<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

ભારતમાં AI ક્રાંતિ: અંબાણી, અદાણી અને માઈક્રોસોફ્ટની અબજો ડોલરની રોકાણ વર્ષા; જાણો કોણ કેટલો મોટો દાવ ખેલી રહ્યું છે?

ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026 માં કંપનીઓએ તિજોરીના દ્વાર ખોલ્યા - રિલાયન્સ અને અદાણી વચ્ચે 100 બિલિયન ડોલરથી વધુના રોકાણની હોડ : માઈક્રોસોફ્ટનો 50 બિલિયન ડોલરનો ગ્લોબલ પ્લાન અને L&T બનાવશે ભારતની સૌથી મોટી 'AI ફેક્ટરી'

નવી દિલ્હી:  નવી દિલ્હીમાં આયોજિત 'ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026' ભારત માટે ટેકનોલોજીના નવા સુવર્ણ યુગની શરૂઆત સમાન સાબિત થઈ છે. વિશ્વની જાયન્ટ કંપનીઓ અને ભારતના અગ્રણી ઉદ્યોગ ગૃહોએ ભારતના AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અબજો ડોલર ઠાલવવાની જાહેરાત કરી છે. જેમાં સૌથી મોટો ધડાકો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો છે. રિલાયન્સ આગામી સાત વર્ષમાં 109.8 બિલિયન ડોલરનું તોતિંગ રોકાણ કરશે, જ્યારે અદાણી ગ્રુપે 2035 સુધીમાં 100  બિલિયન ડોલરના ખર્ચે ગ્રીન એનર્જી સંચાલિત ડેટા સેન્ટર્સ બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ રોકાણો ભારતને માત્ર ડેટા વપરાશમાં જ નહીં, પણ AI પ્રોસેસિંગ અને ક્લાઉડ કમ્પ્યુટિંગમાં પણ વિશ્વગુરુ બનાવવાની દિશામાં એક વિરાટ ડગલું છે.

માઈક્રોસોફ્ટ જેવી વૈશ્વિક ટેક જાયન્ટ કંપનીએ પણ ભારતને પોતાનું મુખ્ય કેન્દ્ર બનાવતા 2030 સુધીમાં 50 ડોલર બિલિયનના રોકાણની જાહેરાત કરી છે. બીજી તરફ, પરંપરાગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લાર્સન એન્ડ ટુબ્રો (L&T) હવે હાઇ-ટેક ક્ષેત્રે ઝંપલાવીને Nvidia સાથે મળીને ભારતની સૌથી મોટી 'AI ફેક્ટરી' સ્થાપવા જઈ રહી છે. આ ફેક્ટરી એવા ડેટા સેન્ટર્સ અને સુપરકમ્પ્યુટિંગ પ્લેટફોર્મ્સ તૈયાર કરશે જે ભવિષ્યના જટિલ AI વર્કલોડને પળવારમાં હેન્ડલ કરી શકશે. ટાટા ગ્રુપની TCS એ પણ OpenAI સાથે હાથ મિલાવીને સાબિત કરી દીધું છે કે ભારતીય IT હવે માત્ર સેવા પૂરી પાડવા પૂરતું મર્યાદિત નથી, પણ વૈશ્વિક AI માળખામાં સક્રિય ભાગીદાર છે.

આ રોકાણોમાં યોટ્ટા ડેટા સર્વિસીસનો 2 બિલિયન ડોલરનો 'બ્લેકવેલ અલ્ટ્રા ચિપ્સ' પ્રોજેક્ટ પણ અત્યંત મહત્વનો છે, જે એશિયાના સૌથી મોટા કમ્પ્યુટિંગ હબમાંથી એક હશે. આ તમામ પ્રોજેક્ટ્સનો હેતુ ભારતમાં 'સાર્વભૌમ ક્લાઉડ'  પ્લેટફોર્મ વિકસાવવાનો છે, જેથી દેશનો ડેટા દેશમાં જ રહે અને સુરક્ષિત રીતે પ્રોસેસ થાય. નિષ્ણાતોના મતે, આ રોકાણોથી આગામી દાયકામાં ભારતમાં કરોડો નવી ટેકનોલોજી આધારિત રોજગારીની તકો ઊભી થશે અને ભારત 30 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના લક્ષ્યાંક તરફ વધુ ઝડપથી ગતિ કરશે.

(10:18 PM IST)