<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

ભારત મંડપમમાં કોંગ્રેસનું 'શર્ટલેસ' પ્રદર્શન: રાહુલ ગાંધી સાથે કનેક્શન જોડી ભાજપનો પ્રહાર : 'ટોપલેસ અને બેશરમ' કહીને સંબિત પાત્રાએ સાધ્યું નિશાન!

AI ઇમ્પેક્ટ સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ કપડાં ઉતારી મચાવ્યો હોબાળો : નરસિંહ યાદવ સહિત 4 ની ધરપકડ : ભાજપે ભારત જોડો યાત્રાનો ફોટો વાયરલ કરી પુરાવા આપ્યા

નવી દિલ્હી:  રાજધાની દિલ્હીનું ભારત મંડપમ, જ્યાં વિશ્વભરના દિગ્ગજ નેતાઓ અને ટેક નિષ્ણાતો AI સમિટ માટે એકઠા થયા હતા, ત્યાં શુક્રવારે અચાનક રાજકીય ગરમાવો આવી ગયો હતો. યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ કાર્યક્રમમાં અંદર ઘૂસીને પોતાના શર્ટ ઉતારી 'શર્ટલેસ' વિરોધ પ્રદર્શન શરૂ કરતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર કોંગ્રેસની આકરી ટીકા થઈ રહી છે. દિલ્હી પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા નરસિંહ યાદવ સહિત ચાર હોદ્દેદારોની ધરપકડ કરી છે અને તેમના પર પોલીસ સાથે ઝપાઝપી તથા સરકારી કામમાં અવરોધ જેવી ગંભીર કલમો હેઠળ FIR નોંધી છે.

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આ મામલે તીખા પ્રહારો કરતા તેને એક 'સુનિયોજિત ષડયંત્ર' ગણાવ્યું છે. પાત્રાએ એક પ્રેસ કોન્ફરન્સમાં વિરોધ પ્રદર્શનના મુખ્ય સૂત્રધાર નરસિંહ યાદવનો રાહુલ ગાંધી સાથેનો ફોટો શેર કર્યો હતો. ભાજપનો આરોપ છે કે આ પ્રકારનો અજીબોગરીબ વિરોધ રાહુલ, સોનિયા અને પ્રિયંકા ગાંધીના નિવાસસ્થાને રચાયેલા પ્લાનનો ભાગ છે. પાત્રાએ કટાક્ષ કરતા કહ્યું કે, "કોંગ્રેસ પાસે હવે બુદ્ધિ નથી રહી, આ વૈશ્વિક મંચ છે, ભાજપની કારોબારી નહીં. ભારતની વધતી પ્રતિષ્ઠાને કલંકિત કરવા માટે જ આવા 'ટોપલેસ, મગજહીન અને બેશરમ' નુસખાઓ અપનાવવામાં આવે છે."

પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ચારેય આરોપીઓએ સામાન્ય મુલાકાતી તરીકે નોંધણી કરાવીને અંદર પ્રવેશ મેળવ્યો હતો અને ત્યારબાદ અચાનક પ્રદર્શન શરૂ કર્યું હતું. ધરપકડ કરાયેલા લોકોમાં તેલંગાણા, બિહાર અને યુપીના કોંગ્રેસના યુવા નેતાઓ સામેલ છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ પ્રદર્શન પાછળ કોઈ વિદેશી તાકાતોનો હાથ છે કે જેઓ ભારતની છબી ખરાબ કરવા માંગે છે. પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂઆત બાદ આ વિવાદ વધુ વણસે તેવી શક્યતા છે, કારણ કે ભાજપે તેને દેશદ્રોહ સમાન કૃત્ય ગણાવ્યું છે, જ્યારે કોંગ્રેસ આ મુદ્દે હજુ બચાવની મુદ્રામાં છે.

(6:55 PM IST)