<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

"કોંગ્રેસ ખુદ નગ્ન છે તો પછી કપડાં ઉતારવાની શું જરૂર છે?" :શર્ટલેસ વિરોધ પર પીએમ મોદીનો આકરો પ્રહાર

વૈશ્વિક AI શિખર સંમેલન દરમિયાન કોંગ્રેસના વિરોધ પ્રદર્શનની કડક ટીકા કરતા પીએમ મોદીએ કહ્યું વિદેશી મહેમાનોની હાજરીમાં કરવામાં આવેલું વર્તન દેશના ગૌરવને નુકસાન પહોંચાડનારું છે.

નવી દિલ્હી :ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મેરઠની ક્રાંતિકારી ધરતી પરથી કોંગ્રેસ પર અત્યાર સુધીનો સૌથી તીવ્ર પ્રહાર કર્યો. દિલ્હી ખાતે આયોજિત વૈશ્વિક કૃત્રિમ બુદ્ધિ શિખર સંમેલન દરમિયાન થયેલા વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરતા તેમણે કોંગ્રેસના વર્તનને ગંદી રાજનીતિ ગણાવી. વડાપ્રધાને જણાવ્યું કે વિદેશી મહેમાનોની હાજરીમાં મર્યાદિત આચરણ ન રાખીને કોંગ્રેસે દેશની છબીને નુકસાન પહોંચાડ્યું છે. 

   વડાપ્રધાને કટાક્ષ કરતા કહ્યું કે દેશ જાણે છે કે કોંગ્રેસ વિચારધારાત્મક રીતે પહેલાથી જ નિર્વસ્ત્ર બની ચૂકી છે, ત્યારે દુનિયા સામે આવું પ્રદર્શન કરવાની શું જરૂર હતી. તેમના શબ્દોમાં દેશની સૌથી જૂની પાર્ટી હવે વિચારશૂન્ય અને દીવાલિયા બની ગઈ છે. તેમણે જણાવ્યું કે જે વર્તન વિશ્વ સ્તરના મંચ પર કરવામાં આવ્યું તે ભારતના ગૌરવને ઠેસ પહોંચાડનારું છે

  દિલ્હીમાં યોજાયેલા AI ઈમ્પૅક્ટ સમીટ દરમિયાન 80 કરતાં વધુ દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને જણાવ્યું કે સમગ્ર દેશ ગર્વથી ભરાઈ ગયો હતો, કારણ કે વિશ્વના વિકાસશીલ દેશોમાં આટલો વિશાળ કાર્યક્રમ પ્રથમવાર આયોજિત થયો હતો. પરંતુ કોંગ્રેસ અને તેના સમર્થક વર્ગે આ વૈશ્વિક પ્રસંગને રાજકીય રંગ આપીને દેશના સન્માન સાથે રમત કરી.

  વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસને વ્યક્તિગત દ્વેષ હોઈ શકે છે, પરંતુ આવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો કોઈ એક પક્ષના નથી, તેઓ સમગ્ર દેશના હોય છે. તેમણે ઉમેર્યું કે આ શિખર સંમેલન કોઈ પક્ષનો કાર્યક્રમ નહોતો, ન તો કોઈ રાજકીય મંચ હતો, પરંતુ ભારતના માન અને પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો. તેમ છતાં કોંગ્રેસે તમામ મર્યાદાઓ તોડી નાખી અને વિદેશી મહેમાનો સામે અનોખું વર્તન કર્યું.

વડાપ્રધાને કોંગ્રેસની સંસદીય ભૂમિકા પર પણ પ્રશ્નો ઊભા કર્યા. તેમણે જણાવ્યું કે સંસદમાં કોંગ્રેસ પોતે કોઈ રચનાત્મક કાર્ય કરતી નથી અને અન્ય સાથી દળોને પણ બોલવાની તક આપતી નથી. પરિણામે દેશના વિકાસ સંબંધિત ચર્ચાઓ અટકી જાય છે. દિલ્હી ખાતે થયેલા પ્રદર્શન પછી કોંગ્રેસના કેટલાક સાથી દળો પણ ચોંકી ગયા છે અને અંતર જાળવવા લાગ્યા છે, એવી પણ તેમણે નોંધ લીધી.

 

(11:48 PM IST)