<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

દેશમાં ૧૦માંથી ૪ પુખ્‍ત લોકો ફેટી લીવરથી પીડાય છે

અભ્‍યાસમાં ચોંકાવનારા તથ્‍યો બહાર આવ્‍યા : લીવર રોગ ફક્‍ત દારૂથી જ નહીં પરંતુ સ્‍થૂળતા, ડાયાબિટીસ અને મેટાબોલિક ડિસઓર્ડર્સથી પણ થાય છે

નવી દિલ્‍હી, તા.૨૩: લીવર રોગ ફક્‍ત દારૂથી જ નહીં પરંતુ સ્‍થૂળતા, ડાયાબિટીસ અને મેટાબોલિક ડિસઓર્ડર્સથી પણ થાય છે. એક નવા અભ્‍યાસ મુજબ, દિલ્‍હી અને દેશભરમાં આશરે ૪૦% પુખ્‍ત વયના લોકો મેટાબોલિક ડિસફંક્‍શન એસોસિએટેડ સ્‍ટીટોટિક લિવર ડિસીઝ  થી પ્રભાવિત થઈ શકે છે. આ એ જ રોગ છે જેને અગાઉ નોન-આલ્‍કોહોલિક ફેટી લીવર ડિસીઝ તરીકે ઓળખવામાં આવતો હતો.

ચિંતાજનક વાત એ છે કે, આ રોગ ઘણીવાર લક્ષણો વિના આગળ વધે છે અને જો મોડું શોધી કાઢવામાં આવે તો, લીવરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આ અહેવાલ આ મહિને ધ લેન્‍સેટ રિજનલ હેલ્‍થ-સાઉથઇસ્‍ટ એશિયા માં પ્રકાશિત થયો હતો. આ અભ્‍યાસમાં દેશભરના ૨૭ શહેરોના સહભાગીઓનું વિશ્‍લેષણ કરવામાં આવ્‍યું હતું. અભ્‍યાસ મુજબ, ૩૮.૯% સહભાગીઓમાં ફેટી લીવરના ચિホો જોવા મળ્‍યા હતા. આમાંથી, ૬.૩% લોકોએ લીવર ફાઇબ્રોસિસના લક્ષણો દર્શાવ્‍યા, જે કાયમી લીવર નુકસાનનો પ્રારંભિક તબક્કો છે જે સિરોસિસ અથવા લીવર કેન્‍સરનું જોખમ વધારી શકે છે.

દિલ્‍હીના આંકડા વધુ ચિંતાજનક છે. અહીં ૪૧.૩% લોકોને ફેટી લીવર હોવાનું જાણવા મળ્‍યું, જ્‍યારે ૪.૫% વસ્‍તીમાં ફાઇબ્રોસિસના લક્ષણો જોવા મળ્‍યા. કેટલાક અન્‍ય શહેરોમાં પરિસ્‍થિતિ વધુ ગંભીર હતી. ભોપાલમાં ૫૧.૮% અને શ્રીનગરમાં ૫૪.૪% લોકોને આ સમસ્‍યા હતી. અભ્‍યાસમાં જાણવા મળ્‍યું છે કે સામાન્‍ય બોડી માસ ઇન્‍ડેક્‍સ (BMI) ધરાવતા ઘણા લોકો પણ આ રોગ વિકસાવી રહ્યા છે. નિષ્‍ણાતોના મતે, આ શરીરની અંદર વિસેરલ ચરબીના સંચયને કારણે છે, જે બહારથી દેખાતું નથી પરંતુ મેટાબોલિક જોખમ વધારે છે.

(3:25 PM IST)