News of Saturday, 21st February 2026
ભારત બન્યું ટેકનોલોજીનું નવું 'પાવરહાઉસ'! AI જગત પર છવાયો ભારતનો જાદુ: ૮૮ દેશોએ સ્વીકાર્યો 'સાત ચક્રો'નો મંત્ર
નવી દિલ્હી ઘોષણાપત્ર: વિશ્વના શક્તિશાળી દેશોએ ભારતના 'વસુધૈવ કુટુંબકમ'ના વિઝનને વધાવ્યું : શિક્ષણ, વિજ્ઞાન અને અર્થતંત્રમાં ક્રાંતિ લાવવા તૈયાર કરાયો સાત સ્તંભોનો રોડમેપ : હવે AI માત્ર અમીર દેશોની જાગીર નહીં રહે, દરેક ગરીબ સુધી પહોંચશે તેના ફાયદા

નવી દિલ્હી: ભારતની અધ્યક્ષતામાં આયોજિત 'AI ઇમ્પેક્ટ સમિટ 2026' એ વિશ્વને એક નવી દિશા બતાવી છે. નવી દિલ્હીના મંચ પરથી જ્યારે ૮૮ દેશોએ એકસૂરે 'નવી દિલ્હી ઘોષણાપત્ર' પર હસ્તાક્ષર કર્યા, ત્યારે ભારત સત્તાવાર રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં 'વિશ્વ નેતા' તરીકે ઉભરી આવ્યું છે. આ સમિટમાં ભારતે સ્પષ્ટ કર્યું કે ટેકનોલોજીનો અસલી હેતુ 'સર્વજન હિતાય, સર્વજન સુખાય' હોવો જોઈએ. પશ્ચિમી દેશોના નફા-કેન્દ્રીત અભિગમ સામે ભારતે માનવીય મૂલ્યો અને સામાજિક સમાનતાનો એવો મજબૂત પક્ષ રજૂ કર્યો કે અમેરિકા અને ચીન જેવા દેશોએ પણ ભારતના વિઝન સામે નતમસ્તક થવું પડ્યું.
આ ઐતિહાસિક સફળતાના પાયામાં ભારતના 'સાત ચક્રો' છે, જે AI ને માનવજાત માટે આશીર્વાદ બનાવવાનો રોડમેપ છે. પ્રથમ ચક્ર 'માનવ મૂડી' દ્વારા યુવા પેઢીને તૈયાર કરવાથી લઈને છેલ્લું ચક્ર 'આર્થિક વિકાસ' સુધી, આ સાત સ્તંભો એક એવી ઇકોસિસ્ટમ બનાવશે જ્યાં ટેકનોલોજી પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર (ગ્રીન AI) કામ કરશે. ખાસ કરીને વિજ્ઞાનમાં AI નો ઉપયોગ અને સંસાધનોનું લોકશાહીકરણ કરવાના ભારતના પ્રસ્તાવને કારણે હવે વિકાસશીલ દેશોને પણ સમાન તક મળશે. આ સાત ચક્રો મશીનોને મનુષ્યના પ્રતિસ્પર્ધી નહીં, પણ પરમ સહાયક તરીકે પ્રસ્થાપિત કરશે.
સમિટના સમાપન પર વિશ્વના નેતાઓએ સ્વીકાર્યું કે ભારત દ્વારા રજૂ કરાયેલું મોડેલ વૈશ્વિક અસમાનતા દૂર કરવા માટેનું શ્રેષ્ઠ શસ્ત્ર છે. આ પ્લેટફોર્મે સાબિત કર્યું કે ભારત હવે માત્ર બીજાના સોફ્ટવેર વાપરનાર દેશ નથી, પરંતુ વિશ્વને ટેકનોલોજીના નીતિ-નિયમો શીખવનાર 'ગુરુ' છે. 'ગ્લોબલ સાઉથ' ના દેશો માટે આ સમિટ એક આશાનું કિરણ બનીને આવી છે, કારણ કે ભારતે ખાતરી આપી છે કે AI ના ફાયદા છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ભારત તમામ સંભવિત ટેકનિકલ મદદ પૂરી પાડશે. આગામી દાયકામાં આ સાત ચક્રો વિશ્વના ડિજિટલ ભવિષ્યને આકાર આપવામાં પાયાની ઈંટ સાબિત થશે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
