<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

લાલ કિલ્લો અને વિધાનસભાને ઉડાવી દેવાની ધમકીઃ ખાલિસ્‍તાની સંગઠનના નામે મળ્‍યો ઈમેઈલ

અનેક શાળાઓને પણ ધમકી મળતા પોલીસનો કાફલો દોડતો થયો : સુરક્ષા એજન્‍સીઓ હાઈ-એલર્ટ પરઃ ઐતિહાસિક સ્‍મારકો અને લોકશાહીના મંદિરને નિશાન બનાવતા ઈમેઈલથી ગભરાટ

નવી દિલ્‍હી, તા.૨૩: નવી દિલ્‍હીમાં સૂર્યોદય ભારે અફરાતફરી સાથે થયો હતો. દિલ્‍હી પોલીસના ઇનબોક્‍સમાં આવેલા એક ઈમેઈલે સુરક્ષા તંત્રની ઊંઘ ઉડાડી દીધી હતી. આ ઈમેઈલમાં ઐતિહાસિક લાલ કિલ્લા અને દિલ્‍હી વિધાનસભાને બોમ્‍બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી આપવામાં આવી હતી. આ ધમકી કથિત રીતે એક ખાલિસ્‍તાની જૂથના નામે મોકલવામાં આવી હોવાથી મામલો વધુ સંવેદનશીલ બન્‍યો હતો. સમાચાર મળતા જ બોમ્‍બ સ્‍ક્‍વોડ, ડોગ સ્‍ક્‍વોડ અને એન્‍ટી ટેરર યુનિટ્‍સે મોરચો સંભાળી લીધો હતો. જોકે, કલાકો સુધી ચાલેલા સઘન સર્ચ ઓપરેશન બાદ કોઈ શંકાસ્‍પદ વસ્‍તુ મળી ન હતી, પરંતુ સુરક્ષા વ્‍યવસ્‍થાને લોખંડી બનાવી દેવામાં આવી છે.

ધમકીઓનો આ સિલસિલો માત્ર જાહેર સ્‍થળો પૂરતો મર્યાદિત રહ્યો ન હતો. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્‍ય દિલીપ પાંડેને પણ તેમના વ્‍યક્‍તિગત ઈમેઈલ પર જાનથી મારી નાખવાની ધમકી મળતા રાજકીય વર્તુળોમાં ફફડાટ વ્‍યાપી ગયો છે. દિલીપ પાંડેએ તાત્‍કાલિક દિલ્‍હી પોલીસના ઉચ્‍ચ અધિકારીઓને આ અંગે લેખિત જાણ કરી હતી અને સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પોસ્‍ટ કરીને જાહેર જનતાને સાવચેત રહેવા અપીલ કરી હતી. સાયબર સેલ હવે આ ઈમેઈલના મૂળ સુધી પહોંચવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે.

બીજી તરફ, દિલ્‍હીની જાણીતી શાળાઓમાં પણ બોમ્‍બના હોબાળાએ વાલીઓ અને બાળકોના જીવ અધ્‍ધર કરી દીધા હતા. દિલ્‍હી કેન્‍ટોનમેન્‍ટ સ્‍થિત આર્મી પબ્‍લિક સ્‍કૂલ અને લોધી કોલોનીની એરફોર્સ બાલ ભારતી સ્‍કૂલને સવારના સમયે જ ધમકીભર્યા મેસેજ મળ્‍યા હતા. સવારે ૮:૫૦ વાગ્‍યાની આસપાસ જ્‍યારે શાળાઓમાં અભ્‍યાસ ચાલતો હતો, ત્‍યારે જ ફાયર વિભાગ અને પોલીસની ગાડીઓ પહોંચતા ગભરાટ ફેલાયો હતો. સાવચેતીના ભાગરૂપે તમામ બાળકોને તાત્‍કાલિક સુરક્ષિત સ્‍થળે ખસેડાયા હતા. તપાસના અંતે આ ધમકીઓ માત્ર અફવા સાબિત થઈ હતી, પરંતુ તેનાથી શિક્ષણ જગતમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનામાં દિલ્‍હીમાં ઈમેઈલ દ્વારા ધમકી આપવાની આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ ૯ અને ૧૩ ફેબ્રુઆરીએ પણ અનેક ખાનગી અને સરકારી શાળાઓને નિશાન બનાવવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્‍યું છે કે આ પ્રકારના મેઈલ મોકલવા માટે વિદેશી સર્વર અને VPN (વર્ચ્‍યુઅલ પ્રાઇવેટ નેટવર્ક)નો ઉપયોગ કરવામાં આવ્‍યો છે, જે તપાસ એજન્‍સીઓ માટે મોટો પડકાર છે. પોલીસનું માનવું છે કે આ એક સુનિયોજિત કાવતરું હોઈ શકે છે જેનો હેતુ માત્ર લોકોમાં ગભરાટ અને અશાંતિ ફેલાવવાનો છે. 

 

(3:11 PM IST)