News of Sunday, 22nd February 2026
રશિયા-યુક્રેન યુદ્ધના ચાર વર્ષ પૂર્ણ થવાને આડે હવે ગણતરીના કલાકો બાકી ત્યારે મોસ્કો સહિત રશિયાના અનેક વિસ્તારો પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો : રશિયાએ તેના અનેક હવાઈ મથકોને તાત્કાલિક અસરથી બંધ કર્યા
યુક્રેનથી ૧૪૦૦ કિમી દૂર આવેલા રશિયાના પરમાણુ મિસાઈલ પ્લાન્ટને નિશાન બનાવાયો: રશિયન એર ડિફેન્સે ૮૬ ડ્રોન તોડી પાડ્યા હોવાનો દાવો, વળતા પ્રહારમાં યુક્રેનનું એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તહસનહસ

મોસ્કો:રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને આગામી બે દિવસમાં ચાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે યુક્રેને રશિયાના પાટનગર મોસ્કો સહિત અનેક સરહદી વિસ્તારો પર ભયાનક ડ્રોન હુમલો કરીને ખળભળાટ મચાવી દીધો છે. આ હુમલાની તીવ્રતાને જોતા રશિયાએ સાવચેતીના ભાગરૂપે તેના અનેક હવાઈ મથકોને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાની ફરજ પડી છે.
૮૬ યુક્રેની ડ્રોન તોડી પાડ્યા:
રશિયાના સંરક્ષણ મંત્રાલય દ્વારા રવિવારે જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, રશિયન એર ડિફેન્સ સિસ્ટમે દેશના ૯ અલગ-અલગ વિસ્તારોમાં રાતભર થયેલા હુમલા દરમિયાન કુલ ૮૬ યુક્રેની UAV (ડ્રોન) ને ઈન્ટરસેપ્ટ કરી હવામાં જ નષ્ટ કરી દીધા છે. આ હુમલામાં મુખ્યત્વે બેલગોરોડ બોર્ડર વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યો હતો, જ્યાં સૌથી વધુ ૨૯ ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત સેન્ટ્રલ રશિયાના સારાતોવ ક્ષેત્રમાં પણ ૧૪ ડ્રોન નષ્ટ કરવામાં આવ્યા છે.
નાગરિકો અને માસૂમ બાળકી ઈજાગ્રસ્ત:
સ્થાનિક સત્તાધીશોના જણાવ્યા અનુસાર, બોર્ડરથી દૂર આવેલા ક્રાસિવો ગામ પાસે એક ડ્રોન કાર સાથે ટકરાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિ અને એક ત્રણ વર્ષની માસૂમ બાળકીને છરા વાગતા તેઓ લોહીલુહાણ થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. યુક્રેનના આ હુમલામાં અનેક નાગરિકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો છે.
પરમાણુ મિસાઈલ પ્લાન્ટ પર હુમલો:
આ યુદ્ધમાં સૌથી ચોંકાવનારી ઘટના ઉદમૂર્ત ગણરાજ્યમાં બની છે, જ્યાં યુક્રેને સરહદથી ૧૪૦૦ કિમી દૂર આવેલા એક સંરક્ષણ એકમને નિશાન બનાવ્યું છે. મીડિયા અહેવાલો મુજબ, આ હુમલો 'વોટકિંસ્ક મશીન બિલ્ડિંગ પ્લાન્ટ' પર થયો છે, જ્યાં રશિયાની અત્યંત ઘાતક ઈસ્કંદર બેલિસ્ટિક મિસાઈલ અને પરમાણુ ક્ષમતા ધરાવતી આંતરખંડીય મિસાઈલોનું ઉત્પાદન કરવામાં આવે છે. આ હુમલામાં પ્લાન્ટને ભારે નુકસાન થયું છે અને ૧૧ લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ રિજનલ પ્રમુખ એલેક્ઝાન્ડર બ્રેચાલોવે કરી છે.
રશિયાનો પ્રચંડ પલટવાર:
યુક્રેનના આ હુમલાના જવાબમાં રશિયાએ પણ આક્રમક વળતો પ્રહાર કર્યો છે. રશિયન સેનાએ યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમ અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મિસાઈલ મારો ચલાવ્યો છે. રશિયાના પલટવારને કારણે યુક્રેનના અનેક શહેરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને અંધારપટ છવાઈ ગયો છે. જોકે, રશિયન અધિકારીઓએ દાવો કર્યો છે કે તેઓ માત્ર સૈન્ય લક્ષ્યોને જ નિશાન બનાવી રહ્યા છે અને સામાન્ય નાગરિકોને નુકસાન પહોંચાડવાનો તેમનો કોઈ ઈરાદો નથી. યુદ્ધના ચાર વર્ષ પૂરા થવાના આરે બંને દેશો વચ્ચેની આ હિંસાએ વૈશ્વિક સ્તરે ચિંતા વધારી દીધી છે.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
