News of Sunday, 22nd February 2026
ગુજરાત કોંગ્રેસમાં 'પાયલટ' પ્રોજેક્ટ: સચિન પાયલટને સોંપાઈ શકે છે રાજ્યની કમાન, ભાજપના ગઢમાં ગાબડું પાડવા માસ્ટરપ્લાન
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હાઈકમાન્ડનો મોટો દાવ; અમિત ચાવડા અને તુષાર ચૌધરીને દિલ્હીનું તેડું

ગાંધીનગર/દિલ્હી: ગુજરાતના રાજકીય ફલક પર અત્યારે ભારે હલચલ જોવા મળી રહી છે. વર્ષોથી સત્તાના વનવાસમાં રહેલી કોંગ્રેસ હવે 'નવા-જૂની' કરવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હીના રાજકીય ગલિયારાઓમાંથી મળતા સમાચાર મુજબ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રાજસ્થાનના યુવા અને આક્રમક નેતા સચિન પાયલટની એન્ટ્રી લગભગ નક્કી માનવામાં આવે છે. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળેલી હાઈલેવલ બેઠક બાદ ગુજરાતના દિગ્ગજ નેતાઓને તાબડતોબ દિલ્હી બોલાવવામાં આવતા અનેક અટકળો વહેતી થઈ છે.
સચિન પાયલટ માત્ર યુવા ચહેરો નથી, પણ સંગઠનને મજબૂત કરવામાં માહેર ખેલાડી માનવામાં આવે છે. 2018માં રાજસ્થાનમાં કોંગ્રેસને સત્તા અપાવવામાં તેમની મુખ્ય ભૂમિકા હતી, અને હવે હાઈકમાન્ડ ઈચ્છે છે કે તેઓ ગુજરાતમાં પણ તેવો જ ચમત્કાર કરે. અગાઉ અશોક ગેહલોતે ગુજરાતમાં જે રીતે 70થી વધુ બેઠકો જીતાડીને ભાજપને પરસેવો લાવી દીધો હતો, તેવો જ આક્રમક અભિગમ હવે પાયલટ પાસેથી અપેક્ષિત છે. મુકુલ વાસનિકના સ્થાને પાયલટની નિમણૂકથી ગુજરાત કોંગ્રેસના નિષ્ક્રિય કાર્યકરોમાં નવો પ્રાણ ફૂંકાય તેવી શક્યતા છે.
આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાઈકમાન્ડે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે હવે 'લંગડા ઘોડા' સમાન જૂના નેતાઓને સાઈડલાઈન કરી દેવામાં આવશે અને જિલ્લા-શહેર પ્રમુખોને ટિકિટ વહેંચણીમાં સંપૂર્ણ સ્વાયત્તતા અપાશે. જો સચિન પાયલટ ગુજરાતમાં ઉતરે છે, તો ભાજપના મજબૂત ગઢમાં ગાબડું પાડવા માટે કોંગ્રેસ પાસે એક નવું અને મજબૂત હથિયાર હશે. હવે જોવાનું એ રહેશે કે પાયલટના આગમનથી ગુજરાતનું રાજકારણ કયો નવો વળાંક લે છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
