<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

ગરીબ જનતા અને 'શાહી' ઠાઠ! મરિયમ નવાઝે 11.7 અબજનું લક્ઝરી જેટ ખરીદતા પાકિસ્તાનમાં સંગ્રામ : વિપક્ષે કહ્યું- "શરમ કરો"

ભૂખમરા અને દેવાના ડુંગર નીચે દબાયેલા દેશમાં મુખ્યમંત્રી માટે 'ગલ્ફસ્ટ્રીમ G500' વિમાનની ખરીદી : આખી નેશનલ એરલાઇન (PIA) જેટલી કિંમતમાં વેચાઈ, તેનાથી વધુમાં મરિયમે પોતાનું વિમાન ખરીદ્યું: ગટરના કવરના પૈસા નથી અને મેડમ ઉડશે આભમાં: વિપક્ષી નેતા મૂનિસ ઈલાહી અને જમાત-એ-ઇસ્લામીનો આકરો પ્રહાર.

લાહોર:  પાકિસ્તાનનો પંજાબ પ્રાંત અત્યારે એક ગંભીર રાજકીય અને નૈતિક વિવાદનું કેન્દ્ર બન્યો છે. મુખ્યમંત્રી મરિયમ નવાઝે સરકારી તિજોરીના ૧૧.૭ અબજ પાકિસ્તાની રૂપિયા (આશરે ૪૨ મિલિયન ડોલર) વાપરીને પોતાના વ્યક્તિગત અને VIP પરિવહન માટે અત્યંત આધુનિક 'ગલ્ફસ્ટ્રીમ G500' લક્ઝરી જેટ ખરીદવાનો નિર્ણય લેતા હોબાળો મચી ગયો છે. જે દેશની ૪૫ ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે અને જ્યાં બે ટંકના રોટલા માટે લોકો વલખાં મારી રહ્યા છે, ત્યાં મુખ્યમંત્રીનો આ 'શાહી ખર્ચ' જનતાના જખમ પર મીઠું ભભરાવવા સમાન સાબિત થયો છે. ૨૦૧૯ મોડેલનું આ વિમાન વિશ્વના સૌથી મોંઘા બિઝનેસ જેટ્સમાંનું એક ગણાય છે.

આ મુદ્દે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ના નેતા મૂનિસ ઈલાહીએ મરિયમ નવાઝ પર પ્રહારો કરતા તેમને 'ટિકટોકર મુખ્યમંત્રી' ગણાવ્યા છે. તેમણે એક ચોંકાવનારી સરખામણી કરતા કહ્યું કે, પાકિસ્તાનની રાષ્ટ્રીય એરલાઇન PIA માત્ર ૧૦ અબજ રૂપિયામાં વેચાઈ ગઈ, જ્યારે મુખ્યમંત્રીએ પોતાના મોજશોખ માટે ૧૧.૭ અબજનું વિમાન ખરીદ્યું છે. ૧૩ કરોડની વસ્તી ધરાવતા પંજાબમાં પીવાનું શુદ્ધ પાણી અને હોસ્પિટલોમાં દવાઓની અછત છે, ગટરના ઢાંકણા બદલવા માટે પણ સરકાર પાસે ભંડોળ નથી, છતાં સત્તાધારી 'શરીફ પરિવાર' પોતાની વૈભવી જીવનશૈલીમાં કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી.

જમાત-એ-ઇસ્લામીના વડા હાફિઝ નઈમ-ઉર-રહેમાન અને વરિષ્ઠ પત્રકારોએ પણ આ પગલાને આર્થિક વાસ્તવિકતાથી અલગ હોવાનું ગણાવ્યું છે. પંજાબમાં બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીનું આ આકાશમાં ઉડવાનું સપનું 'સત્તાના નશા' સમાન છે. ટીકાકારોનું કહેવું છે કે આ સરકાર બહુરાષ્ટ્રીય કંપનીની જેમ ખર્ચ કરી રહી છે, જે સામાન્ય નાગરિકોના લોહી-પરસેવાના ટેક્સના પૈસાનો વેડફાટ છે. પાકિસ્તાન જે રીતે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) પાસે મદદની ભીખ માંગી રહ્યું છે, તેવામાં આ પ્રકારનો ખર્ચ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય છબીને પણ ધૂળધાણી કરી રહ્યો છે.

(8:44 PM IST)