ભારતમાં ફરી ગુંજશે F1 એન્જિનનો ગડગડાટ: અદાણી ગ્રુપ બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ પર રફ્તારનો જાદુ પરત લાવવા સજ્જ
કરણ અદાણીની મોટી જાહેરાત- “હું વ્યક્તિગત રીતે F1 ને ભારત લાવવા માટે કામ કરી રહ્યો છું”: જેપી ગ્રુપના ટેકઓવર બાદ ગ્રેટર નોઈડામાં રેસિંગના નવા યુગની શરૂઆત થશે, ખેલ મંત્રી મનસુખ માંડવિયાએ પણ સર્કિટની મુલાકાત લઈ તૈયારીઓ પર મહોર મારી

નવી દિલ્હી: ભારતના રમતગમત જગત માટે એક સુવર્ણ સમાચાર સામે આવ્યા છે. અદાણી પોર્ટ્સ અને સેઝના એમડી કરણ અદાણીએ શનિવારે જાહેરાત કરી છે કે અદાણી ગ્રુપ ગ્રેટર નોઈડા સ્થિત બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે ફોર્મ્યુલા 1 (F1) મોટર સ્પોર્ટ ફરી શરૂ કરવા માટે ગંભીરતાથી વ્યૂહરચના બનાવી રહ્યું છે. ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (AIMA) ના 70માં સ્થાપના દિવસ પર બોલતા કરણ અદાણીએ જણાવ્યું હતું કે, તેઓ પોતે વર્ષ 2000થી આ રમતના ચાહક છે અને ભારત પાસે આ વૈશ્વિક ઈવેન્ટ માટે બેન્ચમાર્ક સેટ કરવાની અદભૂત ક્ષમતા છે.
અદાણી ગ્રુપ હાલમાં દેવા હેઠળ દબાયેલી જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડ (JAL) ને ખરીદવાની પ્રક્રિયામાં છે. ₹14,535 કરોડના આ એક્વિઝિશન સોદામાં બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટનો પણ સમાવેશ થાય છે. આ સોદો પૂર્ણ થતાની સાથે જ સર્કિટનું સંચાલન અદાણી ગ્રુપ પાસે આવશે. કરણ અદાણી માને છે કે અત્યાર સુધી ભારતીયોએ F1 નો અનુભવ લેવા માટે સિંગાપોર કે અબુ ધાબી જવું પડતું હતું, પરંતુ હવે ભારત પોતાની આતિથ્ય અને વારસાને આ વૈશ્વિક મંચ દ્વારા વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરી શકશે.
યાદ અપાવી દઈએ કે વર્ષ 2011 થી 2013 દરમિયાન બુદ્ધ સર્કિટ ખાતે ત્રણ વાર F1 રેસ યોજાઈ હતી. જોકે, તત્કાલીન ઉત્તર પ્રદેશ સરકાર સાથેના કર વિવાદને કારણે તેને બંધ કરી દેવામાં આવી હતી, કારણ કે સરકારે તેને 'રમત' ને બદલે 'મનોરંજન' શ્રેણીમાં ગણાવી હતી. હવે રમતગમત મંત્રી મનસુખ માંડવિયાની સર્કિટ મુલાકાત અને અદાણી ગ્રુપના આ રસને જોતા લાગે છે કે તમામ કાયદાકીય અને વહીવટી અવરોધો ટૂંક સમયમાં દૂર થશે અને ભારતમાં ફરી એકવાર ફોર્મ્યુલા 1 ની ગતિ જોવા મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
