News of Saturday, 21st February 2026
ઝળહળતી નગરી લાસ વેગાસની રોનક ઝાંખી પડી: મહામારી પછી મુલાકાતીઓમાં સૌથી મોટો ૭.૫% નો ઘટાડો, મોંઘવારી અને રાજકીય અનિશ્ચિતતા નડી
વેગાસમાં ‘પાણીની બોટલના ૧૦ ડોલર’: અમીર પ્રવાસીઓ ટકી રહ્યા પણ મધ્યમ વર્ગે વેકેશન પ્લાન પર કાતર ફેરવી; હોટલ પ્રોફિટ અને ફ્લાઇટ્સમાં મોટો કાપ

લાસ વેગાસ: દુનિયાભરમાં કેસિનો અને મનોરંજન માટે જાણીતું શહેર લાસ વેગાસ હાલમાં એક મોટી આર્થિક નરમાઈનો સામનો કરી રહ્યું છે. વર્ષ ૨૦૨૫માં વેગાસમાં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં અંદાજે ૩૧ લાખનો ઘટાડો નોંધાયો છે. ૧૯૭૦ પછી મહામારીના ગાળાને બાદ કરતાં મુલાકાતીઓની સંખ્યામાં આ સૌથી તીવ્ર ૭.૫% નો વાર્ષિક ઘટાડો છે. શુક્રવારે ભીડથી ધમધમતા વેગાસના એરપોર્ટ હવે સોમવાર આવતા સુધીમાં સૂમસામ ભાસી રહ્યા છે.
મોંઘવારીનો માર: હવે કોઈ 'સોદો' દેખાતો નથી
પર્યટન ક્ષેત્રના નિષ્ણાતોના મતે, લાસ વેગાસમાં વધતી જતી ફી અને મોંઘવારીએ બજેટ પ્રત્યે સભાન પ્રવાસીઓને દૂર ધકેલ્યા છે. ટૂર ગાઇડ માઇકલ હિલમેન કહે છે, "પ્રવાસીઓ હવે હેરાન થઈ રહ્યા છે. પાણીની એક બોટલના ૧૦ ડોલર વસૂલવામાં આવે છે. લોકોને હવે અહીં કોઈ ફાયદો કે 'ડીલ' દેખાતી નથી." આ જ કારણ છે કે ઓર્લાન્ડો કે ડિઝનીલેન્ડ જેવા અન્ય સ્પોટની સરખામણીએ લાસ વેગાસ વધુ સંવેદનશીલ બન્યું છે.
હોટલો અને કેસિનોના નફામાં ગાબડાં
વેગાસની શાન ગણાતી સ્ટ્રીપ પર હવે અઠવાડિયાના મધ્યમાં ભીડ ગાયબ જોવા મળે છે. MGM રિસોર્ટ્સ અને સીઝર્સ એન્ટરટેઇનમેન્ટ જેવી દિગ્ગજ કંપનીઓએ તેમના ચોથા ક્વાર્ટરના નફામાં ઘટાડો નોંધાવ્યો છે. ખાસ કરીને લુક્સર અને એક્સકેલિબર જેવી બજેટ હોટલોમાં સૌથી વધુ નરમાઈ જોવા મળી છે. ૨૦૨૫ માં હોટલ રૂમની સરેરાશ આવકમાં ૧૧% નો ઘટાડો થયો છે, જેના કારણે હવે હોટલો પ્રવાસીઓને આકર્ષવા માટે ડિસ્કાઉન્ટ અને ફ્રી ડાઇનિંગ ક્રેડિટ્સ જેવી ઓફરો આપવા મજબૂર બની છે.
રાજકીય અને ઇમિગ્રેશન તણાવની અસર
પ્રવાસીઓના ઘટાડા પાછળ માત્ર આર્થિક જ નહીં, પણ રાજકીય કારણો પણ જવાબદાર હોવાનું મનાય છે. ટ્રમ્પ વહીવટીતંત્રના ઇમિગ્રેશન કડક પગલાં અને કેનેડા સાથેના ટેરિફ તણાવને કારણે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ, ખાસ કરીને કેનેડિયનોએ અમેરિકાની મુસાફરીમાં ૩૦% નો ઘટાડો કર્યો છે. પ્રવાસીઓમાં એવી ભીતિ છે કે તેઓ બિનજરૂરી તપાસ કે કાયદાકીય ગૂંચવણોમાં ફસાઈ શકે છે.
ટિપ્સ ઘટી અને કલાકો કપાયા: સામાન્ય કામદાર પરેશાન
આ મંદીની સૌથી સીધી અસર કેસિનો અને હોટલના નાના કામદારો પર પડી છે. બેલમેન અને રસોઈ કામદારોનું કહેવું છે કે પ્રવાસીઓ હવે ટિપ આપવામાં પાછીપાની કરી રહ્યા છે. યુનિયનના અગ્રણીઓના જણાવ્યા મુજબ, મોટી છટણી ભલે ન થઈ હોય, પરંતુ વધારાની શિફ્ટ અને પાર્ટ-ટાઇમ કલાકો બંધ થઈ રહ્યા છે, જે મંદીના શરૂઆતના સંકેત છે.
આગામી ઉનાળાની સીઝનમાં જો મધ્યમ વર્ગના પરિવારો બુકિંગમાં વધારો નહીં કરે, તો લાસ વેગાસની અર્થવ્યવસ્થા માટે મુશ્કેલ સમય આવી શકે છે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
