<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

અમેરિકામાં કુદરતનો પ્રકોપ: ભારે બરફવર્ષાને કારણે એર ઇન્ડિયાએ ન્યૂ યોર્ક અને નેવાર્કની તમામ ફ્લાઇટ્સ કરી રદ!

રનવે પર બરફની ચાદર પથરાતા એરપોર્ટ ઠપ; હજારો મુસાફરો અટવાયા, એરલાઇને જાહેર કરી ઇમરજન્સી હેલ્પલાઇન

નવી દિલ્હી, તા.૨૩: અમેરિકાના પૂર્વ કિનારાના વિસ્તારોમાં અત્યારે કુદરત રૂઠી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સી (નેવાર્ક)માં થયેલી ભારે બરફવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, જેની સીધી અસર આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા પર પડી છે. ભારતની અગ્રણી એરલાઇન 'એર ઇન્ડિયા'એ સલામતીના કારણોસર ૨૪ ફેબ્રુઆરીના રોજ ન્યૂ યોર્ક અને નેવાર્ક જતી તેમજ ત્યાંથી ભારત આવતી તમામ ફ્લાઇટ્સ રદ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.
રનવે પર 'વ્હાઇટ આઉટ' જેવી સ્થિતિ
એર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક ટ્રાવેલ એડવાઇઝરી જારી કરતા જણાવ્યું છે કે, ન્યૂ યોર્ક અને નેવાર્ક એરપોર્ટ પર ભારે બરફવર્ષાને કારણે કામગીરી ચલાવવી અશક્ય બની છે. મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે, તેથી આ કઠિન નિર્ણય લેવામાં આવ્યો છે. રનવે પર બરફ જમા થવાને કારણે વિમાનોના ટેક-ઓફ અને લેન્ડિંગમાં મોટું જોખમ હોવાથી ૨૪ ફેબ્રુઆરીની તમામ ઉડાનો સ્થગિત રહેશે.
મુસાફરો માટે એર ઇન્ડિયાનો સહારો
જે મુસાફરોએ ૨૪ ફેબ્રુઆરી માટે બુકિંગ કરાવ્યું હતું, તેમના માટે એરલાઇનની ગ્રાઉન્ડ ટીમ સતત કાર્યરત છે. એર ઇન્ડિયાએ ખાતરી આપી છે કે અસરગ્રસ્ત મુસાફરોને રિશેડ્યુલિંગ અથવા અન્ય વ્યવસ્થામાં પૂરેપૂરો સહયોગ આપવામાં આવશે. મુસાફરોને એરલાઇનની વેબસાઇટ પર ફ્લાઇટ સ્ટેટસ ચેક કરતા રહેવા વિનંતી કરવામાં આવી છે.
 
મદદ માટે આ નંબર નોંધી લો
એર ઇન્ડિયાએ મુસાફરોની સહાય માટે ૨૪ કલાક કાર્યરત કોલ સેન્ટર નંબર જાહેર કર્યા છે:
•    +91 11 69329333
•    +91 11 69329999
મુસાફરોને ખાસ સૂચના
જો તમારી મુસાફરી ૨૪ ફેબ્રુઆરીની હોય, તો એરપોર્ટ પર જતા પહેલા એરલાઇન સાથે સંપર્ક અવશ્ય કરી લેવો. બરફવર્ષાની આ સ્થિતિને કારણે આગામી દિવસોમાં પણ ફ્લાઇટના સમયમાં ફેરફાર થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. એરલાઇન દ્વારા અસરગ્રસ્તોને રિફંડ અથવા વૈકલ્પિક તારીખની મુસાફરી અંગેના વિકલ્પો પણ આપવામાં આવી રહ્યા છે.

(3:45 PM IST)