<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

ટ્રમ્પનો 'કબજો' લેવાનો ખતરો ટળ્યો અને ગ્રીનલેન્ડમાં પ્રવાસનનો ફૂંકાયો પવન: બરફની ચાદર વચ્ચે હવે જામશે પ્રવાસીઓનો મેળો

અમેરિકાથી સીધી ફ્લાઈટ્સ અને નવા એરપોર્ટ સાથે ગ્રીનલેન્ડ 'વર્લ્ડ ટુરિઝમ'ના નકશા પર ચમકવા તૈયાર; જોકે મોંઘવારી અને માળખાકીય સુવિધાઓ હજુ પણ મોટો પડકાર

નુઉક (ગ્રીનલેન્ડ), તા.૨૩: વિશ્વનો સૌથી મોટો ટાપુ અને બરફના સામ્રાજ્ય તરીકે ઓળખાતું ગ્રીનલેન્ડ ફરી એકવાર ચર્ચામાં છે. થોડા સમય પહેલા જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રદેશને ખરીદવાની કે તેનો કબજો લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારે આ ટાપુ ભૌગોલિક રાજકીય ગરમાવાનું કેન્દ્ર બન્યો હતો. જોકે, હવે એ ખતરો ટળી જતાં અને રાજદ્વારી સંબંધો સામાન્ય થતાં, ગ્રીનલેન્ડનું વહીવટીતંત્ર ફરીથી પર્યટન પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
અમેરિકન પ્રવાસીઓનો ભારે ધસારો
ગયા વર્ષે જૂન ૨૦૨૫ માં યુનાઇટેડ એરલાઇન્સે અમેરિકાથી ગ્રીનલેન્ડની રાજધાની નુઉક માટે સીધી ફ્લાઇટ્સ શરૂ કરી હતી. પરિણામે, ૨૦,૦૦૦ ની વસ્તી ધરાવતા આ શહેરમાં માત્ર એક ઉનાળામાં જ ૪,૫૦૦ થી વધુ અમેરિકનો ઉતરી પડ્યા હતા. ૨૦૨૪ ની તુલનામાં અહીં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. ૨૦૨૬ ના મે મહિનાથી આ સીધી ફ્લાઇટ્સ ફરી વહેલી શરૂ થવા જઈ રહી છે, જે પ્રવાસન ક્ષેત્રે નવી તેજી લાવશે.
નવા એરપોર્ટ અને કુદરતી સૌંદર્ય
ગ્રીનલેન્ડ તેના પ્રવાસન ક્ષેત્રને વિકસાવવા માટે માળખાકીય સુવિધાઓ વધારી રહ્યું છે. આગામી એપ્રિલમાં કાકોર્ટોકમાં નવું પ્રાદેશિક એરપોર્ટ અને ઓક્ટોબરમાં ઇલુલિસ્સાટમાં ટ્રાન્સએટલાન્ટિક એરપોર્ટ ખુલવા જઈ રહ્યું છે. આ નવા એરપોર્ટ્સ પ્રવાસીઓને રાજધાની નુઉકથી આગળ સાહસિક સ્થળો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. અહીંની 'ઓરોરા બોરિયલિસ' (ઉત્તરીય પ્રકાશ) અને વિશાળ ગ્લેશિયર્સ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ છે.
 
ગ્રીનલેન્ડની મુસાફરી: સાહસ પણ અને પડકાર પણ
•    ખર્ચાળ મુસાફરી: અહીં એક સાદા લેટ (Coffee) ની કિંમત ૯ ડોલર (આશરે ₹૭૫૦) અને હોટેલમાં એક રાત્રિના રોકાણનો ખર્ચ ૩૫૦ ડોલરથી વધુ હોઈ શકે છે.
•    પરિવહનની મુશ્કેલી: ૮૦% ભાગ બરફથી ઢંકાયેલો હોવાથી રસ્તાઓ બહુ ઓછા છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બોટ અથવા હેલિકોપ્ટરનો સહારો લેવો પડે છે.
•    અણધાર્યું હવામાન: ભારે પવન અને બરફવર્ષાને કારણે ગમે ત્યારે ફ્લાઇટ્સ રદ થઈ શકે છે. ગયા વર્ષે સ્થિતિ એવી હતી કે હોટેલો ફૂલ હોવાને કારણે એરપોર્ટ પર કામચલાઉ હોસ્ટેલ બનાવવી પડી હતી.
 
"અમે આઇસલેન્ડ નથી બનવા માંગતા"
ગ્રીનલેન્ડના સ્થાનિક સાહસિકોનું કહેવું છે કે અહીંનું પ્રવાસન લક્ઝરી કરતા 'સાહસ' (Adventure) વિશે વધુ છે. અહીં ફાઇવ-સ્ટાર હોટેલ્સ જેવી સુવિધાઓ કદાચ ન મળે, પણ કુદરતનું જે અસલી અને કાચું સ્વરૂપ જોવા મળે છે, તે દુનિયામાં બીજે ક્યાંય નથી.
ભલે અહીં મોંઘવારી વધુ હોય અને 'એમેઝોન પ્રાઇમ' જેવી સુવિધાઓ ન પહોંચતી હોય, પણ આર્કટિક આતિથ્ય અને ફજોર્ડ્સની સુંદરતા માણી રહેલા પ્રવાસીઓ માટે આ અનુભવ અનમોલ સાબિત થઈ રહ્યો છે.

(3:26 PM IST)