News of Saturday, 21st February 2026
૩૩ સગીરોનું ક્રૂર જાતીય શોષણઃ પૂર્વ ઇજનેર દંપતીને ફાંસીની સજા
તમામ પીડિતોને ૧૦-૧૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા યોગી સરકારને ઉત્તર પ્રદેશની અદાલતનો આદેશ

બાંદા, ઉત્તર પ્રદેશ,તા.૨૧: ઉત્તર પ્રદેશની એક વિશેષ પોક્સો કોર્ટે ગઈકાલે શુક્રવારે એક અત્યંત જઘન્ય અપરાધમાં પૂર્વ એન્જિનિયર રામભવન અને તેની પત્ની દુર્ગાવતીને ફાંસીની સજા ફટકારી છે. આ દંપતી પર છેલ્લા ૧૦ વર્ષથી સગીર બાળકોનું શારીરિક શોષણ કરવા અને તેના અશ્લીલ વીડિયો બનાવી આંતરરાષ્ટ્રીય સ્તરે વેચવાનો આરોપ સાબિત થયો છે.
શું હતો સમગ્ર કેસ? રામભવન, જે સિચાઈ વિભાગમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો, તે ૨૦૧૦ થી ૨૦૨૦ દરમિયાન બાંદા અને ચિત્રકૂટ વિસ્તારમાં સક્રિય હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે
માસૂમોનું શોષણઃ આ દંપતીએ ૩ વર્ષથી લઈને ૧૬ વર્ષની વયના આશરે ૩૩ જેટલા માસૂમ બાળકોને (મુખ્યત્વે છોકરાઓને) પોતાની જાળમાં ફસાવ્યા હતા.
પ્રલોભન અને લાલચઃ ગરીબ પરિવારના બાળકોને મોબાઈલ ગેમ્સ રમવા આપવા, ચોકલેટ, રમકડાં અને પૈસાની લાલચ આપીને પોતાના ઘરે બોલાવતા હતા.
અત્યંત ગંભીર ગુનોઃ શોષણ દરમિયાન તેઓ બાળકોના અશ્લીલ વીડિયો અને ફોટા પાડતા હતા. સીબીઆઈની તપાસમાં બહાર આવ્યું છે કે તેમણે ૨ લાખથી વધુ વાંધાજનક સામગ્રી ઓનલાઇન પ્લેટફોર્મ અને ડાર્ક વેબ પર શેર કરી હતી.
આંતરરાષ્ટ્રીય કનેક્શનઃ આ અશ્લીલ વીડિયો વિશ્વના ૪૭ દેશોમાં વેચવામાં આવતા હતા, જેનાથી આરોપીઓએ મોટી કમાણી કરી હતી.
કેવી રીતે પકડાયા? આ કેસનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ઈન્ટરપોલ દ્વારા ડાર્ક વેબ પર ફેલાઈ રહેલી ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ટ્રેસ સીબીઆઈને આપવામાં આવ્યા. સીબીઆઈએ ૩૧ ઓક્ટોબર, ૨૦૨૦ ના રોજ ગુનો નોંધી રામભવનની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં તેની પત્ની દુર્ગાવતીની પણ સંડોવણી સામે આવી, જે પુરાવા છુપાવવા અને પીડિતોને ધમકાવવામાં મદદ કરતી હતી.
કોર્ટનો ચુકાદો અને ટિપ્પણીઃ વિશેષ ન્યાયાધીશ પ્રદીપ કુમાર મિશ્રાએ આ કેસને 'રેરેસ્ટ ઓફ રેર' ગણાવ્યો હતો. કોર્ટે નોંધ્યું કે શારીરિક અને માનસિક આઘાતઃ પીડિત બાળકો એટલી હદે ક્રૂરતાનો ભોગ બન્યા હતા કે કેટલાકે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું અને તેઓ હજુ પણ માનસિક આઘાતમાંથી બહાર આવ્યા નથી.
વળતરઃ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને આદેશ આપ્યો છે કે પ્રત્યેક ૩૩ પીડિતોને ૧૦-૧૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે.
કડક સજાઃ આરોપીઓની જઘન્યતાને ધ્યાને રાખીને બંનેને અંતિમ શ્વાસ સુધી ફાંસીએ લટકાવવાનો આદેશ આપ્યો છે.
આ ચુકાદાને સોશિયલ મીડિયા અને સમાજના વિવિધ વર્ગો દ્વારા આવકારવામાં આવ્યો છે, કારણ કે તે બાળકોની સુરક્ષા અને ઓનલાઇન અપરાધો સામે એક મજબૂત ચેતવણી સમાન છે.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
