<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

અરૂણાચલ પ્રદેશની શાંત ટેકરીઓમાં ગુજરાતી પ્રવાસીઓના એક જૂથે હંગામો મચાવ્યો:સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો

દિબાંગ વેલીના અનિની વિસ્તારમાં શરમજનક ઘટના : મિશ્મી હિલ્સ રિસોર્ટના સ્ટાફ સાથે અત્યંત ખરાબ વર્તન અને ગાળાગાળી

અરૂણાચલ પ્રદેશના કુદરતી સૌંદર્યના ખોળે વસેલી દિબાંગ વેલીના અનિની વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં ફરવા ગયેલા કેટલાક ગુજરાતી પ્રવાસીઓ  દ્વારા રિસોર્ટના સ્ટાફ સાથે અત્યંત ખરાબ વર્તન અને ગાળાગાળી કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે પ્રવાસન જગતમાં ગુજરાતીઓની છબી ખરડાઈ છે.

મળતી માહિતી મુજબ, આ વિવાદ અનિની સ્થિત મિશ્મી હિલ્સ રિસોર્ટમાં સર્જાયો હતો. વિવાદનું મુખ્ય કારણ રિસોર્ટની અંદર બહારનું ખાવાનું લાવવા બાબતે હોવાનું જાણવા મળ્યું છે. રિસોર્ટના નિયમો મુજબ બહારનું ભોજન લાવવાની મનાઈ હોવા છતાં, પ્રવાસીઓ જીદ પર અડ્યા હતા. જ્યારે સ્ટાફ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા, ત્યારે પ્રવાસીઓએ ઉશ્કેરાઈને સ્ટાફ સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો હતો.

આ ઘટનામાં સામેલ પ્રવાસીઓની ઓળખ આસ્થા  દેવેન્દ્ર, ધ્રુવ અને સ્મિતા પટેલ તરીકે થઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ પ્રવાસીઓ રિસોર્ટ સ્ટાફને બિભત્સ ગાળો આપી રહ્યા છે અને ગંભીર પરિણામો ભોગવવાની ધમકીઓ પણ આપી રહ્યા છે. સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પ્રવાસીઓ પાસેથી શિસ્ત અને સ્થાનિક નિયમોના પાલનની અપેક્ષા રાખવામાં આવે છે.

આ ઘટનાએ ફરી એકવાર જવાબદાર પર્યટન સામે સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હોવાના અહેવાલ છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ પ્રવાસીઓના વર્તનની સખત નિંદા કરી રહ્યા છે.

(11:02 PM IST)