<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

નિજ્જર હત્યા કેસમાં કેનેડા સરકારની ‘સીક્રેટ’ ગેમ: કોર્ટમાં કરી ગુપ્તતા રાખવાની અપીલ, સંવેદનશીલ પુરાવા જાહેર થાય તો આંતરરાષ્ટ્રીય સંબંધો બગડવાનો ડર

રાષ્ટ્રીય સુરક્ષાના નામે દસ્તાવેજો છુપાવવાનો પ્રયાસ; ઓગસ્ટ પહેલા ટ્રાયલ શરૂ થવાની શક્યતા નહિવત, જેલમાં બંધ ૪ ભારતીયોના ભવિષ્ય પર લટકતી તલવાર

ચંદીગઢ: ખાલિસ્તાન સમર્થક નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ હવે કાનૂની દાવપેચમાં ફેરવાયો છે. કેનેડા સરકારે બ્રિટિશ કોલંબિયાની કોર્ટમાં એક અત્યંત મહત્વની અરજી દાખલ કરીને વિનંતી કરી છે કે, આ હત્યા કેસ સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી અને દસ્તાવેજોને સાર્વજનિક કરવામાં ન આવે. સરકારનો તર્ક છે કે જો આ માહિતી બહાર આવશે તો કેનેડાના અન્ય દેશો સાથેના રાજદ્વારી સંબંધો અને તેની રાષ્ટ્રીય સુરક્ષા પર ગંભીર અસર પડી શકે છે.
કેમ ડરી રહી છે કેનેડા સરકાર?
કેનેડાના એટર્ની જનરલ દ્વારા દાખલ કરાયેલી આ અરજી એવા સમયે આવી છે જ્યારે આ કેસની ટ્રાયલ (સુનાવણી) આ વર્ષના અંત સુધીમાં શરૂ થવાની છે. સરકારને ડર છે કે તપાસ દરમિયાન એકત્ર કરાયેલા અમુક પુરાવાઓ આંતરરાષ્ટ્રીય મંચ પર કેનેડાની સ્થિતિને નબળી પાડી શકે છે અથવા તો વિદેશી ભાગીદારો સાથેના તેના સંબંધોમાં તિરાડ પાડી શકે છે. હાલમાં આ કેસ પર 'પ્રકાશન પ્રતિબંધ' (Publication Ban) પહેલેથી જ અમલી છે.
ભારતીય નાગરિકોની અટકાયત યથાવત
આ હત્યાકાંડના આરોપમાં પકડાયેલા ચાર ભારતીય નાગરિકો—કરણ બ્રાર, કમલપ્રીત સિંહ, કરણપ્રીત સિંહ અને અમનદીપ સિંહ—હાલમાં જેલમાં બંધ છે. કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી લંબાવી દીધી છે. બ્રિટિશ કોલંબિયા પ્રોસિક્યુશન સર્વિસના જણાવ્યા અનુસાર, પ્રી-ટ્રાયલની પ્રક્રિયા ઓગસ્ટ સુધી ચાલશે, એટલે કે ત્યાં સુધી આ ચારેય યુવાનોએ જેલમાં જ રહેવું પડશે.
ભારતનું વલણ: ‘પુરાવા આપો, અમે સહકાર આપીશું’
ભારતે આ સમગ્ર વિવાદમાં શરૂઆતથી જ આક્રમક અને સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. કેનેડામાં ભારતીય હાઈ કમિશનર દિનેશ પટનાયકે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, જો કેનેડા પાસે કોઈ પણ નક્કર પુરાવા હોય તો તે ભારતને સોંપે. ભારત તપાસમાં સહયોગ કરવા તૈયાર છે, પરંતુ અત્યાર સુધી કેનેડાએ ભારતીય એજન્સીઓની સંડોવણી સાબિત કરતા કોઈ જ ‘ગ્રાઉન્ડ રિપોર્ટ’ કે પુરાવા જાહેર કર્યા નથી. ભારતે જસ્ટિન ટ્રુડોના આરોપોને અગાઉ જ "વાહિયાત" અને "રાજકીય પ્રેરિત" ગણાવ્યા છે.
૧૮ જૂન, ૨૦૨૩ના રોજ થયેલી આ હત્યાને લઈને બંને દેશો વચ્ચેના સંબંધો જે સ્તરે વણસ્યા છે, તે જોતા કોર્ટનો આગામી નિર્ણય વૈશ્વિક રાજકારણ માટે ખૂબ મહત્વનો સાબિત થશે.

(8:57 PM IST)