તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Monday, 23rd February 2026
જંગલેશ્વર મેગા ડિમોલીશનમાં ૨૫૦૦નો જડબેસલાક બંદોબસ્તઃ પોલીસ કમિશનર-જોઇન્ટ પોલીસ કમિશનરનું સતત પેટ્રોલીંગ
કોઠારીયા રોડ મોહનભાઇ હોલ ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરાયોઃ પાંચ ડ્રોન, પાંચ લાઇવ કેમેરાથી નજર : ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ, ડીસીપી રાકેશ દેસાઇ, તમામ એસીપીની રાહબરીમાં પીઆઇ અને તેમની ટીમો, અર્ધલશ્કરી દળો, એસઆરપીની ડિમોલીશન સ્થળે ચાંપતો બંદોબસ્ત

ડિમોલીશનનું લાઇવ નિરીક્ષણ કરવા ઉભા કરાયેલા કન્ટ્રોલ રૂમ ખાતે મ્યુ. કમિશનર તુષાર સુમેરા સાથે ડે. મ્યુ. કમિશનર મહેશ જાની તેમજ નીચેની તસ્વીરમાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી હરપાલસિંહ જાડેજા, પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા, પીઆઇ એમ. આર. ગોંડલીયા સહિતના અધિકારીઓ જોઇ શકાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૨૩: શહેરના જંગલેશ્વરમાં આજ સવારથી મેગા ડિમોલીશનની શરૂઆત થઇ ગઇ હતી. આ કામગીરી વખતે કાયદો વ્યવસ્થા જળવાઇ રહી અને દબાણ હટાવવાની કામગીરીમાં કોઇ ખલેલ ન પહોંચે તે માટે અગાઉથી જ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને જોઇન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાએ ફુલપ્રૂફ બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવી રાખી હતી. મધરાતથી જ ખુદ પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર, તમામ, ડીસીપી, તમામ એસીપી જંગલેશ્વરમાં પહોંચી ગયા હતાં. અહિ ૨૫૦૦થી વધુના પોલીસ, એસઆરપી, અર્ધ લશ્કરી દળોનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જડબેસલાક બંદોબસ્ત વચ્ચે દબાણો પર બૂલડોઝર ફેરવવાની કામગીરી મનપા તંત્રએ હાથ ધરી હતી. આ કામગીરી પર નજર રાખવા કોઠારીયા રોડ મોહનભાઇ હોલ ખાતે કન્ટ્રોલ રૂમ ઉભો કરાયો હોઇ અહિ પોલીસ અને મનપાના અધિકારીઓએ સીસીટીવી કેમેરા, લાઇવ કેમેરા, ડ્રોનની મદદથી સતત કામગીરી પર નજર રાખી હતી.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીીયા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મધરાત, વહેલી પરોઢથી જંગલેશ્વરમાં પડાવ નાંખ્યો હતો. ડીમોલેશન વખતે કોઈ કાંકરીચાળો ન થાય તે માટે સતત સતત સુરપવિઝન કર્યુ હતું. આ સંવેદનશીલ મેગા ડીમોલેશનમાં રાજકોટ શહેર સહિત રાજકોટ ગ્રામ્ય અને અન્ય જિલ્લામાંથી પણ પોલીસ બોલવાઈ હતી. જંગલેશ્વર વિસ્તારમાં જે ડીમોલેટ વિસ્તાર છે તેમ પોલીસના ઘાડે ઘાડા ઉતરી પડયા હતાં. જો કે મોટા ભાગના લોકો આગલા બે દિવસથી જાતે જ પોતાના ઘરોને તોડવા માંડયા હતાં.
બંદોબસત માટે પોલીસ કમિશનર ઝાએ છેલ્લા ત્રણ દિવસમાં અનેક રિવ્યુ મિટિંગ કરી સુરક્ષા વ્યવસ્થા સુનિヘીત કરી હતી, સાથે સાથે કોર્પોરેશનના અધિકારીઓ સાથે પણ સંકલનમાં રહી એક બાદ એક બેઠકો કરી સુરક્ષામાં કોઈપણ કચાશ ન રહે તેનું ખાસ ધ્યાન રાખ્યું હતું. ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ આ ડિમોલીશનને લઇને શહેરીજનોને આપીલ કરી હતી કે કોઈ પણ પ્રકારના ભય ફેલાય તેવા મેસેજ વાયરલ ન કરવા તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મેસેજ પર ધ્યાન ન દેવું. સાયબર ક્રાઇમની ટીમ સતત સોસીયલ મીડિયા પર ૨૪ કલાક ધ્યાન રાખી રહી છે. જે કોઈ પણ લાગણી દુભાઈ તેવા કે ઉશ્કેરણી ફેલાય તેવા મેસેજ સોશિયલ મિડીયા પર વહેતા કરશે તેની સામે તુરત જ કાર્યવાહી કરવામાં આવશે.
ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું કે આજ સવારથી નક્કી થયેલા સમયે ડિમોલીશન ચાલુ થઇગયું છે. આગલી સાંજે જ અમુક એવા શખ્સો કે જે કામગીરીમાં વિક્ષેપ ઉભો કરી શકે તેવા હતાં તેને રાઉન્ડઅપ કરી લેવાયા હતાં. ઉપરાંત એસીપી ક્રાઈમ ભરત બસીયાની રાહબરીમાં એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજા અને ટીમ સતત ડ્રોન મારફત આકાશી સુરક્ષા સંભાળી રહી હતી.. ડિમોલેટ વિસ્તારમાં કોઈ ગેરકાયદેસર સાહિત્ય નજર આવશે તો તુરંત જ કડક કાર્યવાહી કરવા અલગ અલગ ટીમો મેદાને ઉતરી હતી.
કોઠારીયા રોડ મોહનભાઇ હોલ ખાતે ખાસ કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો હતો. જેમાં સીસીટીવી સ્ક્રીન પર ડિમોલીશનની લાઇવ કામગીરીનું પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, મ્યુ. કમિશનર તુષાર સુમેરા, ડે. કમિશનર મહેશ જાની, આસી મેનેજર કોૈશિક ઉનાવા સહિતે નિરિક્ષણ કર્યુ હતું. ડિમોલીશન સ્થળે પાંચ ડ્રોન કેમેરા અને પાંચ લાઇવ કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી હોવાનું ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયાએ જણાવ્યું હતું. તેમણ વધુમાં કહ્યું કે વહેલી સવારે ફરીથી પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર, ડીસીપી ક્રાઇમ, ડીસીપી ઝોન-૧, જોન-૨ સહિતે વિસ્તારમાં પેટ્રોલીંગ કર્યુ હતું અને બંદોબસ્તમાં રહેલી ટીમોને મહત્વની સુચનાઓ આપી હતી.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
