<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

સાવધાન! ૫૦ની ઉંમરે પેન્શન લેવાની ઉતાવળ ભારે પડી શકે છે: વહેલી નિવૃત્તિ લેતા પહેલા આ ‘૨૫ ટકા’નો ઘટાડો સમજી લેજો

EPFOનો ચોંકાવનારો નિયમ: ૫૮ વર્ષ પહેલા પેન્શન ઉપાડશો તો દર વર્ષે ૪ ટકા રકમ કપાશે; જાણો નિવૃત્તિ પછી આજીવન આર્થિક નુકસાનથી બચવાનો રસ્તો

અમદાવાદ:  ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા અને ૫૦ વર્ષની વય વટાવી ચુકેલા કર્મચારીઓ માટે નિવૃત્તિના આયોજનને લઈને એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઘણા કર્મચારીઓ વહેલી નિવૃત્તિ (Early Retirement) લઈને પેન્શન શરૂ કરવાની ઉતાવળ કરતા હોય છે, પરંતુ EPFOના નિયમો મુજબ આ ઉતાવળ તમારા ખિસ્સા પર આજીવન કાતર ફેરવી શકે છે.
વહેલું પેન્શન એટલે મોટું નુકસાન
EPFના નિયમો મુજબ, નિવૃત્તિની સત્તાવાર ઉંમર ૫૮ વર્ષ છે. જો તમે ૫૦ વર્ષની ઉંમર પછી અને ૫૮ વર્ષ પહેલા પેન્શન લેવાનું શરૂ કરો છો, તો તમારા પેન્શનની રકમમાં દર વર્ષે ૪ ટકાનો ઘટાડો કરવામાં આવે છે. દાખલા તરીકે, જો તમે પૂરા ૫૮ વર્ષે પેન્શન લો છો તો તમને ૧૦૦ ટકા રકમ મળે, પણ જો ૫૦ વર્ષની ઉંમરે જ પેન્શન શરૂ કરાવો તો તમારી પેન્શનની રકમમાં ૨૫ ટકા સુધીનો મોટો કાપ આવી શકે છે. આ નુકસાન તમારે આજીવન સહન કરવું પડે છે.
પેન્શન માટેની ૧૦ વર્ષની શરત
કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ પેન્શનનો હકદાર બનવા માટે કર્મચારીએ ઓછામાં ઓછી ૧૦ વર્ષની સળંગ નોકરી પૂર્ણ કરવી અનિવાર્ય છે. પેન્શનની ગણતરી માટે મહત્તમ સેવા અવધિ ૩૫ વર્ષ માનવામાં આવે છે. તમારી નોકરી જેટલી લાંબી હશે અને ઉંમર ૫૮ વર્ષની જેટલી નજીક હશે, તેટલું જ વધુ પેન્શન તમને મળશે.
પગારની મર્યાદા અને પેન્શનનું ગણિત
વર્તમાન નિયમો મુજબ, પેન્શન ગણતરી માટે મહત્તમ પગાર મર્યાદા ₹૧૫,૦૦૦ નક્કી કરવામાં આવી છે. આ ગણતરી મુજબ માસિક પેન્શનની રકમ નક્કી થાય છે. જો કે, જેઓ નોકરી બદલે છે તેમના માટે 'પેન્શન સ્કીમ સર્ટિફિકેટ' મેળવવું ખૂબ જરૂરી છે, જેથી તમારી જૂની નોકરીના વર્ષો નવી નોકરી સાથે જોડાઈ શકે અને પેન્શનની રકમ વધી શકે.
કેવી રીતે કરશો ક્લેમ?
૫૮ વર્ષની ઉંમર પૂર્ણ થતા પેન્શન મેળવવા માટે કર્મચારીએ Form 10D ભરવાનું રહે છે. અમુક ખાસ કિસ્સાઓમાં Form 10C પણ ઉપયોગી બને છે. નિષ્ણાતોની સલાહ છે કે જો ખૂબ જ અનિવાર્ય ન હોય તો ૫૮ વર્ષની વય સુધી રાહ જોવી જોઈએ, જેથી નિવૃત્તિ પછીનું જીવન આર્થિક રીતે વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બની શકે.

(8:27 PM IST)