News of Monday, 23rd February 2026
મેક્સિકોમાં ડ્રગ માફિયા ‘અલ મેન્ચો’ ના મોત બાદ ભીષણ હિંસા: લશ્કરી કાર્યવાહીમાં જલિસ્કો કાર્ટેલના સરગનાના ખાતમા પછી રિસોર્ટ ટાઉન અને એરપોર્ટ પર હુમલા
પ્યુઅર્ટો વલાર્ટામાં પ્રવાસીઓને હોટેલોમાં કેદ રહેવા આદેશ અને ગ્વાડાલજારા એરપોર્ટ પર ગોળીબાર: નાર્કો ગેંગોએ અનેક રાજ્યોમાં વાહનો સળગાવી રસ્તાઓ રોક્યા, અમેરિકાએ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી

મેક્સિકો સિટી: : મેક્સિકોમાં રવિવારે સેના દ્વારા હાથ ધરવામાં આવેલા એક મોટા ઓપરેશનમાં કુખ્યાત 'જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ' (CJNG) ના પ્રમુખ અને દેશના સૌથી શક્તિશાળી ડ્રગ કિંગપિન નેમેસિયો “અલ મેન્ચો” ઓસેગુએરા સર્વાન્ટેસને ઠાર કરવામાં આવ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા જ કાર્ટેલના સશસ્ત્ર ગુંડાઓએ મેક્સિકોના અનેક વિસ્તારોને બાનમાં લીધા છે અને હિંસાનો ખેલ શરૂ કર્યો છે.
રિસોર્ટ ટાઉન અને એરપોર્ટ નિશાના પર:
મેક્સિકોનું જાણીતું પર્યટન સ્થળ પ્યુઅર્ટો વલાર્ટા હાલમાં ડ્રગ માફિયાઓના ઘેરાબંધી હેઠળ છે. રસ્તાઓ પર ગાડીઓ સળગાવીને આડશ ઉભી કરવામાં આવી છે, જેના કારણે પ્રવાસીઓને હોટેલોની અંદર જ સુરક્ષિત રહેવાની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ, ગ્વાડાલજારા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ગોળીબારની ઘટનાઓ બની છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં મુસાફરો જીવ બચાવવા ટર્મિનલ તરફ ભાગતા જોઈ શકાય છે.
૭ થી વધુ રાજ્યોમાં હિંસા ફેલાઈ:
જલિસ્કોના ગવર્નર પાબ્લો લેમસ નાવારોએ જણાવ્યું હતું કે તાપાલ્પામાં સેનાની કાર્યવાહી બાદ કાર્ટેલના સભ્યોએ સત્તાવાળાઓને રોકવા માટે વાહનો સળગાવી બ્લોકેડ કર્યા છે. 'અલ મેન્ચો' ના મોત બાદ માત્ર જલિસ્કો જ નહીં, પરંતુ મિચોઆકન, તમૌલિપાસ, કોલિમા, ગુઆનાજુઆટો, એગુઆસ્કેલિયન્ટેસ અને વેરાક્રુઝમાં પણ હુમલાઓ શરૂ થયા છે. ઠેર-ઠેર કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
કોણ હતો 'અલ મેન્ચો'?:
૫૩ વર્ષીય ઓસેગુએરા સર્વાન્ટેસ, જે માત્ર છઠ્ઠા ધોરણ સુધી ભણેલો હતો, તે 'અલ ચાપો' ની ધરપકડ અને સજા બાદ મેક્સિકોનો સૌથી ભયાનક ડ્રગ બોસ બની ગયો હતો. મેક્સિકન સેનાએ જલિસ્કોના તાપાલ્પામાં રવિવારે એક ચોક્કસ દરોડા દરમિયાન તેને ઠાર માર્યો હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવાયું છે. તે વર્ષોથી અમેરિકા અને મેક્સિકોની મોસ્ટ વોન્ટેડ યાદીમાં ટોચ પર હતો.
આંતરરાષ્ટ્રીય એલર્ટ:
મેક્સિકોમાં ફાટી નીકળેલી આ હિંસાને પગલે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે અમેરિકન નાગરિકોને હાલમાં જ્યાં છે ત્યાં જ રહેવા (Shelter in place) ની સૂચના આપી છે. મેક્સિકન સત્તાવાળાઓએ હિંસક ગેંગોનો સામનો કરવા માટે ફેડરલ દળોની વધારાની ટુકડીઓને બોલાવી છે. અત્યારે સમગ્ર મેક્સિકોમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે અને ડ્રગ કાર્ટેલ તથા સેના વચ્ચે ઘર્ષણ ચાલુ છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
