે. જો આ મુલાકાત સફળ રહેશે, તો બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી અને વેપારના ક્ષેત્રમાં નવા આયામો સર થશે.
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
