<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત અને ACP ઘનશ્યામસિંહ સરવૈયાની ટીમ દ્વારા કાર્યવાહી કરતા ઉદ્યોગ જગતમાં સન્નાટો: ગજેરા બંધુઓ ચુનીભાઈ, વસંતભાઈ, અશોકભાઈ, રાકેશભાઈ અને બકુલભાઈ વિરુદ્ધ ૧૯૨૮ કરોડની છેતરપિંડીનો ગુનો

શાંતી રેસીડેન્સીના ડિરેક્ટરો અને સાથીદારો હિતેશ પરદેશી તથા ગૌતમ પ્રજાપતિ દ્વારા પ્રવીણ અગ્રવાલની ફોર્જ સહી કરી કરોડોની ઉચાપત: સુરત ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ગજેરા પરિવાર સામે કડક કાર્યવાહી

રાજકોટ : સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતના સીધા માર્ગદર્શન હેઠળ ઇકોનોમિક સેલના મદદનીશ પોલીસ કમિશનર ઘનશ્યામસિંહ સરવૈયા અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી મોટી કાર્યવાહીથી શહેરના ઉદ્યોગ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સુરતના જાણીતા ગજેરા બંધુઓ વિરુદ્ધ શાંતી રેસીડેન્સી પ્રા. લિમી. કંપનીમાં સાથી ડાયરેક્ટર સાથે ૧૯૨૮ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી અને વિશ્વાસઘાત આરોપસર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
કૌભાંડની વિગત અને આરોપીઓ:
અરજદાર પ્રવીણ દેવકીનંદન અગ્રવાલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ તેઓને ડાયરેક્ટર પદેથી દૂર કરવા માટે સુઆયોજિત કાવતરું રચ્યું હતું. આ કૌભાંડમાં મુખ્યત્વે ચુનીભાઈ હરીભાઈ ગજેરા, વસંત હરીભાઈ ગજેરા, અશોકભાઈ હરીભાઈ ગજેરા, રાકેશભાઈ ગીરધરલાલ ગજેરા અને બકુલભાઈ હરીભાઈ ગજેરા સામેલ છે. આ ઉપરાંત, હિતેશભાઈ રમેશભાઈ પરદેશી, (n) CODE SOLUTIONS ના ડીલર ગૌતમ પ્રજાપતિ અને કંપનીના તત્કાલીન સી.એસ. તથા અન્ય શેર હોલ્ડરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
ગુનાની પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી):
તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ તા. ૦૧/૦૧/૨૦૧૫ ના રોજનો પ્રવીણ અગ્રવાલનો એક બનાવટી રાજીનામા પત્ર અને બોગસ સહીઓ વાળો લેટર ઉભો કર્યો હતો. રાકેશ ગજેરાએ પ્રવીણ અગ્રવાલ, તેમના પત્ની શ્રીમતી શીતલ અગ્રવાલ અને પિતા દેવકીનંદન અગ્રવાલની ખોટી સહીઓ ઇક્વિટી શેર ઓફર લેટર અને રીનાઉન્સીએશન ફોર્મમાં કરી હતી. આ દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરી, ROC માં બોગસ ડિજિટલ સહી દ્વારા રેકોર્ડ અપલોડ કરવામાં આવ્યા હતા, જેનાથી ફરિયાદીના પરિવારનો હિસ્સો ઘટાડી આરોપીઓએ આર્થિક ફાયદો મેળવ્યો હતો.
૧૯૨૮ કરોડની જંગી ઉચાપત:
કંપનીના પ્રોજેક્ટ "મિલેનીયમ-૦૨" અને "મિલેનીયમ-૦૪" ની આશરે ૧૮૫ દુકાનોના વેચાણ વખતે ફક્ત જંત્રી મુજબનો જ અવેજ ચોપડે દર્શાવી બાકીની આશરે રૂ. ૧,૪૭,૬૪,૪૯,૦૦૦/- ની રકમ કંપનીમાં ન દર્શાવી આરોપીઓએ હડપ કરી લીધી હતી. એકંદરે કુલ રૂ. ૧૯,૨૮,૩૯,૬૯,૦૦૦/- (ઓગણીસો અઠ્ઠાવીસ કરોડ ઓગણ ચાલીસ લાખ અગ્ગો સીતેર હજાર) ની જંગી રકમની ફોર્જરી અને ઉચાપત આચરવામાં આવી હોવાનું ખુલ્યું છે.
ધમકી અને કાનૂની કાર્યવાહી:
ફરિયાદી પ્રવીણ અગ્રવાલને આ છેતરપિંડીની જાણ થતા, આરોપીઓએ તેઓને ખોટા ક્રિમિનલ કેસોમાં ફસાવી દેવાની અને જો કોઈ કાર્યવાહી કરશે તો પરિવાર સમેત જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે ઇકો સેલ દ્વારા ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ-૪૦૯, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૪, ૩૮૬, ૩૮૯, ૫૦૬(૨), ૧૨૦(બી) અને ૩૪ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ:
ગજેરા બંધુઓ અને તેમની કંપનીઓ સામે અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. કતારગામ પોલીસ સ્ટેશનમાં ચાર અને ઉમરા પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ છેતરપિંડીના કેસો ચાલી રહ્યા છે. આ ઉપરાંત, મુંબઈ ઝોનલ ઓફિસના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પણ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તેઓની સામે કેસ નોંધવામાં આવેલો છે.

(9:57 PM IST)