News of Saturday, 21st February 2026
સુપ્રીમ કોર્ટના ફટકા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની ગર્જનાઃ ચિંતા ન કરો, મારી પાસે બેકઅપ પ્લાન તૈયાર છે, અમેરિકા ફર્સ્ટની નીતિ અટકશે નહીં

વોશિંગ્ટન તા.૨૧: અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ન્યાયતંત્ર વચ્ચે ફરી એકવાર આરપારની જંગ શરૂ થઈ ગઈ છે. વિશ્વભરના દેશોમાંથી આવતી વસ્તુઓ પર જંગી આયાત શુલ્ક (ટેરિફ) લાદવાના ટ્રમ્પના નિર્ણયને સુપ્રીમ કોર્ટે ૬-૩ની બહુમતીથી ગેરબંધારણીય અને ગેરકાયદેસર જાહેર કર્યો છે. આ ઐતિહાસિક ચુકાદાના કલાકો બાદ જ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, આ નિર્ણયથી અમેરિકાના આર્થિક હિતોને નુકસાન થશે, પરંતુ અમે હાર માનવાના નથી. મારી પાસે આ સ્થિતિનો સામનો કરવા માટેનો બેકઅપ પ્લાન તૈયાર છે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે પ્રમુખ પાસે વેપાર અને ટેક્સ સંબંધી બાબતોમાં સંસદ (કોંગ્રેસ)ની મંજૂરી વગર આવા મોટા નિર્ણયો લેવાની સત્તા નથી. આ ચુકાદા બાદ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ' પર લખ્યું કે, આ આપણા દેશ માટે દુઃખદ દિવસ છે. જે ટેરિફ અમેરિકાની ફેક્ટરીઓને બચાવી રહ્યા હતા અને વિદેશી દેશો પાસેથી અબજો ડોલર લાવી રહ્યા હતા, તેને ન્યાયતંત્રએ અટકાવ્યા છે. પરંતુ હું મારા સમર્થકોને કહેવા માંગુ છું કે અમેરિકા ફરીથી ચીન કે અન્ય દેશોના સસ્તા માલનું ડમ્પિંગ ગ્રાઉન્ડ નહીં બને. અમે ટૂંક સમયમાં જ નવા કાયદાકીય માર્ગો જાહેર કરીશું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ વહીવટીતંત્ર હવે ઇમરજન્સી પાવર્સને બદલે રાષ્ટ્રીય સુરક્ષા (નેશનલ સિક્યુરિટી) ના કાયદાનો ઉપયોગ કરી શકે છે. અમેરિકાના ૧૯૬૨ ના ટ્રેડ એક્સપાન્શન એક્ટની કલમ ૨૩૨ હેઠળ પ્રમુખને સત્તા છે કે જો કોઈ આયાત દેશની સુરક્ષા માટે જોખમી હોય તો તેના પર પ્રતિબંધ કે શુલ્ક લાદી શકાય. ટ્રમ્પ આ કાયદા હેઠળ ફરીથી ટેરિફ લાગુ કરવાની યોજના બનાવી રહ્યા હોય તેવું જણાય છે.
આ ઉપરાંત, તેઓ સંસદમાં રિપબ્લિકન પાર્ટીના બહુમતી સભ્યો દ્વારા નવો કાયદો પસાર કરાવીને આ ટેરિફને કાયદેસરની મહોર મરાવવા પણ પ્રયત્નશીલ છે.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, ટ્રમ્પ સરકારે અત્યાર સુધી વસૂલેલા અંદાજે ૧૫૦ અબજ ડોલર (ભારતીય ચલણમાં આશરે ૧૨ લાખ ૪૫ હજાર કરોડ રૂપિયાથી વધુ) જે-તે કંપનીઓને પરત કરવા પડશે. આ રકમ અમેરિકાના બજેટ પર મોટો બોજ નાખી શકે છે. અર્થશાષીઓનું માનવું છે કે જો સરકાર આ રિફન્ડ આપવામાં વિલંબ કરશે તો બજારમાં અસ્થિરતા આવી શકે છે. બીજી તરફ, ટ્રમ્પ આ રિફન્ડ રોકવા માટે પણ કાયદાકીય લડત આપવાના મૂડમાં છે.
ટ્રમ્પના ટેરિફ ગેરકાયદેસર ઠરતા ભારત, ચીન, કેનેડા અને મેક્સિકો જેવા દેશોના શેરબજારોમાં ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને આઈટી અને ફાર્મા સેક્ટરની કંપનીઓને મોટી રાહત મળી છે. જોકે, ટ્રમ્પના બેકઅપ પ્લાન ના નિવેદન બાદ વેપારીઓમાં ફરી ફાળ પડેલ છે કે આગામી દિવસોમાં ફરીથી કોઈ નવો આર્થિક પ્રતિબંધ આવી શકે છે.
* ન્યાયતંત્ર અને વહીવટીતંત્ર સામસામેઃ ટેરિફ રદ થતા ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કાઢી ભડાશઃ ૧૫૦ અબજ ડોલરના રિફન્ડના આદેશથી વોશિંગ્ટનમાં ખળભળાટ
* વ્હાઇટ હાઉસ હવે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડરની તૈયારીમાં: આયાતી વસ્તુઓ પર શુલ્ક વસૂલવા ટ્રમ્પ વહીવટીતંત્ર કાયદાકીય છટકબારીઓ શોધશે
ભારત પર શું અસર થશે?
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી ભારતીય નિકાસકારોને કરોડો ડોલરનો ફાયદો થશે.
ભારતમાંથી અમેરિકા જતી સ્ટીલ, એલ્યુમિનિયમ અને ટેક્સટાઈલ વસ્તુઓ સસ્તી થશે.
જો ટ્રમ્પ રિફન્ડ આપે છે, તો ભારતની ઘણી મોટી નિકાસકાર કંપનીઓને વર્ષોથી અટકેલા નાણાં પાછા મળી શકે છે. જોકે, ટ્રમ્પનો નવો બેકઅપ પ્લાન ભારત માટે ફરીથી પડકારરૂપ બની શકે છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાના મુખ્ય અંશો
૬ વિરુદ્ધ ૩: ૬ રૂઢિચુસ્ત જજોએ ટેરિફની વિરુદ્ધમાં અને ૩ ઉદારવાદી જજોએ ટ્રમ્પના સમર્થનમાં મતદાન કર્યું હોવાના અહેવાલ છે (આમ બહુમતી વિરુદ્ધમાં રહી છે)
બંધારણીય મર્યાદાઃ કોર્ટે કહ્યું કે પ્રમુખ કાયદાથી ઉપર નથી અને આર્થિક નીતિઓ ઘડવામાં સંસદની ભૂમિકા સર્વોપરી છે.
તાત્કાલિક અમલઃ કોર્ટે ટેરિફ વસૂલાત પર તાત્કાલિક સ્ટે મૂક્યો છે અને જૂની રકમ પરત કરવાની પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું છે.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
