News of Monday, 23rd February 2026
બાંગ્લાદેશના રાજકારણમાં મોટો વિસ્ફોટ: રાષ્ટ્રપતિએ મોહમ્મદ યુનુસ સામે ખોલ્યો મોરચો, "મને અંધારામાં રાખી બંધારણના લીરેલીરા ઉડાડ્યા"
વિદેશ પ્રવાસોથી લઈને અમેરિકા સાથેના કરારો સુધી રાષ્ટ્રપતિને રાખ્યા બાકાત; દૂતાવાસોમાંથી રાષ્ટ્રપતિના ફોટા હટાવવા સુધીનું ખતરનાક કાવતરું

ઢાકા, તા.૨૩: પડોશી દેશ બાંગ્લાદેશમાં સત્તાપલટા બાદ ફરી એકવાર રાજકીય ધરતી ધ્રૂજી ઉઠી છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને વચગાળાની સરકારના વડા અને નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસ પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે કે યુનુસે તેમના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રપતિ પદને નબળું પાડવા અને તેમને રાજકીય રીતે એકલા પાડી દેવા માટે બંધારણની તમામ મર્યાદાઓ ઓળંગી દીધી હતી.
૧૫ વિદેશ પ્રવાસો કર્યા પણ રાષ્ટ્રપતિને ગંધ સુધ્ધાં ન આવી!
બંગાળી અખબાર 'કાલેર કંથો'ને આપેલા ઇન્ટરવ્યુમાં રાષ્ટ્રપતિ શહાબુદ્દીને ઘટસ્ફોટ કર્યો કે, મોહમ્મદ યુનુસે તેમના કાર્યકાળ દરમિયાન ૧૪ થી ૧૫ વખત વિદેશ પ્રવાસો કર્યા હતા. બંધારણ મુજબ મુખ્ય સલાહકારે દરેક પ્રવાસની માહિતી રાષ્ટ્રપતિને લેખિતમાં આપવાની હોય છે, પરંતુ યુનુસે એક પણ વાર તેમને જાણ કરવાની તસ્દી લીધી નહોતી. એટલું જ નહીં, અમેરિકા સાથેના મહત્વના આંતરરાષ્ટ્રીય કરારો વિશે પણ રાષ્ટ્રપતિને અંધારામાં રાખવામાં આવ્યા હતા.
દૂતાવાસોમાંથી ફોટા હટાવ્યા અને કાર્યક્રમોમાં જવા પર પ્રતિબંધ
રાષ્ટ્રપતિએ ગંભીરતાથી જણાવ્યું કે દેશ-વિદેશમાં તેમની છબી ખરડવાના વ્યવસ્થિત પ્રયાસો થયા હતા. વિદેશમાં આવેલા બાંગ્લાદેશી દૂતાવાસોમાંથી રાષ્ટ્રપતિના સત્તાવાર ફોટોગ્રાફ્સ હટાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પરંપરા મુજબ જે યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ હાજર રહેતા હોય છે, ત્યાં તેમને જતા રોકવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિના જણાવ્યા મુજબ, તેમના પ્રેસ વિભાગને પણ પાંગળો બનાવી દેવામાં આવ્યો હતો જેથી તેઓ પોતાની વાત જનતા સુધી ન પહોંચાડી શકે.
રાષ્ટ્રપતિના મુખ્ય આરોપો:
• બંધારણીય ઉલ્લંઘન: રાષ્ટ્રપતિ સાથે કોઈ પણ મહત્વના નીતિગત નિર્ણયમાં સલાહ-સૂચન લેવામાં ન આવ્યું.
• પ્રવાસ પર રોક: રાષ્ટ્રપતિને મળેલા કતાર અને કોસોવોના સત્તાવાર આમંત્રણો સરકાર દ્વારા કોઈ પણ ચર્ચા વગર રદ કરી દેવાયા.
• પદ છોડવાનું દબાણ: ૨૨ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ એક ટોળા દ્વારા રાષ્ટ્રપતિ ભવન (બંગભવન) ઘેરીને તેમને રાજીનામું આપવા મજબૂર કરવાનું કાવતરું ઘડાયું હતું.
"મારું લોહી વહેશે તો પણ બંધારણ નહીં છોડું"
રાષ્ટ્રપતિ શહાબુદ્દીને મક્કમતાથી કહ્યું કે, ભલે તેમને હટાવવા માટે ગમે તેટલા ગેરબંધારણીય પ્રયાસો થાય અથવા તેમનું લોહી વહેવડાવવામાં આવે, પરંતુ તેઓ બંધારણીય વ્યવસ્થાને તૂટવા દેશે નહીં. તેમણે એમ પણ ઉમેર્યું કે તેમને સેના અને વિરોધ પક્ષ BNPના નેતાઓનું સમર્થન મળ્યું છે, જેમનું માનવું છે કે રાષ્ટ્રપતિને ગેરબંધારણીય રીતે હટાવવા દેશ માટે ઘાતક સાબિત થશે.
બાંગ્લાદેશમાં સર્જાયેલી આ ખેંચતાણ હવે કયું નવું વળાંક લેશે અને મોહમ્મદ યુનુસ આ ગંભીર આરોપો પર શું પ્રતિક્રિયા આપશે, તેના પર આખા વિશ્વની નજર છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
